VADODARA : ફૂગવાળી મીઠાઇ વેચનાર લક્ષ્મી ફરસાણને ત્યાં ફરી ચેકીંગ
VADODARA : વડોદરા પાલિકા (VADODARA - VMC) ની મુખ્ય કચેરીથી જુજ અંતરે આવેલી લક્ષ્મી ફરસાણ (LAKSMI FARSAN SWEET UNHYGIENIC CONDITION WITH FUNGI - VADODARA) નામની દુકાનમાંથી કોંગ્રેસના શહેર મહામંત્રીએ મીઠાઇ ખરીદી હતી. બીજા દિવસે મીઠાઇને ખોલતા તેમાં ફૂગ બાઝેલી મળી આવી હતી. જેથી તેઓ તુરંત દુકાને પહોંચ્યા હતા. સાથે જ પાલિકામાં પણ જાણ કરી હતી. જે બાદ પાલિકાની ટીમોએ સ્થળ તપાસ કરીને નોટીસ ફટકારી હતી. જે બાદ આજે વધુ એક વખત લક્ષ્મી ફરસાણને ત્યાં પાલિકાની ટીમોએ ચેકીંગ હાથ ધર્યું છે.
નિયમ મુજબ શિડ્યુલ - 4 ની નોટીસ આપી હતી
આ તકે, પાલિકાની ખોરાક શાખાના અધિકારી પ્રશાંત ભાવસારે મીડિયાને જણાવ્યું કે, અમે અગાઉ ચેકીંગની કામગીરી કરી હતી. પરંતુ ત્યાર બાદ તેમને સમયમર્યાદામાં લાયસન્સ અંતર્ગત ઇન્સ્પેક્શનની સૂચના આપી હતી. તેના અનુસંધાને તપાસ કરવામાં આવી છે. આજે કોમન સેમ્પલ અને સર્વેલન્સ સેમ્પલ બંને મહત્તમ નમુના લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. અગાઉ તેમને બાલુશાહીની મીઠાઇ ખરીદી હતી. અને તેમાંથી ફૂગ જણાઇ આવી હતી. તે સમયે તેમની ફરિયાદના આધારે અમે સ્થળ પર હાજર થયા હતા. અમે નિયમ મુજબ શિડ્યુલ - 4 ની નોટીસ આપી હતી. તેમણે જે તે સમયે જે બાલુશાહી મીઠાઇ બતાવી હતી. તેમાં ફૂગ દેખાતી હતી. તેમણે અગાઉની નોટીસ પ્રમાણેની 50 - 70 ટકા જેટલી કામગીરી કરી છે. પણ કેટલીક જગ્યાએ સાફસફાઇનો અભાવ છે, જેની અમે તેમને જાણ કરી છે.
આટલું કહ્યા બાદ પણ તેઓ સ્વચ્છતાને લઇને જાગૃત થયા નથી
ફરિયાદી હસમુખ પરમારે મીડિયાને જણાવ્યું કે, બે દિવસ પહેલા મેં અહીંયાથી મીઠાઇ લીધી હતી. મીઠાઇમાંથી ફૂગ નીકળી હતી. પછી આરોગ્ય વિભાગમાં જાણ કરી હતી. ત્યાર બાદ ટીમો તપાસમાં આવી હતી. જેમાં ગંભીર બેદરકારી જણાઇ આવી હતી. અત્યારે પણ સફાઇનો અભાવ છે. માવાની બાજુમાં જ ઝાડુ મુકી રાખ્યું છે. મને અત્યારે પણ દુખ થયું છે, આટલું કહ્યા બાદ પણ તેઓ સ્વચ્છતાને લઇને જાગૃત થયા નથી. આની સામે નિયમાનુસાર કડક કાર્યવાહી થવી જોઇએ. આને સીલ પણ મારવું પડે તો મારો.
શેકવામાં કાચી રહી ગઇ હોય તો તેમ થઇ શકે
દુકાનદારે મીડિયાને જણાવ્યું કે, અમે સાફસફાઇ રાખ્યું છે. રસોડામાં સાફસફાઇનું કામ ચાલે, ત્યારે થોડીક ગંદકી રહે છે. અગાઉ મીઠાઇમાં ફૂગ લાગી હતી, તે શેકવામાં કાચી રહી ગઇ હોય તો તેમ થઇ શકે છે. પાલિકાના સાહેબે જે અમને અગાઉ લેખિતમાં આપ્યું હતું. તેનું મોટા ભાગનું કામ કરી દેવામાં આવ્યું છે. થોડુંક-ઘણુંક રહી ગયું છે.
આ પણ વાંચો --- VADODARA : Sayaji Hotel ની મનમાની રોકવા કોર્પોરેટર મેદાને આવ્યા


