હેલ્મેટ રોષ! MLA ભાનુબેન બાબરીયા મતવિસ્તારની વેદના ભૂલ્યા?
- Rajkot માં હેલ્મેટ દંડથી રોષ! મુદ્દો પહોંચી ગયો ગાંધીનગર
- હેલ્મેટ કાયદા પર રાજકોટમાં હંગામો, લાખોનો દંડ વસૂલાયો
- 3 ધારાસભ્યો પહોંચ્યા ગૃહમંત્રી પાસે, 1 ની ગેરહાજરી ચર્ચાનો વિષય
- MLA ભાનુબેન બાબરીયા ગેરહાજર કેમ? સોશિયલ મીડિયામાં ઉઠ્યા સવાલો
- રાજકોટના હેલ્મેટ વિવાદે રાજકારણમાં ગરમાવો લાવ્યો
- હેલ્મેટ કાયદા મુદ્દે ભાજપ ધારાસભ્યોમાં મતભેદના સંકેત!
Rajkot : ગુજરાતમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે હેલ્મેટ ફરજિયાત બનાવવાનો કાયદો કડક રીતે અમલમાં મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના મુખ્ય મથક રાજકોટમાં પોલીસે આ કાયદાનો સખત અમલ કરાવતા થોડા જ કલાકોમાં લાખો રૂપિયાનો દંડ વસૂલ્યો. જેના કારણે સામાન્ય નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો અને આ મુદ્દો છેક ગાંધીનગર સુધી પહોંચી ગયો. આ ઘટના બાદ રાજકોટના સ્થાનિક રાજકારણમાં એક નવો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
3 ધારાસભ્યોની રજૂઆત અને ચોથાની ગેરહાજરી
રાજકોટના લોકોના હેલ્મેટ રોષને શાંત કરવા માટે, શહેરના 3 ભાજપ ધારાસભ્યો – ઉદય કાનગડ, રમેશ ટીલાળા, અને ડૉ. દર્શિતા શાહ – ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળવા પહોંચ્યા હતા. તેમણે રાજકોટના મતદારોની વ્યથા ગૃહમંત્રી સમક્ષ રજૂ કરી અને ફોટા પણ મીડિયામાં રિલીઝ કર્યા. જોકે, આ ફોટામાં એક મુખ્ય ચહેરો ગેરહાજર જોવા મળ્યો, જે રાજકોટના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ ગેરહાજર ચહેરો છે રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા. તેમની ગેરહાજરીથી લોકો અને રાજકીય વર્તુળોમાં સવાલો ઉઠી રહ્યા છે. રાજકોટ ગ્રામ્યનો મતવિસ્તાર ભલે ગ્રામીણ કહેવાય, પરંતુ તેમાં રાજકોટ શહેરના અનેક વોર્ડ આવે છે. આ ઉપરાંત, ભાનુબેન બાબરીયા પોતે રાજકોટના વોર્ડ નંબર 1ના કોર્પોરેટર પણ છે. આટલી નજીકથી શહેરની સમસ્યાઓ જાણતા હોવા છતાં, હેલ્મેટ જેવા ગંભીર મુદ્દે તેઓ ઉદાસીન કેમ રહ્યા તે સવાલ ઉભો થયો છે. ત્યારે સવાલ એ પણ થાય છે કે, ભાનુબેન બાબરીયા તમે ધારાસભ્યની સાથે રાજકોટના વોર્ડ નંબર 1ના કોર્પોરેટર પણ છો. તમારી જવાબદારી તો વધારે છે.
Rajkot ના આ મુદ્દે સોશિયલ મીડિયા પર ઉઠેલા સવાલો
ભાનુબેન બાબરીયાની ગેરહાજરીને લઈને સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો એવું સૂચન કરી રહ્યા છે કે કદાચ ભાનુબેન રાજકોટના શહેરી વિસ્તારને જાણીજોઈને ભૂલી ગયા છે. બીજી બાજુ, સવાલ થઇ રહ્યો છે કે જ્યારે રાજકોટના 3 ધારાસભ્યો એક જૂથ બનાવીને રજૂઆત કરી રહ્યા હતા, ત્યારે ભાનુબેન બાબરીયા કે જેઓ કેબિનેટ મંત્રી છે અને ગાંધીનગરમાં જ હોય છે, તેઓ આ રજૂઆતમાં કેમ જોડાયા નહીં?
આ ઘટનાએ રાજકોટના સ્થાનિક રાજકારણમાં સ્પષ્ટપણે 2 જૂથોનો સંકેત આપ્યો છે. ભલે 3 ધારાસભ્યોએ લોકોની વ્યથા રજૂ કરવાના હેતુથી ફોટા રીલિઝ કર્યા હોય, પરંતુ આડકતરી રીતે તેમણે ચોથા ધારાસભ્ય ભાનુબેન બાબરીયાની ગેરહાજરીને પણ લોકો સમક્ષ મૂકી દીધી છે. આ મુદ્દો આગામી દિવસોમાં રાજકોટના રાજકારણમાં વધુ ગરમાવો લાવી શકે છે અને ભાનુબેન બાબરીયાએ આ ગેરહાજરી અંગે સ્પષ્ટતા કરવી પડે તેવી શક્યતાઓ પણ છે.
અહેવાલ - ધર્મેશ વૈદ્ય, અમદાવાદ
આ પણ વાંચો : Rajkot ભાજપમાં આંતરિક કલહ ચરમસીમાએ! એક નેતાની એન્ટ્રીથી જૂથવાદની આગ ભભૂકી, વાત દિલ્હી સુધી પહોંચી


