Happy Fathers Day : પરમપિતાનો પડછાયો એટલે પિતા...
પિતા એટલે,
- ગુજરાતીમાં : પરમપિતાનો પડછાયો એટલે પિતા
- હિન્દીમાં : परमपिता की परछाई मतलब पिता
- અંગ્રેજીમાં : The Shadow of Almighty means Father
Happy Fathers Day : દરેક સંતાન માટે પ્રથમ સુપરહીરો તેના પિતા હોય છે. બાળપણમાં ડગલે ને પગલે પિતાની સુરક્ષામાં બાળક પોતાને સંપૂર્ણ સલામત માનતું હોય છે. બાળક નાનું હોય ત્યારે તેની દરેક સમસ્યાઓનો ઉકેલ તેના પિતા પાસે હોય છે તેમ માને છે. તેના પિતા બાળકની મોટાભાગની સમસ્યા ઉકેલી પણ દેતા હોય છે. સમસ્યાઓ ઉકેલવી, સુરક્ષા પૂરી પાડવી તેમજ યોગ્ય ઉછેર કરવા માટે પિતા જે પરિશ્રમ કરે છે તેના બદલ થેન્ક્યુ કહેવાનો દિવસ એટલે ફાધર્સ ડે (Father’s Day). દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે ફાધર્સ ડે ઉજવાય છે. વર્ષ 2025નો ફાધર્સ ડે આજે 15મી જૂને ઉજવાઈ રહ્યો છે.
પા...પા...પગલીમાં જ ગૂંજે છે પિતાનો ધ્વનિ
બાળક જન્મે ત્યારે સૌથી પહેલા તેની માતાને ઓળખતું થાય છે. જ્યારથી તે તેની માતાના ખોળામાંથી ઉતરીને પા...પા...પગલી ભરતું થાય ત્યારથી તેના પિતાને ઓળખતું થાય છે. પા...પા...પગલીમાં જ પિતાનો ધ્વનિ ગૂંજે છે. પિતાની આંગળી પકડીને બાળક ઘરના ઉંમરાથી બહારની દુનિયામાં પ્રવેશે છે. બાળક નાનું હોય ત્યારે તેના પ્રથમ સુપરહીરો તેના પિતા જ હોય છે. બાળક નાની-મોટી જીદ, માગણી કે અન્ય ફરિયાદો પિતાને કરતું હોય છે. તેના મનમાં એમ જ હોય છે કે મારા પિતા સર્વશક્તિમાન છે અને મારા માટે કંઈપણ લાવી શકવા, કોઈપણ સમસ્યા ઉકેલવા સક્ષમ છે. તેથી જ પિતાને પરમપિતાનો પડછાયો કહેવું કોઈ અતિશયોક્તિભર્યુ નથી.
આ પણ વાંચોઃ Health Hacks: ભારે ગરમીમાં પોતાને અંદરથી કેવી રીતે ઠંડુ રાખવું? આ સરળ ટિપ્સ કામમાં આવશે
પ્રતિકુળ પરિસ્થિતિને પલટતાં પિતા
સંતાન માટે જ્યારે પણ પ્રતિકુળ પરિસ્થિતિ સર્જાય છે ત્યારે આ પરિસ્થિતિને પિતા પલટી નાખે છે. પોતે નિર્બળ હોવા છતાં પહાડની જેમ સંતાનનું રક્ષણ કરે છે. સંતાનને ખુશ રાખવા, તેમની દરેક ઈચ્છા પૂરી કરવા તનતોડ મહેનત કરે, તે પિતા. જીવન જીવવાની સાચી તાલીમ આપીને, કૌટુંબિક-સામાજિક કે વ્યવસાયિક જીવનના પડકારો કેવી રીતે ઝીલવા, કપરાસંજોગોમાં યોગ્ય નિર્ણય લેવા, જરૂર પડે ત્યારે લાગણીને સંયમિત રાખવાની હિંમત એક પિતા જ આપી શકે. પિતાના આ પ્રેમને ઓળખવાનો, પામવાનો અને કૃતજ્ઞતાપૂર્વક તેનો આભાર માનવાનો દિવસ એટલે ફાધર્સ ડે. આજે આપના પિતાને પ્રેમથી કહો હેપી...ફાધર્સ ડે. થેન્કસ ફોર એવરીથિંગ...!!!
આ પણ વાંચોઃ Health Tips : ચહેરાની પાતળી અને સંવેદનશીલ ત્વચાને બનાવશે તંદુરસ્ત અને ચમકદાર આ ઘરેલું લેપ