Gondal : વીજ તંત્રની મનમાનીથી રોષે ભરાયા લોકો, કચેરીમાં બેસીને રામધૂન બોલાવી
- ગોંડલમાં છેલ્લા દોઢ-બે માસથી રાત-દિવસમાં વારંવાર વીજળી ગુલ થતાં લોકોમાં રોષ
- લોકોનાં ટોળા વીજ કચેરીએ પહોંચ્યા, કચેરીમાં રામધૂન બોલાવી
- વીજ તંત્ર દ્વારા કોઈ જવાબ ન મળતા લોકો રોષે ભરાયા
- જો આ મુદ્દે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો કચેરીએ ધામા નાખી આંદોલન કરાશે : રહીશો
રાજકોટ જિલ્લાનાં (Rajkot) ગોંડલમાં (Gondal) છેલ્લા દોઢ-બે માસથી વિવિધ વિસ્તારોમાં દિવસમાં અનેકવાર વીજળી ગુલ થતી હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અસહ્ય બફારા વચ્ચે લાઇટ વગર અકળાયેલા લોકોનાં ટોળા વીજ કચેરીએ પહોંચી ઊગ્ર રજૂઆત કરી હતી. જ્યારે ગતરાતે વારંવાર લાઈટ જતી હોવાથી પરેશાન થયેલા ગુંદાળા ચોકડી, ક્રિષ્ના સોસાયટી, ભગવતી તીર્થ પાર્ક, વસંત વાટિકા, અક્ષર વાટિકા, ગોકુલધામ સહિતનાં વિસ્તારના રહીશો PGVCL કચેરીએ ધસી ગયા હતા. આ સમયે કોઈ જવાબદાર અધિકારીઓ કે કર્મચારીઓ હાજર ન હોવાથી રહીશોએ કચેરીમાં બેસીને રામધૂન (Ramdhun) બોલાવી રોષ વ્યક્ત કર્યો હતો.
વીજ તંત્ર જવાબ આપતું નથી, મનમાની કરે છે : રહીશ
ભગવતી તીર્થ પાર્કનાં રહીશ મહેશભાઈ સાવલીયાએ રોષભેર કહ્યું કે, અમારા વિસ્તારમાં દોઢ મહિનાથી અવારનવાર લાઇટ ચાલી જાય છે. જો ફોન કરીએ તો કોઈ ફોન ઊપાડતું નથી. લાઇટ વગર અસહ્ય બફારામાં રહેવું મુશ્કેલ બન્યુ છે. વીજ તંત્ર કોઈ જવાબ આપવાને બદલે મનમાની ચલાવી રહ્યુ છે.
આ પણ વાંચો - IAS Transfer : અશ્વિની કુમાર, એમ. થેન્નારાસન સહિત 13 IAS અધિકારીની બદલી, 9 DYSO નું પણ ટ્રાન્સફર
વીજ પૂરવઠો પૂર્વવર નહીં થાય તો આંદોલન, તાળાબંધીની ચીમકી
અક્ષર સોસાયટીમાં રહેતા રાજેશભાઈ ભાલોડીએ ફરિયાદ કરી કે, છેલ્લા દોઢ-બે મહિનાથી દિવસ કે રાત્રિનાં કલાકો સુધી લાઇટ ચાલી જાય છે. તો ક્યારેક લો વોલ્ટેજ પાવર હોય છે, જેમાં પંખા પણ ધીમી ગતિથી ફરતા હોય છે. તીવ્ર બફારામાં લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. જો આ મુદ્દે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો મહિલાઓ, બાળકો સાથે PGVCL કચેરીએ (Gondal) ધામા નાખી આંદોલન કરાશે. ઉલ્લેખનીય કે, થોડા દિવસો પૂર્વે નાગડકા રોડનાં ખેડૂતો વારંવારના વીજકાપથી ત્રાસી જઇ વીજ કચેરીએ દોડી જઇ ફરિયાદ કરી હતી. આ સમયે અગ્રણી મનસુખભાઈ સખીયાએ બે દિવસમાં વીજ પુરવઠો પૂર્વવત નહીં થાય તો તાળાબંધી સહિત આંદોલનની ચીમકી આપી હતી.
આ પણ વાંચો - Ahmedabad Plane Crash : શૈક્ષણિક સત્ર ફરી ક્યારે શરૂ થશે ? BJ મેડિકલ કોલેજનાં ડીને આપી માહિતી
વીજ તંત્ર મોટા લોકઆંદોલનની રાહ જોઇ રહ્યું છે ?
બીજી બાજુ કોંગ્રેસનાં (Congress) યતિષભાઈ દેસાઈએ પણ પીજીવીસીએલની લોલમલોલ નીતિ સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. પણ પીજીવીસીએલ તંત્ર નિંભર બન્યુ હોય તેમ આગેવાનોની રજૂઆતો કે ચીમકીને ઘોળીને પી જતું હોય તેમ વારંવાર વીજકાપની પરિસ્થિતિ યથાવત રહેવા પામી હોય કોઈ સુધારો થયો નથી. ત્યારે લાગે છે કે પીજીવીસીએલ તંત્ર કોઈ મોટા લોકઆંદોલનની રાહ જોઇ રહ્યું છે.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - Rain in Gujarat : આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બોટાદમાં NDRF એ કર્યું 18 લોકોનું રેસ્ક્યૂ