અમેરિકાનો દબાવ બેઅસર, રશિયા જોડેથી ઓઇલ ખરીદીમાં ભારતની હિસ્સેદારી વધી
- અમેરિકાએ ભારત સહિત અનેક દેશો પર ટેરિફ લાદ્યો છે
- રશિયા જોડેથી ઓઇલની ખરીદી નહીં કરવા માટે લાવ્યા દબાણ
- યુરોપિયન સંસ્થા દ્વારા જારી કરવામાં આવેલી માહિતીમાં હકીકત સામે આવી
India Buy Russian Oil Share Increase : છેલ્લા કેટલાક મહિનાઓથી, ટેરિફ અને અન્ય પ્રતિબંધો દ્વારા ભારત પર દબાણ લાવવાના અમેરિકાના પ્રયાસો નિષ્ફળ થતા દેખાય છે. તાજેતરમાં, માહિતી સામે આવી છે કે, નવેમ્બરમાં રશિયાથી ભારતની ક્રૂડ ઓઇલની આયાતમાં વધારો થયો છે. અહેવાલો અનુસાર, રશિયાથી ભારતની તેલ આયાત નવેમ્બરમાં 4 ટકા વધીને પાંચ મહિનાની ઊંચી સપાટી પર પહોંચીને 2.6 અબજ યુરો પર થઇ ગઇ છે. યુરોપિયની રિસર્સ એજન્સીએ તાજેતરમાં આ માહિતી જાહેર કરી છે.
ભારતનું બીજું સ્થાન રહ્યું
સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર (CREA) એ એક અહેવાલમાં જણાવ્યું હતું કે, નવેમ્બરમાં ચીન પછી ભારત રશિયન ક્રૂડ ઓઇલનો બીજો સૌથી મોટો ખરીદદાર હતો. અગાઉ, ઓક્ટોબરમાં, ભારતે રશિયા પાસેથી 2.5 અબજ યુરો મૂલ્યનું ક્રૂડ ઓઇલ ખરીદ્યું હતું. અહેવાલ મુજબ, નવેમ્બરમાં રશિયાની કુલ ક્રૂડ ઓઇલ નિકાસમાંથી 47 ટકા ચીનને ગયું હતું, જ્યારે 38 ટકા ભારતમાં આવ્યું હતું. અન્ય ખરીદદારોમાં, તુર્કીનો હિસ્સો 6 ટકા, અને યુરોપિયન યુનિયનનો હિસ્સો 6 ટકા હતો.
ડિસેમ્બરમાં વધુ ખરીદી થઇ શકે છે
CREA એ અહેવાલ આપ્યો છે કે, ઓક્ટોબરની તુલનામાં રશિયાથી ભારતની ક્રૂડ ઓઇલની આયાતમાં ચાર ટકાનો વધારો થયો છે, છેલ્લા પાંચ મહિનામાં આ સૌથી વધુ ખરીદી હતી. સંગઠનનો અંદાજ છે કે, ડિસેમ્બરમાં ખરીદીમાં વધુ વધારો થઈ શકે છે, કારણ કે, રશિયન તેલ પર યુએસ પ્રતિબંધો અમલમાં આવે તે પહેલાં જ કેટલાક ઓઇલ ટેન્કરો રવાના થઈ ગયા છે.
ખાનગી કંપનીઓએ ખરીદી બંધ કરી
ઉલ્લેખનીય છે કે, 22 ઓક્ટોબરના રોજ, યુએસે રશિયાની તેલ કંપનીઓ રોઝનેફ્ટ અને લુકોઇલ પર પ્રતિબંધો લાદ્યા હતા, ત્યારબાદ ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો હતો, જેમાં રશિયન ઓઇલની ખરીદીનો ઉલ્લેખ કર્યો હતો. આ પ્રતિબંધો પછી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HPCL, HPCL-મિત્તલ એનર્જી અને મેંગલોર રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સ લિમિટેડે રશિયન તેલની આયાતને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી હતી.
સરકારી કંપનીઓની ખરીદી જારી
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન જેવી જાહેર ક્ષેત્રની કંપનીઓએ બિન પ્રતિબંધિત રશિયન સપ્લાયર્સ પાસેથી ખરીદી કરવાનું ચાલુ રાખ્યું છે. CREA એ અહેવાલ આપ્યો છે કે, "નવેમ્બરમાં ખાનગી તેલ કંપનીઓ દ્વારા આયાતમાં થોડો ઘટાડો થયો હતો, ત્યારે રાજ્ય માલિકીની તેલ કંપનીઓએ રશિયન ક્રૂડ તેલની ખરીદીમાં 22 ટકાનો વધારો કર્યો હતો."
સૌથી મોટો ગ્રાહક બન્યું ભારત
નોંધવું રહ્યું કે, 2022 માં યુક્રેનિયન યુદ્ધ શરૂ થયા પછી, વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર ભારત રશિયાનો સૌથી મોટો ગ્રાહક બન્યો હતો. રશિયા એક સમયે આયાતમાં એક ટકા કરતા પણ ઓછો હિસ્સો ધરાવતું હતું, તે હવે ભારતના કુલ તેલ આયાતના લગભગ 40 ટકા સુધી પહોંચી ગયું છે. ત્યારબાદના ઘટાડા છતાં, રશિયાએ નવેમ્બરમાં ભારતના કુલ ક્રૂડ ઓઇલ પુરવઠામાં 35 ટકા ફાળો રહ્યો હતો.
રિફાઇન્ડ પ્રોડક્ટની નિકાસ પણ કરી
ભારત આ આયાતી ક્રૂડ ઓઇલને પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણમાં રિફાઇન કરે છે, જે ઘરેલુ ઉપયોગ અને નિકાસ બંને માટે છે. CREA એ અહેવાલ આપ્યો છે કે, નવેમ્બરમાં, ભારત અને તુર્કીમાં છ રિફાઇનરીઓએ 807 મિલિયન યુરોના મૂલ્યના રિફાઇન્ડ ઇંધણની નિકાસ કરી હતી. આમાંથી, 465 મિલિયન યુરો યુરોપિયન યુનિયન, 110 મિલિયન યુરો યુનાઇટેડ સ્ટેટ્સ, 51 મિલિયન યુરો યુનાઇટેડ કિંગડમ, 150 મિલિયન યુરો ઓસ્ટ્રેલિયા અને 310 મિલિયન યુરો કેનેડામાં મોકલવામાં આવ્યું હતું. આમાંથી, આશરે 301 મિલિયન યુરો મૂલ્યના રિફાઇન્ડ તેલ ઉત્પાદનો રશિયન ક્રૂડ ઓઇલમાંથી બનાવવામાં આવ્યા હતા. યુરોપિયન યુનિયને રશિયન ક્રૂડ ઓઇલમાંથી બનેલા ઇંધણ પર પ્રતિબંધો લાદ્યા છે, જ્યારે ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સે હજુ સુધી આવા પ્રતિબંધો લાદ્યા નથી.
આ પણ વાંચો ------- સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ આપતી Starlink ભારતમાં સેવા આપવા તૈયાર


