VADODARA : પત્ની જોડે ઝઘડો થયા બાદ પતિએ ભગવાનની મૂર્તિ ખંડિત કરી
VADODARA : વડોદરા પાસે આવેલા વાઘોડિયા પોલીસ મથક (WAGHODIA POLICE STATION) ની હદમાં વિચિત્ર કિસ્સો સપાટી પર આવ્યો છે. પતિ અને પત્ની વચ્ચે ખટરાગ થયા બાદ આવેશમાં આવીને પતિએ ગામની ભાગોળમાં આવેલા પૌરાણિક મંદિરમાં જઇને મૂર્તિની તોડફોડ મચાવી છે. ઘટના અંગે જાણ થતા જ આસપાસના લોકો સ્થળ પર દોડી ગયા હતા. અને હકીકત જોઇ અને જાણીને અચંબામાં મુકાઇ ગયા હતા. આખરે મંદિરની મૂર્તિને ખંડિત કરનાર શખ્સ સામે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ચકાએ ભગવાનની મૂર્તિ ખંડિત થાય તેવુ કૃત્ય કર્યું
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, વાઘોડિયાના ગંભીરપુરા ગામે વિશ્વનાથ ઉર્ફે ચકો દિલીપ રાઠોડ તેના પત્ની સાથે રહે છે. તાજેતરમાં દંપતિ વચ્ચે કોઇ મામલે ખટરાગ થયો હતો. જે બાદ ચકો ગામની ભાગોળે આવેલા ભગવાન વિષ્ણુના મંદિરે પહોંચ્યો હતો. આક્રોશિત ચકાએ ભગવાનની મૂર્તિ ખંડિત થાય તેવુ કૃત્ય કર્યું હતું. અને ત્યાર બાદ ત્યાંથી જતો રહ્યો હતો. મંદિરમાંથી કોઇક અવાજ આવતા આસપાસના લોકો ત્યાં દોડીને ગયા હતા. મંદિરમાં જઇને જોતા તમામે જે જોયું તે બાદ તેઓ ચોંકી ઉઠ્યા હતા.
સ્થાનિકોમાં નારાજગી સાથે ગુસ્સો જોવા મળી રહ્યો છે
સ્થાનિક સુત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં ગ્રામજનોએ આ લોકફાળો ઉઘરાવીને આ મંદિરનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. આ મંદિર પૌરાણિક હોવાથી સ્થાનિકો તેમાં મોટી આસ્થા ધરાવે છે. ત્યારે આ રીતે ગૃહકલેશ થતા શખ્સે મંદિરને પોતાના રોષનો ભોગ બનાવતા સ્થાનિકોમાં નારાજગી સાથે ગુસ્સો જોવા મળી રહ્યો છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આ કૃત્ય કરવાથી મંદિરની સંપત્તિને રૂ. 25 હજાર જેટલું નુકશાન પહોંચ્યું છે. સ્થાનિકોનું માનવું છે કે, આરોપીે દબોચી લઇને તેની પાસેથી આ કૃત્ય કરવા પાછળનો ઇરાદો જાણવો જોઇએ.
આ પણ વાંચો -- VADODARA : પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા, માથાકુટનો કરૂણ અંત


