હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાએ 89 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
- હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન
- 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
- પાંચ વખત હરિયાણાના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે
- 1996માં હરિયાણા લોકદળ નામે પક્ષ બનાવ્યો હતો
- 1 જાન્યુઆરી 1935માં સિરસામાં થયો હતો જન્મ
Om Prakash Chautala passes away : હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાનું શુક્રવારે અવસાન થયું છે. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં બપોરે લગભગ 12 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને છેલ્લા 3-4 વર્ષથી તેમની અહીં સારવાર ચાલી રહી હતી. શુક્રવારે તેમની તબિયત અચાનક બગડતાં તેમને 11:35 વાગ્યે તાત્કાલિક ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા હતા. મેદાંતા હોસ્પિટલના પ્રશાસને તેમના નિધનની પુષ્ટિ કરી છે.
ઓમ પ્રકાશ ચૌટાલાએ 87 વર્ષની ઉંમરે પૂર્ણ કરી શિક્ષણયાત્રા
હરિયાણાના પાંચ વખત મુખ્યમંત્રી રહેલા ઓમ પ્રકાશ ચૌટાલા (Om Prakash Chautala) એ 87 વર્ષની ઉંમરે શૈક્ષણિક કારકિર્દીનો અનોખો માઈલસ્ટોન સાધ્યો હતો. 2019માં તેમણે 10મા ધોરણનો અભ્યાસ શરૂ કર્યો હતો, પરંતુ અંગ્રેજી વિષયનું પેપર ન આપી શક્યા હતા. 2021માં ઓગસ્ટમાં તેમણે આ પેપર આપ્યું અને 88% માર્ક્સ મેળવી પાસ થયા. તેની સાથે જ તેમણે 12મું ધોરણ પણ ફર્સ્ટ ડિલિઝન સાથે પાસ કર્યું હતું. આ ઉંમરે શિક્ષણ માટેની તેમની પ્રતિબદ્ધતાએ સમાજમાં ઉત્સાહ પેદા કર્યો છે.
87 વર્ષની ઉંમરે એક ઉદાહરણરૂપ સિદ્ધિ
ચૌટાલાએ 10મું અને 12મું ધોરણ ફર્સ્ટ ડિવિઝનમાં પાસ કરીને પ્રેરણાનું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. તેમના શૈક્ષણિક સંઘર્ષના પ્રવાસમાં તેઓ 2019માં 10મું ધોરણ પાસ કરવાનું નક્કી કર્યું હતું. તેઓએ 10મું માટે કડી મહેનત કરીને તમામ વિષયો પાસ કર્યા, પરંતુ અંગ્રેજીનું પેપર સમયસર આપી શક્યા ન હતા. 2021માં આ પેપર પુર્ણ કરીને તેમણે 88% ગુણ હાંસલ કર્યા અને અંતે 10મું અને 12મું ધોરણ ફર્સ્ટ ડિવિઝનમાં પૂર્ણ કર્યું.
ચૌટાલાનું પરિવાર અને રાજકીય વારસો
ઓમ પ્રકાશ ચૌટાલા (Om Prakash Chautala) ના બે પુત્રો અને ત્રણ પુત્રીઓ છે. તેમના બે પુત્રો અજય અને અભય ચૌટાલા છે. જેમા અજયના પુત્ર દુષ્યંત અને દિગ્વિજય બંને રાજકારણમાં સક્રિય છે અને યુવા નેતાઓ તરીકે ઓળખાય છે. બીજી તરફ, અભયના પુત્ર કર્ણ અને અર્જુન પણ રાજકીય મંચ પર મજબૂત ભૂમિકા ભજવી રહ્યા છે. આ રીતે ચૌટાલાનું પરિવાર રાજકીય અને સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપી રહ્યા છે.
ચૌટાલાની રાજકીય યાત્રા
ઓમ પ્રકાશ ચૌટાલાનો જન્મ 1 જાન્યુઆરી, 1935ના રોજ હરિયાણાના સિરસા જિલ્લાના ચૌટાલા ગામમાં થયો હતો. તેઓ હરિયાણાની રાજનીતિમાં એક મહત્વપૂર્ણ અને વરિષ્ઠ નેતા તરીકે જાણીતા હતા. ચૌટાલા કુલ 5 વખત હરિયાણાના મુખ્યમંત્રી રહ્યા છે. તેમણે પ્રથમ વખત 2 ડિસેમ્બર, 1989ના રોજ મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું અને 22 મે, 1990 સુધી આ પદ પર રહ્યા હતા. 12 જુલાઈ, 1990ના રોજ તેઓ બીજી વખત મુખ્યમંત્રી બન્યા, તે વખતે તત્કાલીન મુખ્યમંત્રી બનારસી દાસ ગુપ્તાને બે મહિનાની અંદર પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ચૌટાલાની બીજી ટર્મ લાંબી નહોતી, કારણ કે 5 દિવસ બાદ જ ચૌટાલાને રાજીનામું આપવું પડ્યું હતું. 22 એપ્રિલ, 1991ના રોજ ચૌટાલાએ ત્રીજી વાર મુખ્યમંત્રી પદ સંભાળ્યું. જોકે, આ ટર્મ પણ લાંબો સમય ન ચાલી અને માત્ર બે સપ્તાહ બાદ કેન્દ્ર સરકારે હરિયાણામાં રાષ્ટ્રપતિ શાસન લાદી દીધું. તેમની રાજકીય કારકિર્દી દરમિયાન તેમણે અનેક પડકારોનો સામનો કર્યો હતો, પરંતુ તેઓ હંમેશા દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તત્પર રહ્યા હતા.
આ પણ વાંચો: Karnataka ના પૂર્વ CM અને પૂર્વ વિદેશ મંત્રી એસ.એમ કૃષ્ણાનું નિધન, 92 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ