Ahmedabad Plane Crash : મોતનું તાંડવ નજરે જોનારા યુવકનો બીજી વખત થયો ચમત્કારિક બચાવ..!
- પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગોંડલનાં દેરડી (કુંભાજી) ના યુવાનનો ચમત્કારિક બચાવ (Ahmedabad Plane Crash)
- પ્લેન ક્રેશમાં મોતનું તાંડવ નજરે નિહાળનાર યુવકનો બીજી વખત પણ ચમત્કારિક બચાવ...!
- કાર અકસ્માતમાં પણ બચેલા યુવકે માતા-પિતા,ભાઈ,ફઈ સહિતા સ્વજનો ગુમાવાવ્યાનું દુ:ખ...!!
Ahmedabad Plane Crash : અમદાવાદમાં પ્લેન ક્રેશનાં 12 જૂન 2025 નાં બનાવથી દેશભરની જનતાનાં કાળજા હચમચી ઊઠ્યા હતા. ત્યારે કોલેજની મેસ બિલ્ડિંગનાં પહેલા માળે જમી રહેલા યુવકે ગણતરીની જ સેકંડોમાં મોતની તબાહી નીહાળી હોવાની સાથે ગોંડલનાં યુવકનો ચમત્કારિક બચાવ થયો હોવાની ઘટના સામે આવી છે. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગોંડલના (Gondal) દેરડી (કુંભાજી) નાં વેદ ભાવેશભાઈ ખાતરા નામનાં યુવાનનો ચમત્કારિક બચાવ થયો છે. પ્લેન અથડાયું ત્યાંથી માત્ર 4 ટેબલ દૂર બેઠેલા વેદ ખાતરાએ મોતનું તાંડવ નજરે નીહાળતા કહ્યું કે, અચાનક બ્લાસ્ટનો અવાજ આવ્યોને બધું ધૂળમાં અદૃશ્ય થયું...
અદાવાદમાં 12 જૂન 2025 નાં રોજ બપોરે વેદ ખાતરા (Ved Khadra) બીજે મેડિકલ કોલેજની (BJ Medical College) મેસ બિલ્ડિંગના પહેલા માળે જમી રહ્યો હતો. જમવાનું શરૂ કરતાં જ અચાનક જોરદાર બ્લાસ્ટનો અવાજ આવ્યો અને બધું ધૂળ ધૂમાડામાં અદૃશ્ય થઈ ગયું. સિડી તરફથી પ્લેન બિલ્ડિંગ સાથે અથડાયું હતું. જ્યાં પ્લેન અથડાયું ત્યારે વેદ ઘટનાથી માત્ર ચાર ટેબલ દૂર બેઠો હતો. તેમણે સેકન્ડોમાં જ થયેલ મોતના તાંડવનો કદી ન ભૂલી શકાય તેવા દ્રશ્યો નિહાળ્યા હતા.
એક નહીં પણ બે વખત વેદનો થયો ચમત્કારિક બચાવ!
પ્લેન અકસ્માતમાં મોતને નજરે જોનાર યુવક વેદ ભાવેશભાઈ ખાતરાએ પોતાનો જીવ બચતા ભગવાનનો આભાર વ્યક્ત કર્યો છે. આ યુવક સાથે 'રામ રાખે તેમને કોણ ચાખે' એ કહેવત સાર્થક થવાની સાથે તેનો એક નહિં પણ બે વખત ચમત્કારિક બચાવ થયો છે. વેદની વાત કરવામાં આવે તો અમદાવાદ પ્લેન દુર્ઘટના અને ગત વર્ષે સામખિયાળી પાસેનાં ગમખ્વાર અકસ્માતમાંથી હેમખેમ ઉગર્યો. બંને દુર્ઘટના બાદ 13 જૂને ઘરે પરત ફર્યો હોવાના સંજોગો સામે આવ્યા છે.
આ પણ વાંચો - Ahmedabad Plane Crash : અત્યાર સુધી આટલા DNA થયા મેચ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી માહિતી
વેદ અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે
ગોંડલ તાલુકાનાં દેરડી (કુંભાજી) ગામના અને હાલ અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં (BJ Medical College) અભ્યાસ કરતા વેદ ભાવેશભાઈ ખાતરા નામના યુવાન માટે કુદરતની કૃપા બે વખત વરદાનરૂપ સાબિત થઈ છે. એક વર્ષનાં ટૂંકા ગાળામાં બે ભયાનક અકસ્માતોનો ભોગ બનવા છતાં વેદનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. એક તરફ ગત વર્ષે પોતાનાં પરિવારનાં 6 સભ્યોને ગુમાવ્યાનું દુઃખ છે, તો બીજી તરફ અમદાવાદ પ્લેન ક્રેશ (Ahmedabad Plane Crash) જેવી મોટી દુર્ઘટનામાંથી બચી જવાનો અહેસાસ છે.
સીડી તરફથી પ્લેન બિલ્ડિંગ સાથે અથડાયું અને બ્લાસ્ટ થયો : વેદ ખાતરા
તાજેતરની ઘટના અંગે વાત કરતા વેદે (Ved Khadra) જણાવ્યું કે, 12 જૂન 2025 ના રોજ બપોરે અચાનક જોરદાર બ્લાસ્ટનો અવાજ આવ્યો અને બધું ધૂળ અને કાટમાળમાં અદૃશ્ય થઈ ગયું. સીડી તરફથી પ્લેન બિલ્ડિંગ સાથે અથડાયું હતું. થોડીવાર માટે કશું જ દેખાતું નહોતું અમે થોડા મિત્રોએ બારીમાંથી કૂદવાનો વિચાર કર્યો, પણ તે યોગ્ય ન લાગ્યું. 'જોરદાર બ્લાસ્ટ સાથે બધું ધૂળ ધૂમાડામાં અદૃશ્ય થઈ ગયું અને અમે સીડી તરફ ભાગ્યા, જ્યાં ઘણા લોકો કાટમાળ નીચે દબાયેલા હતા. અમે 5 જણાએ તેમને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પણ કાટમાળ એટલો ભારે હતો કે, અમારાથી કંઈ થઈ શક્યું નહીં. પાછળ વધુ બ્લાસ્ટ થતાં અમે નીચે ઉતરી ગયા અને બચાવ કામગીરીમાં મદદ કરવા લાગ્યા હતા.
આ પણ વાંચો - Ahmedabad Plane Crash : આવતીકાલે એક દિવસીય રાજકીય શોક, રાજકોટમાં આ માર્ગ રહેશે બંધ, વાંચો વિગત
પ્લેન અથડાયું તે જગ્યાએથી માત્ર ચાર ટેબલ જ દૂર હતો વેદ
આ ઘટનામાં વેદ પ્લેન અથડાયું તે જગ્યાએથી માત્ર ચાર ટેબલ જ દૂર હતો. વેદે જણાવ્યું કે, બ્લાસ્ટ અને શ્વાસ રૂંધાઈ જાય એવા ધુમાડા વચ્ચે બચીશું એવી કોઈ આશા નહોતી. સીડીએથી બહાર નીકળીને મેં સૌથી પહેલા પરિવારને ફોન કરીને હું સુરક્ષિત હોવાની જાણ કરી હતી. જણાવી દઈએ કે, આજથી બરાબર એક વર્ષ પહેલા 4 જૂન 2024 ના રોજ વેદ ખાતરાના પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. નીટ (NEET) પરીક્ષામાં 691 જેવા સારા માર્ક્સ આવતા સમગ્ર પરિવાર માતાજીનાં દર્શન કરવા જઈ રહ્યો હતો ત્યારે સામખિયાળી પાસે લાકડીયા ગામ નજીક નેશનલ હાઈવે પર તેમની કારને ટ્રેલર સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
એક વર્ષ પહેલા અકસ્માતમાં પરિવારનાં 5 સભ્યોને ગુમાવ્યા હતા
આ દુર્ઘટનામાં વેદના મમ્મી-પપ્પા, 13 વર્ષનો નાનો ભાઈ, ફઈ, પપ્પાના ફઈ અને ડ્રાઇવર સહિત કુલ 6 લોકોના કરૂણ મોત થયા હતા. તે અકસ્માતમાં વેદ, તેની બહેન અને તેના ફઈનો દીકરો બચી ગયા હતા. બે બે વખત મોતનું તાંડવ નજરે જોનાર વેદની બંને દુર્ઘટનામાં એક અજીબ સંયોગ જોવા મળ્યો. ગત વર્ષે 4 જૂને અકસ્માત થયા બાદ સારવાર લઈ વેદ 13 જૂન, 2024 ના રોજ ઘરે પાછો ફર્યો હતો. આ વર્ષે પણ 12 જૂને પ્લેન ક્રેશની ઘટના બની અને વેદ 13 જૂન 2025 ના રોજ સવારે પોતાના ગામ દેરડી (કુંભાજી) હેમખેમ પહોંચ્યો હતો.
ભગવાન આવું મોત કોઈને ન આપે : વેદ ખાતરા
બે બે અકસ્માતનો ભોગ વેદે (Ved Khadra) ભાવુક થઈને જણાવ્યું હતું કે, ગત વર્ષે મેં મારા સ્વજનો ગુમાવ્યા હતા અને આ વર્ષે મારી નજર સામે બીજા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હોવાની ઘટનાઓ જોઈ છે. ત્યારે ભગવાન આવું મોત કોઈને ન આપે. હું આ બંને ભયંકર દુર્ઘટનામાં વડીલોનાં અને ભગવાનનાં આશીર્વાદથી જ બચી શક્યો છું.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - Gujarat Rain : સુરતમાં પ્રથમ વરસાદે ખોલી SMCની પ્રિમોન્સૂન કામગીરીની પોલ, પાણી ભરાતા લોકોને ભારે હાલાકી