વેબસિરીઝને પણ ટક્કર આપે તેવી ઘટના! UP ના પોલીસ સ્ટેશનમાં રહસ્યમય મોત
- પોલીસ સ્ટેશનમાં ચાલી ગોળી
- સ્ટેશન પ્રભારીનું થયું મોત
- આત્મહત્યા કે હત્યા ?
- પોલીસકર્મીના મોતનું રહસ્ય મૌન !
UP Police Mystery Death : ઉત્તરપ્રદેશના જાલૌન જિલ્લાના કુઠૌંદ પોલીસ સ્ટેશનમાં બનેલી એક ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી છે. આ ઘટના કોઈ વેબસિરીઝની સ્ટોરીને પણ ટક્કર આપે તેવી છે, જ્યાં પોલીસ સ્ટેશનના સ્ટેશન પ્રભારી (SHO) ઇન્સ્પેક્ટર અરુણ કુમાર રાયનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું છે. તેમના માથામાં ગોળી વાગી હતી જે બાદ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો, અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
આત્મહત્યા કે કાવતરું?
પ્રાથમિક દૃષ્ટિએ, ઇન્સ્પેક્ટર અરુણ કુમાર રાયે પોતાની સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી હોવાની વાત વહેતી થઈ હતી. જોકે, શુક્રવારે રાત્રે જ્યારે આ ઘટના બની ત્યારે તેમના રૂમમાં હાજર રહેલી એક મહિલા કોન્સ્ટેબલ મીનાક્ષી શર્માની સંડોવણી સામે આવતા કેસમાં નવો વળાંક આવ્યો છે.
શંકાના ઘેરામાં મહિલા કોન્સ્ટેબલ
CCTV ફૂટેજની ચકાસણી અને અન્ય પોલીસકર્મીઓના નિવેદનોના આધારે મહિલા કોન્સ્ટેબલ મીનાક્ષી શર્મા પોલીસની ઉલટ તપાસના કેન્દ્રમાં આવી છે. જણાવી દઇએ કે, જ્યારે ઇન્સ્પેક્ટરે કથિત રીતે આત્મહત્યા કરી, ત્યારે મહિલા કોન્સ્ટેબલ તેમના રૂમમાં હતી. ગોળીબાર બાદ તે 'સાહેબે જાતે ગોળી મારી લીધી' કહીને બૂમ પાડતી બહાર આવી હતી, પરંતુ ફરજ પર હાજર રહેવાને બદલે તે ત્યાંથી ભાગી ગઈ હતી. પોલીસ સ્ટેશનના અન્ય પોલીસકર્મીઓએ જણાવ્યું હતું કે મીનાક્ષી શર્મા ઇન્સ્પેક્ટરને બ્લેકમેઇલ કરી રહી હતી અને વારંવાર પૈસાની માંગણી કરતી હતી. તેણી પાસે ઇન્સ્પેક્ટરના કેટલાક વીડિયો હોવાનું પણ કહેવાય છે.
મહત્વનું છે કે, મહિલા કોન્સ્ટેબલ છેલ્લા 10 દિવસથી ફરજ પરથી ગેરહાજર હતી, તેમ છતાં તે ઇન્સ્પેક્ટરના નિવાસસ્થાનની આસપાસ જોવા મળી હતી અને મૃત્યુની જાણ પણ તેણીએ જ કરી હતી. સ્થાનિક ઇન્ટેલિજન્સ યુનિટ (LIU)ના એક અધિકારીએ જણાવ્યું કે મીનાક્ષી શર્માના ફેબ્રુઆરીમાં લગ્ન થવાના હતા. અગાઉ જ્યારે ઇન્સ્પેક્ટર અરુણ કુમાર રાય કોંચ પોલીસ સ્ટેશનમાં પોસ્ટેડ હતા, ત્યારે મહિલા કોન્સ્ટેબલ પણ ત્યાં તૈનાત હતી.
પરિવારનો આક્ષેપ આ આત્મહત્યા નહીં, હત્યા!
શનિવારે સવારે જ્યારે ઇન્સ્પેક્ટરનો પરિવાર સંત કબીર નગરથી જાલૌન પહોંચ્યો, ત્યારે તેમના ભત્રીજા પ્રશાંતે સ્પષ્ટપણે આરોપ મૂક્યો કે તેમના કાકાની હત્યા કરવામાં આવી છે. બીજી તરફ પતિનો મૃતદેહ જોઈને પત્ની માયા રાય ભાંગી પડ્યા હતા. પોલીસે આ મામલે મહિલા કોન્સ્ટેબલ વિરુદ્ધ FIR દાખલ કરીને તપાસને વધુ ગહન બનાવી છે.
કોણ હતા ઇન્સ્પેક્ટર અરુણ કુમાર રાય?
ઇન્સ્પેક્ટર અરુણ કુમાર રાય મૂળ સંત કબીર નગરના ઘનઘાટા પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી હતા.
- 1998 : કોન્સ્ટેબલ તરીકે પોલીસ દળમાં જોડાયા.
- 2012 : વિભાગીય પરીક્ષા પાસ કરીને સબ-ઇન્સ્પેક્ટર બન્યા.
- 2023 : ઇન્સ્પેક્ટર તરીકે બઢતી મળી.
- 2024 : લોકસભા ચૂંટણી દરમિયાન જાલૌનમાં પોસ્ટિંગ. તેઓ જિલ્લાના મીડિયા ઇન્ચાર્જ પણ રહ્યા.
- જુલાઈ 2024 : કોંચ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ તરીકે પ્રથમ પોસ્ટિંગ.
- છેલ્લા 4 મહિનાથી : કુથૌંડ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ તરીકે નિયુક્ત હતા.
- તેમને પત્ની માયા રાય અને એક પુત્ર અમૃતાંશ છે, જે કોટામાં NEET ની તૈયારી કરી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી ધરાવતા પોલીસકર્મીના આ રહસ્યમય મૃત્યુએ અનેક સવાલો ઊભા કર્યા છે. પોલીસે મહિલા કોન્સ્ટેબલની સંડોવણીના એંગલથી તપાસ શરૂ કરી છે. હવે જોવું એ રહ્યું કે, પોલીસ તપાસમાં આ કેસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી ક્યારે થાય છે અને ઇન્સ્પેક્ટર અરુણ કુમાર રાયનું મૃત્યુ માત્ર એક આત્મહત્યા હતું કે પછી કોઈ ગુનાહિત કાવતરાનો ભોગ?
આ પણ વાંચો : Ahmedabad : નરોડામાં 57 વર્ષીય મહિલાનાં રહસ્યમય મોતથી ચકચાર! પિયર પક્ષનાં ગંભીર આરોપ


