Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લોકસભા-રાજ્યસભા અનિશ્ચિત સમય માટે સ્થગિત

લોકસભા રાજ્યસભા અનિશ્ચિત સમય માટે સ્થગિત
Advertisement

Parliament Live : ઈન્ડિયા બ્લોકના સાંસદોએ સવારે 10 વાગ્યે વિજય ચોકથી સંસદ સુધી કૂચ શરૂ કરી છે અને અમિત શાહની માફી અને રાજીનામાની માંગ કરી છે. સંસદ પરિસરમાં થયેલી ધક્કામુક્રીમાં NDAના બે સાંસદો ઘાયલ થયા હતા. ત્યારબાદ ભાજપે ગઈ કાલે દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધાવી છે.

બાબાસાહેબ આંબેડકર પર નિવેદનના કારણે આજે પણ સંસદમાં ભારે હોબાળો જોવા થાય તેવી સંભાવના છે. બીજેપી સાંસદ મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે રાહુલ ગાંધી અને કોંગ્રેસ વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે વિપક્ષ વિજય ચોકથી સંસદ સુધી કૂચ કરી રહ્યો છે. આજે શિયાળુ સત્રના અંતિમ દિવસે પણ ગૃહની અંદર અને બહાર રાજકીય હોબાળો જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધી પર એનડીએના સાંસદોને ધક્કો મારવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. તો કોંગ્રેસે પણ ભાજપના સાંસદો પર આવા જ આક્ષેપો કર્યા છે.

Advertisement

રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત

December 20, 2024 12:39 pm

Advertisement

લોકસભા બાદ રાજ્યસભાની કાર્યવાહી પણ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. બપોરે 12 વાગ્યે ઉપલા ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી દળોના સભ્યો દ્વારા નિયમ 267 હેઠળ આપવામાં આવેલી સ્થગિત દરખાસ્તની નોટિસનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ પછી અધ્યક્ષ જગદીપ ધનખડે બંધારણ પર ચર્ચાની સાથે આ સત્ર દરમિયાન થયેલી કામગીરીની વિગતો ગૃહમાં રજૂ કરી અને કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવાની જાહેરાત કરી.

JPCમાં રાજ્યસભાના આ 12 સભ્યો હશે

December 20, 2024 12:37 pm

રાજ્યસભાના 12 સભ્યો વન નેશન વન ઈલેક્શન સંબંધિત બિલને લઈને બનેલી જેપીસીમાં સામેલ થશે. જેમાં ઘનશ્યામ તિવારી, ભુવનેશ્વર કલિતા, ડૉ. કે લક્ષ્મણ, કવિતા પાટીદાર, સંજય કુમાર ઝા, રણદીપ સિંહ સુરજેવાલા, મુકુલ વાસનિક, સાકેત ગોખલે, પી વિલ્સન, સંજય સિંહ, વિજય સાંઈ રેડ્ડી અને માનસ રંજનનો સમાવેશ થાય છે.

વન નેશન વન ઈલેક્શન બિલ માટે રચાયેલ જેપીસીના સભ્યોની જાહેરાત

December 20, 2024 12:33 pm

વિરામ બાદ રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ગૃહમાં બેસતાની સાથે જ મહાસચિવે લોકસભાનો સંદેશ વાંચ્યો. મહાસચિવે વન નેશન વન ઈલેક્શન બિલ માટે રચાયેલી જેપીસી માટે 27 સભ્યોના નામની જાણકારી આપી અને કહ્યું કે, 12 સભ્યો રાજ્યસભામાંથી પણ હશે.

રાજ્યસભા અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ

December 20, 2024 12:29 pm

રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. આ પ્રસ્તાવ રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જગદીપ ધનખર વિરુદ્ધ આપવામાં આવ્યો હતો, જેને ફગાવી દેવામાં આવ્યો. આ પછી રાજ્યસભા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. તેમજ ઉપાધ્યક્ષે ગૃહના નેતા અને વિપક્ષના નેતાને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા છે.

સાંસદ સંજય સિંહની સસ્પેન્શન નોટિસ

December 20, 2024 12:26 pm

AAP સાંસદ સંજય સિંહે રાજ્યસભામાં ડૉ. બી.આર. આંબેડકર વિશે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ટિપ્પણી પર ચર્ચા કરવા માટે બિઝનેસ સસ્પેન્શન નોટિસ આપી.

લોકસભા સદન અનિશ્ચિત સમય માટે સ્થગિત

December 20, 2024 12:24 pm

લોકસભાની કાર્યવાહી બરાબર 11 વાગ્યે શરૂ થઈ હતી, પરંતુ કોંગ્રેસ અને ભાજપે પ્રતિબંધ હોવા છતાં ગેટ પર વિરોધ કર્યો હતો. કાર્યવાહી શરૂ થતાં જ સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, સંસદના ગેટ પર વિરોધ પ્રદર્શન કરવું યોગ્ય નથી. બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ અમિત શાહના નિવેદનને તોડીમરોડીને સોશિયલ મીડિયા પર પ્રચાર કરવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ આપી હતી. આ પછી, લોકસભાની કાર્યવાહી શરૂ થયાની 5 મિનિટની અંદર અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, શિયાળુ સત્રમાં કુલ 15 દિવસની કાર્યવાહી માટે રૂ. 144 કરોડનો (2016ના આંકડા પ્રમાણે) ખર્ચ થાય છે. એ રીતે જોવા જઈએ તો, 15 દિવસનો ખર્ચ 144 કરોડ, એક દિવસનો ખર્ચ 96 કરોડ, એક કલાકનો ખર્ચ 16 કરોડ અને એક મિનીટનો ખર્ચ 2.6 લાખ રૂપિયા થાય છે. આ સાથે સાંસદોને તોતિંગ ભથ્થા પણ મળે છે. તેમ છતાં સંસદ સ્થગિત થાય છે અને સાંસદો હાજરી આપવા અંગે બેદરકાર જણાય છે.

બંને કેસની તપાસ કરશે ક્રાઈમ બ્રાન્ચ

December 20, 2024 12:14 pm

ભાજપની ફરિયાદ અને કોંગ્રેસની ફરિયાદ અંગે ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવશે. બીજેપીની ફરિયાદ પર લોકસભા સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ ચૂકી છે. કોંગ્રેસની ફરિયાદ પર હજુ કાર્યવાહી થવાની બાકી છે.

રાહુલ ગાંધીને સસ્પેન્ડ કરવાની માંગ

December 20, 2024 12:11 pm

બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ રાહુલ ગાંધીને સંસદમાંથી સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. આ માટે તેમણે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો છે.

અખિલેશ યાદવનું નિવેદન

December 20, 2024 12:07 pm

સપાના સાંસદ અખિલેશ યાદવે કહ્યું કે, આજે ભલે સંસદનું સત્ર સમાપ્ત થઈ રહ્યું હોય, પરંતુ મુદ્દાઓ સમાપ્ત થતા નથી. બાબા સાહેબ આંબેડકરનું અપમાન અને તેમના પ્રત્યે ભાજપનું વલણ ખરાબ છે. વિપક્ષની માંગ છે કે, તેમણે પોતાની ભૂલ સ્વીકારવી જોઈએ અને માફી માંગવી જોઈએ. ભાજપ સમયાંતરે બંધારણ અને લોકશાહીને નબળું પાડવાનો પ્રયાસ કરે છે. લોકસભાના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર પર તેમણે કહ્યું કે, અમારે ભાજપની રણનીતિ સમજવી પડશે. પહેલા તેઓ ગેરબંધારણીય કામ કરે છે, અન્યાય કરે છે. જ્યારે તમે અન્યાયનો સામનો કરનારાઓની સાથે ઊભા રહો છો ત્યારે તેઓ ખોટા કેસો કરે છે. આવું પહેલીવાર નથી થઈ રહ્યું, આ ભાજપની રણનીતિ છે.

સાંસદ જયા બચ્ચનનું નિવેદન

December 20, 2024 12:01 pm

સંસદમાં સાંસદો વચ્ચેની અથડામણ પર સપા સાંસદ જયા બચ્ચને કહ્યું કે, આ એક માનવસર્જિત ઘટના હતી. તેઓ લોકોને સંસદમાં આવવા માટે સીડી ઉપર જતા રોકતા હતા. હું આની સાક્ષી છું. તેઓ લોકોને રોકતા હતા. તમે સીડીને કઈ રીતે બ્લોક કરી શકો છો? તેઓ ધક્કામુક્કી કરી રહ્યા હતા.

ડિમ્પલ યાદવે વિવાદ પર આપ્યું નિવેદન

December 20, 2024 11:53 am

સપા સાંસદ ડિમ્પલ યાદવે કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે બીજેપી સાંસદ માફી માંગે કારણ કે તેમણે દેશના દરેક નાગરિકના આદર્શ એવા ડૉ.ભીમરાવ આંબેડકરનું અપમાન કર્યું છે. ગઈકાલના સંસદ વિવાદ પર કોંગ્રેસની ફરિયાદ પર, તેણીએ કહ્યું કે, ભાજપ પાર્ટી માત્ર એક પક્ષની સાથે આગળ વધે છે. તે ક્યારેય ભારતના બંધારણ અને લોકશાહી સાથે આગળ વધતી નથી. મને લાગે છે કે, ગઈકાલની ઝપાઝપી માટે ભાજપે માફી માંગવી જોઈએ, કારણ કે તેના માટે માત્ર ભાજપ સરકાર અને ભાજપના સાંસદો જ જવાબદાર છે.

જયરામ રમેશે લગાવ્યો ભાજપ પર ગેરમાર્ગે દોરવાનો આરોપ

December 20, 2024 11:42 am

રાહુલ ગાંધી વિરૂદ્ધ એફઆઈઆર પર કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે કહ્યું કે, દિલ્હી પોલીસ ગૃહમંત્રી જે કહેશે તે કરશે. મકર દ્વારની સામે જે કંઈ બન્યું તે સંપૂર્ણપણે આયોજનબદ્ધ હતું. ગૃહમંત્રીએ બીઆર આંબેડકરનું અપમાન કર્યું અને અમે બધાએ તેમની પાસે માફીની માંગ કરી. તેઓએ આ મુદ્દાને વાળવા માટે આ બધું આયોજન કર્યું હતું. તેમણે (ગૃહમંત્રી) માફી માંગવી જોઈતી હતી.

વિજય ચોક પર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

December 20, 2024 11:36 am

કોંગ્રેસે આજે દિલ્હીના વિજય ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરી રેલી કાઢી હતી. સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ડૉ. બીઆર આંબેડકર પર કરેલી ટિપ્પણીનો વિરોધ કરવા માટે રાજ્યસભામાં ઈન્ડિયા એલાયન્સના સાંસદો સાથે વિરોધમાં જોડાયા હતા. તેઓ અમિત શાહની માફી અને રાજીનામાની માંગ કરી રહ્યા છે. લોકસભાના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR પર કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આખો દેશ જોઈ રહ્યો છે. તેઓએ રાહુલ ગાંધી પર ઘણા કેસ દાખલ કર્યા છે. તેઓ દર વખતે નવી FIR દાખલ કરે છે અને જૂઠું બોલે છે. આ તેમની હતાશાનું સ્તર દર્શાવે છે.

કોંગ્રેસ સાંસદની સ્થગિત દરખાસ્ત

December 20, 2024 11:30 am

આજે કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે 'ભારતીય બંધારણના નિર્માતાનું અપમાન' કરવાના મુદ્દા પર સ્થગિત દરખાસ્ત રજૂ કરી હતી. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસેથી માફી માંગવા અને રાજીનામાની માંગણી કરી.

લોકસભા સ્પીકરે પ્રદર્શન પર મૂક્યો પ્રતિબંધ

December 20, 2024 11:29 am

ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના હોબાળાને જોતા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કડક આદેશ આપ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, કોઈપણ પક્ષના સાંસદોને સંસદ ભવનનાં કોઈપણ ગેટ પર વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. સંસદ ભવનનાં મકર ગેટ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થયેલી ઝપાઝપી અને હંગામા બાદ આ સૂચનાઓ જારી કરવામાં આવી છે. સંસદની ગરિમા જાળવવા અને સુચારૂ કામકાજ સુનિશ્ચિત કરવાના હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે.

ગૃહમંત્રી અમિત શાહે આપ્યું હતું આ નિવેદન

December 20, 2024 11:22 am

રાજ્યસભા સદનમાં બંધારણ પર ચર્ચા કરતી વખતે તેમણે પોતાના ભાષણમાં બાબા સાહેબ ભીમરાવ આંબેડકર પર નિવેદન આપ્યું હતું. તેમણે 17 ડિસેમ્બરે રાજ્યસભામાં કહ્યું હતું કે, હવે આ એક ફેશન બની ગઈ છે. આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર…. જો તમે ભગવાનનું આટલું નામ લીધું હોત, તો તમને 7 જન્મો માટે સ્વર્ગ મળી ગયુ હોત. કોંગ્રેસે ગૃહમંત્રીના આ નિવેદનને આંબેડકરનું અપમાન ગણાવ્યું છે અને અમિત શાહને કેબિનેટમાંથી બરતરફ કરવાની માંગ કરી છે. આ નિવેદનના વિરોધમાં વિપક્ષી પાર્ટીઓના સાંસદોએ સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુરુવારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાદળી રંગના કપડા પહેરીને પહોંચ્યા હતા. બંનેએ રેલી કાઢી હતી અને વિરોધી સૂત્રોચ્ચાર કરીને પ્રદર્શન કર્યું હતું. આ સમય દરમિયાન ધક્કામુક્કી થતા વધુ એક વિક્ષેપ થયો.

રાહુલ ગાંધી પર ધક્કામુક્કી કરવાનો આરોપ

December 20, 2024 11:18 am

ભીમરાવ આંબેડકર પર ગૃહમંત્રી અમિત શાહના નિવેદનનો કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહી હતી. ત્યારે ભાજપના સાંસદો અને નેતાઓ પણ કોંગ્રેસનો વિરોધ કરી રહ્યા હતા. વિરોધ દરમિયાન બંને જૂથો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન ઝપાઝપી થઈ હતી જેમાં ઓડિશાના બાલાસોરના સાંસદ પ્રતાપ સારંગી અને ફર્રુખાબાદના ભાજપના સાંસદ મુકેશ રાજપૂત ઘાયલ થયા હતા. બંને નેતાઓને માથામાં ઈજા થઈ હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. બંને સાંસદોએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર ધક્કામુક્કી કરવાનો આરોપ લગાવ્યો હતો. વિરોધ વ્યક્ત કરતા ભાજપના સાંસદો અનુરાગ ઠાકુર અને બાંસુરી સ્વરાજે રાહુલ ગાંધી વિરુદ્ધ BNSની 7 કલમો હેઠળ હત્યાનો પ્રયાસ, ધમકી અને ધક્કામુક્કી કરવાના આરોપો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કલમ 109 (હત્યાનો પ્રયાસ) દૂર કરી છે અને બાકીની 6 કલમ 125, 115, 117, 131, 351, 3(5) હેઠળ એફઆઈઆર નોંધી છે.

This Live Blog has Ended
Advertisement

.

×