અમેરિકા અને ભારત વચ્ચેનો વેપાર વિવાદ ભયંકર બન્યો: 'ભારત માફી માંગશે', USનો દાવો
- અમેરિકા અને ભારત વચ્ચેની ટેરિફ વોર નવા વળાંક પર (US India trade war)
- અમેરિકાના વાણિજ્ય મંત્રીએ આપ્યુ ચોંકવનારું નિવેદન
- બે મહિનામાં ભારત અમેરિકા સામે માફી માંગવા મજબૂર બનશએ
- જો અમેરિકાનો સાથ નહીં આપે તો ટેરિફનો સામનો કરવો પડશે
US India trade war : અમેરિકા અને ભારત વચ્ચેનું ટેરિફ યુદ્ધ એક નવા વળાંક પર આવીને ઊભું છે. 5 સપ્ટેમ્બર, 2025ના રોજ અમેરિકાના વાણિજ્ય મંત્રી હાવર્ડ લુટનિકે એક ચોંકાવનારું નિવેદન આપ્યું. તેમણે દાવો કર્યો કે આવનારા એક-બે મહિનામાં ભારત અમેરિકા સામે 'માફી' માંગવા માટે મજબૂર થશે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કરશે. લુટનિકે ભારતને BRICS સમૂહમાં રશિયા અને ચીન વચ્ચેની એક 'કડી' ગણાવી અને ચેતવણી આપી કે જો ભારત અમેરિકાનો સાથ નહીં આપે, તો તેને 50% ઊંચા ટેરિફનો સામનો કરવો પડશે.
ટેરિફ યુદ્ધ અને અમેરિકાની આક્રમક નીતિ (US India trade war)
રાષ્ટ્રપતિ ટ્રમ્પે તાજેતરમાં ભારતીય ચીજવસ્તુઓ પર 50% ઊંચો આયાત શુલ્ક (ટેરિફ) લગાવ્યો છે, જે ભારતીય નિકાસકારો માટે એક મોટો આર્થિક ફટકો છે. આ નિર્ણય પાછળ બે મુખ્ય કારણો છે: ભારત દ્વારા રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઇલની ખરીદી અને BRICS જેવા આંતરરાષ્ટ્રીય સમૂહોમાં ભારતની સક્રિય ભૂમિકા.
India US tariffs
50 ટેરિફનો માર સહન કરે ભારત
લુટનિકે એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ કહ્યું કે, "ભારતે નક્કી કરવું પડશે - કાં તો અમેરિકા અને ડોલરનો સાથ આપે, અથવા 50% ટેરિફનો માર સહન કરે." તેમણે ઉમેર્યું કે, "અમેરિકાની 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા દુનિયાનું સૌથી મોટું બજાર છે, અને ભારત આખરે અમેરિકા સામે ઝૂકવા માટે મજબૂર થશે."
ભારત અમેરિકાનો સંપર્ક કરશે (US India trade war)
લુટનિકના મતે, આ ટેરિફના દબાણ હેઠળ ભારતીય વેપારીઓ ટૂંક સમયમાં જ વાટાઘાટો માટે અમેરિકાનો સંપર્ક કરશે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે જ્યારે કૅનેડાની અર્થવ્યવસ્થા નબળી પડી, ત્યારે તે પણ ટ્રમ્પ સાથે ડીલ કરવા તૈયાર થઈ ગયું હતું. તેમણે વ્યંગ કરતાં કહ્યું, "ભારત એક-બે મહિનામાં માફી માંગશે અને ટ્રમ્પ સાથે સમજૂતી કરશે. આ બધું માત્ર એક નાટક છે, કારણ કે કોઈ પણ દેશ દુનિયાના સૌથી મોટા ગ્રાહક (અમેરિકા) સાથે લાંબા સમય સુધી લડી શકે નહીં."
ભારતનું વલણ: રાષ્ટ્રીય હિત સર્વોપરી
અમેરિકાના આ આક્રમક વલણ સામે ભારતે સંયમિત, પરંતુ મક્કમ જવાબ આપ્યો છે. ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ નહીં કરે, કારણ કે તે અમારી ઊર્જા સુરક્ષા માટે અત્યંત જરૂરી છે." વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પણ કહ્યું કે ભારત અમેરિકા સાથે વેપાર વાટાઘાટો ચાલુ રાખશે, પરંતુ પોતાના રાષ્ટ્રીય હિતો સાથે કોઈ પણ ભોગે સમાધાન કરશે નહીં.
ભારત તેલ ખરીદતું રહેશે (US India trade war)
ભારતનું કહેવું છે કે સસ્તું રશિયન તેલ ખરીદવું એ તેની આર્થિક જરૂરિયાત છે. 2022માં જ્યારે પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા, ત્યારે ભારતે તેલની ખરીદી કરીને મોંઘવારી પર કાબુ મેળવવામાં મદદ કરી હતી. હાવર્ડ લુટનિકનું 'માફી' વાળું નિવેદન ટ્રમ્પની તે આક્રમક નીતિનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ ભારતને અમેરિકી શરતો સ્વીકારવા માટે દબાણ કરવાનો છે. જોકે, ભારત પણ પોતાના હિતોની સુરક્ષા માટે અડગ છે. હવે જોવાનું એ રહેશે કે શું ભારત અને અમેરિકા નવેમ્બર સુધીમાં કોઈ કરાર પર પહોંચી શકશે, કે પછી આ ટેરિફ યુદ્ધ હજુ વધુ લંબાશે.
આ પણ વાંચો : Donald Trump : ભારત-રશિયાને લઈને ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન


