Gondal : 6 દિવસની રજા બાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનું ઘોડાપુર, વિવિધ જણસીની વિપુલ આવક, જાણો ભાવ
- Gondal Marketing Yard માં વિવિધ જણસીની આવકથી ઉભરાયું
- માર્ચ એન્ડિંગની રજા પૂર્ણ થતાં ખેડૂતો અને વેપારીઓની ચહેલપહેલ શરૂ
- ધાણા, ઘઉં, ડુંગળી, કપાસ, લસણ સહિતની જણસીની વિપુલ પ્રમાણમાં આવક
- 2.25 લાખથી વધુ ગુણી ધાણા તેમ જ ઘઉંના 75 હજારથી વધુ કટ્ટાની આવક નોંધાઈ
Gondal : સૌરાષ્ટ્ર તેમ જ ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની વિપુલ પ્રમાણમાં આવકને લઈને મોખરે સ્થાન ધરાવે છે. 6 દિવસ માર્ચ એન્ડિંગની રજાઓ પૂર્ણ થતાં વિવિધ જણસીની આવક શરૂ કરાતા માર્કેટિંગ યાર્ડ વિવિધ જણસીની આવકથી ઉભરાયું હતું. યાર્ડમાં બે દિવસ પહેલાથી આવક શરૂ કરવામાં આવી હતી. યાર્ડ બાજુમાં આવેલ જગ્યામાં વાહનોનાં થપ્પા લાગી જવા પામ્યા હતા, જેમાં ધાણા, ઘઉં, ડુંગળી, કપાસ, લસણ સહિતની જણસીની વિપુલ પ્રમાણમાં આવક નોંધાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડનાં (Gondal Marketing Yard) ગ્રાઉન્ડ અને છાપરા જણસીથી ખચોખચ ભરાય જવા પામ્યા હતા.
ધાણા, ઘઉં સહિતની જણસીની આવક બંધ કરવામાં આવી
ગોંડલ માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયા જણાવ્યું હતું કે, યાર્ડમાં માર્ચ એન્ડિંગની રજાઓ તેમ જ હિસાબી વર્ષ પૂર્ણ થતાં તમામ જણસીની આવક શરૂ કરવામાં આવી હતી. આજથી યાર્ડ રેગ્યુલર ફરી ધમધમવા લાગ્યું છે. છેલ્લા બે દિવસમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં (Gondal Marketing Yard) મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા છે. સૌરાષ્ટ્રભરનાં ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડને પોતાનું યાર્ડ માને છે. ત્યારે એક જ દિવસની અંદર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 2.25 લાખથી વધુ ગુણી ધાણા તેમ જ ઘઉંના 75 હજારથી વધુ કટ્ટાની આવક નોંધાઈ હતી. વિપુલ પ્રમાણમાં જણસીની આવક નોંધાતા ઘઉં અને ધાણાની યાર્ડનાં સત્તાધીશો દ્વારા આગામી જાહેરાતનાં થાય ત્યાં સુધી બંધ કરવામાં આવી હતી.
આ પણ વાંચો - Kutch : સ્વામીનાં બફાટ સામે સાધુ સંતોનો વિરોધ, આવતીકાલથી મોગલધામના મહંત અનશન કરશે
આજથી રાબેતા મુજબ જણસીની હરાજી શરૂ કરાઈ
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગની 6 દિવસની રજાઓ પૂર્ણ થતાં સવારથી વિવિધ જણસીની હરાજી શરૂ કરવામાં આવી હતી, જેમાં ધાણાના 20 કિલોનાં ભાવ રૂ.1100/- થી રૂ.1900/- સુધીના બોલાયા હતા. જ્યારે, ધાણીનાં 20 કિલોનાં ભાવ રૂ.1300/- થી રૂ. 2300/- સુધીના ભાવ બોલાયા હતા. ઘઉંના 20 કિલોના ભાવ રૂ. 470/- થી રૂ. 650/- સુધીના બોલાયા હતા. જ્યારે, લસણનાં 20 કિલોનાં ભાવ રૂપિયા 600/- થી 1300/- સુધીનાં બોલાયા હતા. આવી રીતે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં માલની હરાજીનું આજથી મુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો - Sanatana Dharma: મોરારી બાપુ કેમ રોષે ભરાયા છે ? જાણો કોને શું કહ્યું બાપુએ...
સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો અહીં માલ વેચવા આવે છે
ગોંડલ માર્કેટિંગ યાર્ડ (Gondal Marketing Yard) ખેડૂતોનું તીર્થધામ માનવામાં આવે છે. અહીં ખેડૂતોએ પકાવેલ માલનો પૂરતો ભાવ મળી રહે છે. એટલે જ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી (Saurashtra) જેમ કે ભાવનગર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર, જુનાગઢ, પોરબંદર સહિતનાં જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી આપતા હોય છે.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - Navsari: મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નિલમ પરીખનું નિધન!


