VADODARA : વાસી ઉત્તરાયણે પતંગની દોરીએ જીવનનો પેચ કપાયો
VADODARA : વડોદરા (VADODARA) માં ઉત્તરાયણ પર્વ પર શહેરમાં 30 થી વધુ લોકો પતંગના દોરા તથા ધાબા પરથી પડી જવાના કારણે ઇજાગ્રસ્ત થયા હતા. અને તે પૈકી 4 નું મોત નિપજ્યું હતું. પરંતુ વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં તો વાસી ઉત્તરાયણના દિવસે પણ પતંગનો દોરો મોતનું કારણ બન્યો હતો. પેટ્રોલ પુરાવીને ટુ વ્હીલર પર પરત ફરતા યુવકના ગળામાં પતંગનો દોરો ભરાતા ઉંડો ઘા થઇ ગયો હતો. અને લોહી નીતરવાનું શરૂ થઇ ગયું હતું. કોઇ કંઇ સમજે તે પહેલા જ યુવક તરફડીયા મારતો સ્થળ પર જ ફસડાઇ પડ્યો હતો. અને દમ તોડી દીધો હતો. ઘટનાને પગલે પરિવારમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.
પતંગના દોરા વડે તેને ગળે ઘસરકો લાગ્યો
વડોદરા ગ્રામ્યમાં આવેલા પાદરા (VADODARA - PADRA) ના મજાતણ ખાતે રહેતો મહેશ ગણપતભાઇ પરમાર (ઉં. 24) વાસી ઉત્તરાયણના દિવસે પોતાનું ટુ વ્હીલર લઇને કરખડી ચોકડીએ પેટ્રોલ ભરાવવા ગયો હતો. ત્યાંથી કામ પતાવાની પરત ફરતી વેળાએ કરખડી ચોકડીથી મજાતણ ગામની વચ્ચે આવેલી ખાનગી કંપની નજીકના રોડ પર તુટેલી પતંગના દોરા વડે તેને ગળે ઘસરકો લાગ્યો હતો.
વડુ પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરાવી
આ ઘસરકાના કારણે યુવકના ગળે ઉંડો ઘા થયો હતો. જેના કારણે તેને લોહી નીકળવાનું શરૂ થઇ ગયું હતું. આ ઘટના જોનારા કોઇ કંઇ સમજે તે પહેલા જ યુવક તરફડીયા મારતો ફસડાઇને જમીન પર પડ્યો હતો. અને તેણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. ઘટનાને પગલે પરિજનો સ્થળ પર દોડી આવ્યા હતા. સમગ્ર મામલે મૃતકના ભાઇ અરવિંદ પરમાર એ વડુ પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરાવી હતી. જે બાદ આ મામલે હેડ કોન્સ્ટેબલ દેવલભાઇ વેચલાભાઇને તપાસ સોંપવામાં આવી છે.
આ પણ વાંચો -- VADODARA : નશામાં ચૂર બનીને ભાન ભૂલેલો નાયબ મામલતદાર ફરજ મોકૂફ કરાયો


