'આ કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ છે', દુષ્કર્મના કેસમાં SC ની મહિલાને ટકોર
- સુપ્રીમ કોર્ટે એક નિવૃત્ત સૈન્ય અધિકારીને રાહત આપી
- મહિલાએ અન્ય 8 લોકો વિરુદ્ધ પણ સમાન FIR નોંધાવેલી
- કોર્ટે મહિલાને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપી હતી
Supreme Court : સુપ્રીમ કોર્ટે એક નિવૃત્ત સૈન્ય અધિકારીને રાહત આપી છે અને તેમની સામેનો બળાત્કારનો કેસ રદ કર્યો છે. સુનાવણી દરમિયાન, કોર્ટને જાણવા મળ્યું કે, મહિલાએ એક જ પ્રકારના આરોપો લગાવતા અન્ય 8 લોકો સામે પણ એફઆરઆઈ દાખલ કરેલી છે. કોર્ટે મહિલાને નોટિસ મોકલી હતી અને તેને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપી હતી, પરંતુ તેણે તેમ કર્યું ન હતું.
કેસને રદ કરવાની માંગ કરી હતી
નિવૃત્ત આર્મી કેપ્ટન રાકેશ વાલિયા, જેમણે અનેક પુસ્તકો લખ્યા છે, તેમના પર 2021 માં દિલ્હીના મહેરૌલી પોલીસ સ્ટેશનમાં 39 વર્ષીય મહિલાએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, તેને નશીલા દ્રવ્ય ખવડાવી તેની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. અરજદારે દિલ્હી હાઈકોર્ટને આ મામલાને પૈસા પડાવવાનુ ષડયંત્ર ગણાવીને કેસને રદ કરવાની માંગ કરી હતી, પરંતુ હાઈકોર્ટે તેને રાહત આપી ન હતી.
આ પણ વાંચો : શહજાદી તો ગઈ પણ ભારતના કેટલાય કેદીઓ હજુ પણ દુનિયાની જુદી જુદી જેલોમાં બંધ
મહિલાએ તપાસમાં સહયોગ ન આપ્યો
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે જણાવ્યું કે મહિલાએ FIR નોંધાવી હતી, પરંતુ તપાસમાં ક્યારેય સહયોગ આપ્યો ન હતો. સુનાવણી દરમિયાન, એ પણ પ્રકાશમાં આવ્યું કે આ મહિલાએ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં અન્ય 8 લોકો વિરુદ્ધ પણ આ જ પ્રકારની FIR નોંધાવેલી છે.
તમામ બાબતો પર વિચાર કર્યા પછી, ન્યાયાધીશ સુધાંશુ ધુલિયા અને ન્યાયાધીશ કે વિનોદ ચંદ્રનની સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે આ ન્યાયિક પ્રક્રિયાનો દુરુપયોગ છે. અરજદારને હાઈકોર્ટમાંથી જ રાહત મળવી જોઈતી હતી. આ ટિપ્પણી બાદ ન્યાયાધીશોએ નિવૃત્ત સૈન્ય અધિકારી વિરુદ્ધ નોંધાયેલ FIR રદ કરી દીધી.
આ પણ વાંચો : Data Protection Bill પર મલ્લિકાર્જુન ખડગેના મોદી સરકાર પર પ્રહારો! કહ્યું, સરકાર RTI ને નબળી કરી રહી છે


