પત્ની સાથે ઝઘડો થતા યુવકે કૂવામાં ઝંપલાવ્યુ, બચાવવા જતા 5 લોકોએ જીવ ગુમાવ્યા
- પત્ની સાથે ઝઘડો થતાં યુવક કૂવામાં કૂદી ગયો
- યુવકને બચાવવાના પ્રયાસમાં અન્ય લોકો પણ કુવામાં કૂદી પડ્યા
- આ ઘટનામાં 5 લોકોના મોત થયા
- સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો
Jharkhand Hazaribagh News : નવા વર્ષે ઝારખંડમાં એક મોટી ઘટના બની છે. પત્ની સાથે ઝઘડો થતાં યુવક કૂવામાં કૂદી ગયો હતો અને તેને બચાવવાના પ્રયાસમાં અન્ય લોકો પણ કુવામાં કૂદી પડ્યા હતા. આ ઘટનામાં 5 લોકોના મોત થયા હતા.
પત્ની સાથે ઝઘડો થતાં યુવકે બાઇક સાથે કૂવામાં ઝંપલાવ્યું
ઝારખંડમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. હજારીબાગમાં પત્ની સાથે ઝઘડો થતાં યુવકે બાઇક સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું. તેને બચાવવામાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યો હતો. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કૂવામાંથી મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો?
બોલાચાલીમાં યુવકે ભર્યુ પગલુ
આ ઘટના હજારીબાગના ચર્હી બ્લોકના સરબાહા ગામમાં બની હતી, જ્યાં ઘરેલુ વિવાદને લઈને પતિ સુંદર કરમાલી અને પત્ની રૂપા કરમાલી વચ્ચે બોલાચાલી થઈ હતી. આ પછી પતિ સુંદર કરમાલી ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગયો હતો અને બાઇક સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું, જેનાથી ઘરમાં ચકચાર મચી ગઈ હતી.
આ પણ વાંચો : ઓપરેશન કર્યા પછી ડોક્ટર ગાભો પેટમાં જ ભુલી ગયા, પછી ચલાવી ઉઘાડી લૂંટ
યુવકને બચાવવા જતાં જીવ ગુમાવ્યો
આ પછી સુંદર કરમાલીને બચાવવા અન્ય ચાર લોકો પણ કૂવામાં કૂદી પડયા હતા. કૂવામાં ડૂબી જવાથી પાંચેયના મોત થયા હતા. મૃતકોની ઓળખ સુંદર, રાહુલ, સૂરજ, વિનય અને પંકજ તરીકે થઈ છે. વિનય અને પંકજ સગા ભાઈઓ હતા, જ્યારે રાહુલ તેના માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો. મૃત્યુ પામેલા લોકોની ઉંમર 25-30 વચ્ચે હોવાનું કહેવાય છે.
નવા વર્ષે ગામમાં શોકનું વાતાવરણ
નવા વર્ષે સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે. ગ્રામજનોએ પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢ્યા હતા. પોલીસે મૃતદેહોને શેખ ભિખારી મેડિકલ કોલેજમાં મોકલી આપી અને મામલાની તપાસ હાથ ધરી છે. બાદમાં અધિકારીઓએ કૂવાને ઢાંકી દીધો અને લોકોને તેની નજીક આવવા પર પ્રતિબંધ મૂક્યો છે.
આ પણ વાંચો : જીંદગીની જંગ હારી 'ચેતના', 10 દિવસ બાદ બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી, ડોક્ટરોએ મૃત જાહેર કરી


