ગેંગસ્ટર અતિક અને અશરફની હત્યા માટે કોણ જવાબદાર ?
ઉત્તર પ્રદેશનો કુખ્યાત ગેંગસ્ટર અને રાજકારણી અતિક અહેમદ (Gangster Politician Atiq Ahmed) હવે અતિત બની ગયો છે. અતિક અને તેના ભાઈ અશરફની પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીઓ મારીને હત્યા કરી દેવાઈ છે. પોલીસ જાપ્તામાં રહેલા કુખ્યાત બંધુઓની હત્યા માટે કોણ જવાબદાર ? આ સવાલનો જવાબ ખૂબ જ મુશ્કેલ છે.
એન્કાઉન્ટરની ચર્ચાઓ વચ્ચે હત્યાએક સમયે જેના નામથી લોકો થરથર ધ્રુજતા હતા તે ગેંગસ્ટર અતિક હવે અતિત બની ગયો છે. અમદાવાદની સાબરમતી જેલ (Sabarmati Jail Ahmedabad) માંથી થોડાક દિવસો અગાઉ અતિક અહેમદને જ્યારે લોખંડી બંદોબસ્ત વચ્ચે પ્રયાગરાજ (Prayagraj) લઈ જવાયો ત્યારથી જ અતિકના પોલીસ એન્કાઉન્ટર (Police Encounter) ની વાતો વહેતી થઈ હતી. જો કે, અતિક હેમખેમ અમદાવાદ પરત ફર્યો હતો. અતિકને ચારેક દિવસ પૂર્વે ફરીથી ઉત્તર પ્રદેશ ખાતે પોલીસ કાફલાના ઘેરા વચ્ચે લઈ જવાયો હતો. 13 એપ્રિલના રોજ અતિકને અદાલતમાં રજૂ કરાયો તે અરસામાં UP STF (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ) સાથે થયેલા ઘર્ષણમાં અસદ અતિક અહેમદ અને તેના સાથી ગુલામ પોલીસની ગોળીઓથી ઠાર મરાયા હતા. પોલીસ એન્કાઉન્ટરમાં પુત્ર ઠાર મરાયો તેના ત્રીજા દિવસે જ અતિક અને તેનો ભાઈ અશરફ ત્રણ હુમલાખોરોએ કરેલા આડેધડ ગોળીબારમાં મોતને ભેટ્યા.
કોણ હતો અશરફ ?પોઈન્ટ બ્લેન્ક રેન્જથી થયેલા ગોળીબારમાં અતિકની સાથે તેનો ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફ (Khalid Azim alias Ashraf) અંતિમ સફર પર નીકળી ચૂક્યો છે. વર્ષ 2004માં સમાજવાદી પાર્ટીની ટિકીટ પર ફૂલપુર લોકસભા બેઠક જીતી અતિક સાંસદ (MP Atiq) બનીને દિલ્હી પહોંચી ગયો અને અલાહાબાદ પશ્ચિમની ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણીમાં અશરફને સમાજવાદી પાર્ટીએ ટિકીટ આપી. જ્યારે BSP (બહુજન સમાજવાદી પાર્ટી) એ રાજુ પાલને અશરફની સામે મેદાનમાં ઉતાર્યા. રાજુ પાલે ખાલિદ અઝીમ ઉર્ફે અશરફને હરાવી દેતા બંને ભાઈઓ હાર પચાવી ના શક્યા. 25 જાન્યુઆરી 2005ના રોજ ધારાસભ્ય રાજુ પાલ (MLA Raju Pal) સહિત ત્રણ લોકોની ધોળે દિવસે ગોળી મારી હત્યા કરાઈ. આ હત્યાકાંડમાં અતિક અહેમદ અને અશરફની સંડોવણી સામે આવી. હત્યાકાંડ સહિતના 30થી વધુ કેસમાં વૉન્ટેડ અશરફની વર્ષ 2020માં ધરપકડ થઈ હતી અને ત્યારથી જેલમાં કેદ હતો.
હત્યાકાંડ માટે જવાબદાર કોણ?અતિક અને તેના ભાઈ અશરફનો આવી રીતે અંત આવશે તેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. અતિક અને તેના ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફની પોલીસના કડક જાપ્તા વચ્ચે થયેલી હત્યા માટે આખરે પોલીસને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. અતિક-અશરફના જાપ્તામાં ગાફેલ રહેલાં પોલીસ અધિકારી-કર્મચારીને જવાબદાર ઠેરવવાનો નિર્ણય હત્યાકાંડની મધરાતે જ ઉપરથી લેવાઈ ગયો હતો. સુરક્ષા વ્યવસ્થામાં બેદરકાર રહેલા 17 પોલીસ અધિકારી-કર્મચારીને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાયા છે. 'પાઘડીનો વળ છેડે' આ કહેવત પોલીસ માટે બંધ બેસતી છે.
આપણ વાંચો- અતીક-અશરફની હત્યા પર રાજનેતાઓની પ્રતિક્રિયા, જાણો શું બોલ્યા


