VADODARA : પૂર્વ વિસ્તારમાં 9 દિવસમાં 2800 થી વધુ પાણીની ટેન્કરો મોકલાઇ
VADODARA : વડોદરાના પૂર્વ વિસ્તારમાં વિતેલા 9 દિવસમાં 2800 થી વધુ પાણીની ટેન્કરો મોકલીને જથ્થો પુરો પાડવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. જેને પગલે શહેરમાં છુપાપગે ટેન્કર રાજ પ્રવેશી રહ્યું હોય તેવા સંકેતો મળી રહ્યા છે. પૂર્વ વિસ્તારમાં પાલિકાના માનીતા કોન્ટ્રાક્ટર વેલજી રત્ન સોરઠિયાના પાપે લોકોને ચોખ્ખું પાણી નહીં મળતું હોવાનું ખુદ ભાજપના કોર્પોરેટર કહી ચુક્યા છે. આંકડા જોતા રોડ પાલિકા દ્વારા 300 થી વધુ ટેન્કરો પાણી માટે દોડાવવામાં આવી રહી છે. (VMC SENT WATER TANKER TO THE PEOPLE DUE TO DEMAND AND ISSUE - VADODARA)
કોઇ કાયમી ઉકેલ આવતો નથી
વડોદરા શહેર - જિલ્લા પાસે પીવાના પાણીના પર્યાપ્ત સ્ત્રોત છે. પરંતુ તેના મેનેજમેન્ટમાં પાલિકાનું તંત્ર કેટલું પાવરધું છે, તે સૌ કોઇ શહેરવાસી જાણે જ છે. પહેલા ચોમાસામાં પાણીની તકલીફ ઉઠતી હતી, હવે ઉનાળામાં પણ તે જોવા મળી રહી છે. વિતેલા 9 દિવસમાં પાલિકા તંત્ર દ્વારા 2800 થી વધુ પાણીની ટેન્કરો મોકલાઇ હોવાનું સામે આવ્યું છે. પૂર્વ વિસ્તારની હાલત દિવસેને દિવસે બદતર થતી જાય છે. પૂર્વ વિસ્તારમાં પાણી દુષિત અને ઓછા પ્રેશરથી આવતું હોવાની બુમો છેલ્લા કેટલાય દિવસોથી ઉઠી રહી છે. પરંતુ તેનો કોઇ કાયમી ઉકેલ આવતો નથી. ત્વરિત ઉકેલનની જગ્યાએ ટેન્કર રાજ ચલાવવામાં આવી રહ્યું છે.
પૂર્વ સાથે દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારમાં પણ ટેન્કરો મોકલવામાં આવી રહ્યા છે
પૂર્વ વિસ્તારમાં આજવા રોડ, વાઘોડિયા, બાપોદ, ડભોઇ રોડ, દંતેશ્વર, તરસાલી, સરદાર એસ્ટેટ, ન્યુ વીઆઇપી રોડ સહિતના પૂર્વ વિસ્તારમાં રોજે રોજ 300 થી વધુ પાણીના ટેન્કરો પહોંચી રહ્યા છે. ફાયર બ્રિગેડ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા આ ટેન્કરો થકી પાણી લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. બીજી તરફ માત્ર પૂર્વ વિસ્તાર જ નહીં પરંતુ દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારમાં પણ ટેન્કરો મોકલવામાં આવી રહ્યા છે. આ વિસ્તારોમાં મોકલાતા ટેન્કરની સંખ્યા અંદાજીત પ્રતિદિન 50 જેટલી થવા પામે છે. વડોદરાના ત્રણ વિસ્તારોમાં ટેન્કર રાજ પર દિવસો કાઢતા લોકોની સમસ્યા ક્યારે કાયમી દુર થાય છે, તેના પર સૌ કોઇની નજર રહેલી છે. વિતેલા 9 દિવસમાં પાણી પુરવઠા વિભાગે 2,810 અને ફાયર બ્રિગેડ દ્વારા 371 પાણીના ટેન્કરો પહોંચાડ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો --- VADODARA : ધારાસભ્ય દ્વારા સૂચિત કામોનું તેમની ગેરહાજરીમાં ખાતમૂહુર્ત નક્કી થતાં વિવાદ


