VADODARA : માત્ર લારી-ગલ્લાના દબાણો પર તવાઇ આવતા સામી લડતના એંધાણ
VADODARA : વડોદરા (VADODARA) માં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની ઘાતકી હત્યા (EX. BJP CORPORATOR SON MURDER - VADODARA) બાદ શહેરભરમાં લારી-ગલ્લા સહિતના દબાણો દુર કરવાની (ENCROACHMENT REMOVAL DRIVE - VADODARA) કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ચોક્કસ વિસ્તારોમાં જ આ કાર્યવાહી કરવામાં આવતી હોવાના આરોપ સાથે હવે લોકો એકત્ર થઇ રહ્યા છે. અને મોટા દબાણોને છોડીને નાના દબાણો પણ થતી કાર્યવાહીના વિરોધમાં બુધવારે પાલિકાની કચેરીએ વિરોધ દર્શાવવાનું નક્કી કર્યું છે. જેને લઇને ગતરાત્રે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
પરિવારો માટે રોજીરોટીનું સાધન હતા
વડોદરામાં ગત મહિને ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશભાઇ રાજાના પુત્ર તપન પરમારની પોલીસની નજર સામે તિક્ષણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ પાલિકા અને પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવો ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લારી-ગલ્લા, શેડ તથા વાહનોના દબાણો દુર કરવામાં આવ્યા હતા. આ દબાણો પૈકી મોટા ભાગના લારી-ગલ્લા હતા. જે પરિવારો માટે રોજીરોટીનું સાધન હતા. બીજી તરફ શહેરમાં મોટા બિલ્ડીંગ, મોલના દબાણો પણ આવેલા છે. તેની સામે તંત્ર આંખમિચાણા કરી રહ્યું હોય અને માત્ર નાના દબાણો પર જ કાર્યવાહી કરવામાં આવી રહી હોય તેવું શહેરીજનોનું માનવું છે. જેથી આ વાતને લઇને સામી લડત આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
તેઓ તેમની નિષ્ફળતા ઢાંકવા માટે આ કરી રહ્યા છે
વડોદરા નાગરિક સંઘર્ષ મંંચ તપસ દાસગુપ્તાએ મીડિયાને જણાવ્યું કે, આ નાગરિકોનું સંગઠન છે. નાગરિક તરીકે આપણા અધિકારીઓ બચાવવા માટેની જરૂરિયાત આવી પડી છે. લારી-ગલ્લાના દબાણો દુર કરવામાં આવ્યા, પરંતુ શું તમે વર્ષ 2014 ના કાયદાનું પાલન કર્યું છે ? 10 વર્ષ વિતી ગયા છે, તમે અમલમાં નથી લાવતા. અને લારી-ગલ્લાવાળા સામે કાર્યવાહી કરી રહ્યા છે. હકીકતે પાલિકા તંત્ર ખોટી રીતે લારી-ગલ્લા હટાવી રહ્યું છે. તેઓ તેમની નિષ્ફળતા ઢાંકવા માટે આ કરી રહ્યા છે. પૂરમાં આપણે સૌએ જોયું અને જાણ્યું મોટા મોટા બિલ્ડરોના હોટલ, બિલ્ડીંગ, અગોરા મોલથી લઇને અનેક દ્વારા ખોટી રીતે કાંસ પર દબાણ કર્યા હતા.
તંત્ર રોજગાર ઝૂંટવી ના શકે
વધુમાં તેમણે જણાવ્યું કે, ત્યારે વડોદરાના લોકોની માંગ હતી કે, આ બધા દબાણો હટાવો. પરંતુ તંત્ર અને સરકાર તેને હટાવી નથી રહ્યા, તેમાં તેઓ નિષ્ફળ રહ્યા છે. અને એટલે જ માત્ર ગણતરીના વિસ્તારોમાં કાર્યવાહી કરીને લોકોનું ધ્યાન બીજે દોરી રહ્યા છે. આ ચિંતાની બાબત છે. વડોદરાના કામદારો અને ગરીબ લોકોના હિત માટે અમારે લડવાનું છે. તેમને રોજગારીનો હક છે. તંત્ર રોજગાર ઝૂંટવી ના શકે. અમારો અવાજ પહોંચાડવા માટે અમે ત્યાં જઇ રહ્યા છે. અત્યારે લારી-ગલ્લા એસો.ના નામે જ વિરોધ દર્શાવવાના છીએ. અમે વિવિધ સંગઠનો તેમાં જોડાઇ રહ્યા છીએ.
આ પણ વાંચો -- સાંસદ Mansukh Vasava ના પત્ર બાદ Bharuch તંત્રની ઊંઘ ઉડી, ખનીજ વિભાગ આવ્યું એક્શનમાં


