Punjab : ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ પંજાબ પોલીસે ગાળિયો કસ્યો, કરી મોટી કાર્યવાહી!
વિદેશમાં રહીને ભારતમાં ધર્મ અને જાતિના આધારે જુદા-જુદા જૂથો વચ્ચે નફરતને પ્રોત્સાહન આપવાનું કાવતરું ઘડનારા અને પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસના ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ પંજાબે પોલીસે (Punjab) મોટી કાર્યવાહી કરી છે. માહિતી મુજબ, પોલીસે આતંકી ગુરપતવંત સિંહ પન્નુ (Gurpatwant Singh Pannu) વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસે કહ્યું કે, આ FIR 23 જાન્યુઆરીએ અમૃતસરના સુલતાનવિંડ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પન્નૂને ગેરકાનૂની ગતિવિધિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે અને શીખ ફોર જસ્ટિસ (Sikh for Justice) ખાલિસ્તાની સંગઠન પર પ્રતિબંધ મૂક્યો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં પન્નૂએ દાવો કર્યો છે કે અમૃતસરના શ્રી દુર્ગિયાના મંદિરનું હિન્દુ ધર્મમાં કોઈ ઐતિહાસિક મહત્ત્વ નથી. સાથે અમૃતસરમાં હિન્દુ મંદિર બંધ કરવા ધમકી પણ આપી હતી.
આ કલમો હેઠળ નોંધાયો કેસ
આતંકી પન્નૂ પર આઈટી એક્ટ તેમ જ ભારતીય દંડ સંહિતાની કલમ 153 A (ધર્મ અથવા જાતિના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું), 153 B (વિવિધ ધાર્મિક, વંશીય, ભાષાકીય અથવા પ્રાદેશિક જૂથો વચ્ચે નફરતને પ્રોત્સાહન આપતા નિવેદનો) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. IPC અને 505 (અફવા ફેલાવવી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
CM ભગવંત માનને પણ આપી હતી ધમકી
આ પહેલા 16 જાન્યુઆરીએ આતંકી પન્નૂએ પંજાબના (Punjab) મુખ્યમંત્રી ભગવંત માન ( Bhagwant Mann) અને પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવને આડકતરી રીતે ધમકી આપી હતી. કેટલાક પત્રકારોને મોકલવામાં આવેલ ઈમેલ દ્વારા બે વિડીયોમાં, પન્નૂએ સીએમ માનની તુલના પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બેઅંત સિંહ સાથે કરી હતી, જેમની 31 ઓગસ્ટ, 1995ના રોજ બોમ્બ વિસ્ફોટમાં હત્યા કરવામાં આવી હતી. પન્નૂએ પંજાબ (Punjab) પોલીસ મહાનિર્દેશક યાદવની સરખામણી પોલીસ અધિકારી ગોવિંદ રામ સાથે કરી હતી, જેઓનું સાલ 1990માં બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો - Karpuri Thakur : કોણ છે કર્પૂરી ઠાકુર જેમને ‘ભારત રત્ન’ થી સન્માનિત કરાશે ? જાણો તેમના જીવનસંઘર્ષ, રાજકીય સફર વિશે


