અયોધ્યામાં ભક્તોની ભીડને લઈને ચંપત રાયે શું કરી અપીલ?
- Ayodhya : રામ મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ
- ભીડ વધતા શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રની અપીલ
- લોકોને 15-20 દિવસ બાદ અયોધ્યા આવવા અપીલ
- છેલ્લા 3 દિવસથી અયોધ્યામાં શ્રદ્ધાળુમાં વધારો
- ભીડથી શ્રદ્ધાળુઓને અસુવિધા થઈ રહી છેઃ ચંપત રાય
- આસપાસના લોકો હાલ અયોધ્યા ન આવેઃ ચંપત રાય
- મહાકુંભ બાદ શ્રદ્ધાળુ પહોંચી રહ્યાં છે અયોધ્યાધામ
Ayodhya : ઉત્તર પ્રદેશ (UP)ના પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન ભક્તોની ભીડ સતત વધી રહી છે. અયોધ્યામાં પ્રયાગરાજ મહાકુંભની શરૂઆત સાથે લાખો ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને, શ્રી રામ મંદિર ટ્રસ્ટે પડોશી જિલ્લાઓમાં રહેતા લોકોને 15-20 દિવસ પછી દર્શન કરવા માટે આવવા અપીલ કરી છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય દ્વારા કરવામાં આવેલી અપીલમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા 3 દિવસમાં અયોધ્યાજીમાં ભક્તોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થયો છે.
ચંપત રાયે ભક્તોને કરી આ અપીલ
દેશના અલગ-અલગ ખૂણેથી પવિત્ર સ્થળોની મુલાકાત લેવા માટે શ્રદ્ધાળુઓની ભીડ અયોધ્યા તરફ પણ વધી રહી છે. જેને ધ્યાનમાં રાખી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે ભક્તોની આ વધતી ભીડને ધ્યાનમાં રાખીને ખાસ અપીલ કરી છે. ચંપત રાયે જણાવ્યું કે, 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના દિવસે પ્રયાગરાજમાં "મુખ્ય સ્નાન વિધિ" માટે આશરે 10 કરોડ શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન માટે આવશે. મૌની અમાવસ્યાના શુભ અવસર પર અયોધ્યાના દર્શન માટે પણ હજારો શ્રદ્ધાળુઓ ટ્રેન અને રોડ માર્ગેથી અહીં પહોંચી રહ્યા છે. ગત 3 દિવસમાં અયોધ્યા પહોંચનારા ભક્તોની સંખ્યામાં અણધાર્યો વધારો થયો છે.
ભક્તોને 15-20 દિવસ બાદ અયોધ્યા આવવાની અપીલ
ચંપત રાયે પત્ર દ્વારા ભક્તોને 15-20 દિવસ પછી અયોધ્યા આવવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે અયોધ્યાની ક્ષમતા અને લોકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને શ્રી રામલલાના દર્શન માટે વ્યવસ્થાઓ કરવી મુશ્કેલ બની રહી છે. અતિવધુ ભીડને કારણે લોકોને ભારે તકલીફો ભોગવવી પડી રહી છે, જેમાં લાંબા અંતર સુધી ચાલવું અને રાહ જોવી પણ સામેલ છે. ભક્તોની સુખદ યાત્રા માટે અને કોઈપણ અનિચ્છનીય ઘટના ટાળવા માટે અયોધ્યામાં વ્યવસ્થાઓ સજ્જ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : મહાકુંભમાં જતી ટ્રેન પર ભીડે કર્યો પથ્થરમારો, અંદર બેઠેલા લોકોએ જે કર્યું હતું તે વાંચી ચોંકી જશો


