New Delhi : રાજનાથ સિંહ, અજિત ડોભાલ બાદ હવે એસ. જયશંકર જશે ચીનના પ્રવાસે
- વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર પણ આવતા સપ્તાહે ચીનની મુલાકાત લેશે
- રાજનાથ સિંહ, અજિત ડોભાલ પછીની આ મુલાકાત મહત્વની ગણાઈ રહી છે
- શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે
New Delhi : વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર (Dr. S. Jaishankar) આવતા સપ્તાહે ચીન પ્રવાસે જવાના છે. ઉલ્લેખનીય છે કે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ (Ajit Doval) તાજેતરમાં જ ચીનની મુલાકાતે જઈ આવ્યા છે. હવે એસ. જયશંકરની ચીનની આ મુલાકત બહુ સૂચક મનાઈ રહી છે. ગલવાન હુમલા બાદ વિદેશમંત્રી એસ. જયશંકર પ્રથમ વાર ચીન જઈ રહ્યા છે.
SCO સમિટમાં ભાગ લેશે
વિદેશ મંત્રી એસ. જયશંકર આવતા સપ્તાહે ચીન જઈ રહ્યા છે. જ્યાં તેઓ SCO વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપશે. ગલવાન ખીણમાં થયેલા હુમલા બાદ આ તેમની પહેલી ચીનની મુલાકાત હશે. વિદેશ મંત્રી એસ. જયશંકર 13 જુલાઈથી 3 દિવસની મુલાકાતે બેઈજિંગ અને તિયાનજિન જશે. જ્યાં તેઓ શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. આ વર્ષે SCO ની અધ્યક્ષતા ચીન દ્વારા કરવામાં આવી છે. આ મુલાકાતને દ્વિપક્ષીય સંબંધોને ફરીથી પહેલા જેવા બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવી રહી છે.
દ્વિપક્ષીય સંબંધો માટે આ મુલાકાત મહત્વની
વિદેશ મંત્રીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત-ચીન સંબંધોને સામાન્ય બનાવવા માટે ઘણી ઉચ્ચ-સ્તરીય બેઠકો થઈ છે. ઓક્ટોબર 2023 માં રશિયાના કાઝાનમાં બ્રિક્સ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની દ્વિપક્ષીય મુલાકાતે આ પ્રક્રિયાને વેગ આપ્યો હતો. 5 વર્ષમાં પહેલી વાર પ્રતિનિધિમંડળ સ્તરે આ બેઠક યોજાઈ હતી.
આ પણ વાંચોઃ Mumbai : ઠાકરે ભાઈઓ 20 વર્ષ બાદ એક મંચ પર, જાણો કેમ આવ્યા સાથે
રાજનાથ સિંહ અને ડોભાલ પણ લઈ ચૂક્યા છે ચીનની મુલાકાત
વિદેશ મંત્રી એસ. જયશંકરની મુલાકાત અગાઉ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ બેઈજિંગની મુલાકાત લીધી છે. તેમણે પણ ભારત અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે. ચીનના વિદેશપ્રધાન વાંગ યી સાથે ડોભાલની મુલાકાતમાં, ભારત-ચીન સંબંધોની તાજેતરની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી અને દ્વિપક્ષીય વિકાસને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આતંકવાદ સામે સંયુક્ત કાર્યવાહીની જરૂરિયાત પર પણ ચર્ચા કરવામાં આવી હતી. SCO ના સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ચીનના સંરક્ષણ પ્રધાન એડમિરલ ડોંગ જુનને મળ્યા હતા. બેઠકમાં બંને પક્ષોએ ભારત-ચીન સરહદ પર શાંતિ અને સ્થિરતા જાળવવાની જરૂરિયાત પર વિગતવાર ચર્ચા કરી હતી.
આ પણ વાંચોઃ Anand : અમિત શાહે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું કર્યુ ભૂમિપૂજન, દેશની પ્રથમ સહકારી યુનિ. આણંદમાં બનશે


