ફ્રાંસ પહોંચ્યા પીએમ મોદી, ઉષ્માભેર સ્વાગત માટે રાષ્ટ્રપતિ મૈક્રો પોતે પહોંચ્યા અને ભેટી પડ્યાં
- વડાપ્રધાન મોદીનું ખુબ જ ઉષ્માભેર ફ્રાંસમાં સ્વાગત
- ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોએ ગળે લગાવીને સ્વાગત કર્યું
- વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરીને તસ્વીરો શેર કરી
PM Modi meets French President Emmanuel Macron : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે ત્રણ દિવસની મુલાકાતે ફ્રાન્સ પહોંચ્યા, જ્યાં તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે 'એઆઈ એક્શન સમિટ'ની સહ-અધ્યક્ષતા કરશે અને તેમની સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, "થોડા સમય પહેલા જ પેરિસ પહોંચી ગયો, અહીં અલગ અલગ કાર્યક્રમોની પ્રતિક્ષા કરી રહ્યો છું, જે એઆઇ, ટેક્નોલોજી અને નવાચાર જેવા ભવિષ્યના ક્ષેત્રો પર કેન્દ્રીત હશે. "
પીએમ મોદીનું ભવ્ય સ્વાગત
પ્રધાનમંત્રીનું હોટેલમાં આગમન થતાં ભારતીય સમુદાય દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી મોદીએ પોસ્ટમાં કહ્યું, "પેરિસમાં એક યાદગાર સ્વાગત! ઠંડી હોવા છતાં, ભારતીય સમુદાયે આજે સાંજે પોતાનો પ્રેમ દર્શાવ્યો. અમે અમારા વિદેશી સમુદાયના આભારી છીએ અને તેમની સિદ્ધિઓ પર ગર્વ અનુભવીએ છીએ."
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ કર્યું ટ્વીટ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે એક્સ પોસ્ટમાં લખ્યું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેરિસ પહોંચી ગયા છે, જ્યાં તેમનું ખાસ સ્વાગત કરવામાં આવ્યું હતું, ફ્રાન્સના સશસ્ત્ર દળોના મંત્રી સાબેલાકોર્નુએ એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું."
રાત્રીભોજનમાં પણ પીએમ રહેશે હાજર
સશસ્ત્ર દળોના મંત્રીએ 'X' પર મોદીનું ફ્રાન્સમાં સ્વાગત કરતી પોસ્ટ પણ મૂકી. સ્થાનિક સમય મુજબ સાંજે, મોદી સરકાર અને રાજ્યના વડાઓના સન્માનમાં એલિસી પેલેસ ખાતે રાષ્ટ્રપતિ મેક્રોન દ્વારા આયોજિત રાત્રિભોજનમાં હાજરી આપશે.
અનેક ક્ષેત્રની હસ્તીઓ રહેશે રાત્રિભોજમાં હાજર
આ રાત્રિભોજનમાં ટેકનોલોજી ક્ષેત્રના સીઈઓ અને સમિટમાં આમંત્રિત અન્ય ઘણા મહાનુભાવો પણ હાજરી આપે તેવી શક્યતા છે. મંગળવારે, પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિ મેક્રોન સાથે 'એઆઈ એક્શન સમિટ'ની સહ-અધ્યક્ષતા કરશે.
પ્રવાસ અંગે આતુરતા વ્યક્ત કરી ચુક્યા છે મેક્રો
ફ્રાન્સ જતા પહેલા પોતાના નિવેદનમાં મોદીએ કહ્યું, "હું વિશ્વ નેતાઓ અને વૈશ્વિક ટેકનોલોજી સીઈઓનું એક પરિષદ, AI એક્શન સમિટના સહ-અધ્યક્ષપદ માટે આતુર છું, જ્યાં આપણે સમાવિષ્ટ, સુરક્ષિત અને વિશ્વસનીય રીતે નવીનતા અને વ્યાપક જન કલ્યાણને આગળ વધારવા માટે AI ટેકનોલોજી પ્રત્યે સહયોગી અભિગમ પર વિચારો શેર કરીશું."
મઝાર્ગેસ યુદ્ધ સ્મારકની મુલાકાત લેશે
મોદી અને મેક્રોન પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત પણ કરશે અને ભારત-ફ્રાન્સ સીઈઓ ફોરમને સંબોધિત કરશે. બુધવારે, બંને નેતાઓ પ્રથમ વિશ્વયુદ્ધમાં પોતાના જીવનનું બલિદાન આપનારા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે મઝારગ્યુસ યુદ્ધ સ્મારકની મુલાકાત લેશે. તેઓ માર્સેલીમાં ભારતના નવા કોન્સ્યુલેટનું ઉદ્ઘાટન કરશે.
મોદી અને મેક્રોન એક ઉચ્ચ-વિજ્ઞાન પ્રોજેક્ટ, ઇન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર (ITER) ના સ્થળ, કેડારાચેની મુલાકાત લેશે. અધિકારીઓના મતે, મોદીની ફ્રાન્સની આ છઠ્ઠી મુલાકાત છે. મોદી તેમના બે દેશોના પ્રવાસના બીજા તબક્કામાં ફ્રાન્સથી અમેરિકા જશે.


