બારડોલીના માણેકપુર ગામની સીમમાં નેશનલ હાઇવે નંબર 53 પર આવેલા પેટ્રોલ પંપ પર પિસ્તોલ બતાવી રાત્રિના સમયે લૂંટના ગુનાને અંજામ આપનારા આરોપીઓને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ અને ગ્રામ્ય એલસીબી દ્વારા ગણતરીના દિવસોમાં ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ત્રણ આરોપીની ધરપકડ કરી છે અને 9,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.
25 ફેબ્રુઆરી 2023ના રોજ સુરત ગ્રામ્ય બારડોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા માણેકપુર ગામની ટીમમાં નેશનલ હાઈવે 53ની બાજુમાં આવેલા શ્રી તાપી મૈયા પેટ્રોલ પંપ પર ત્રણ અજાણ્યા ઈસમોએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીઓએ રાત્રિના ત્રણ વાગ્યા આસપાસ પેટ્રોલ પંપ પર જઈ 9,500 રોકડા રૂપિયાની લૂંટ ચલાવી હતી અને એક મોટરસાયકલમાં 15 લીટર પેટ્રોલ ભરાયું હતું અને પેટ્રોલ પંપના કર્મચારીઓને ડરાવી ધમકાવીને તમામ ઈસમો ભાગી ગયા હતા.
ત્યારબાદ સમગ્ર મામલે બારડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો અને આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇ સુરત શહેર ક્રાઈમ બ્રાંચ અને સુરત ગ્રામ્ય એલસીબી પણ તપાસમાં જોડાઈ હતી. આ ઘટનાના ગણતરીના દિવસોમાં જ આરોપીઓને સુરત પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ છ ટીમો કામે લાગી હતી. ત્યારે આ ગુનામાં સંડોવાયેલા આરોપીને મુંબઈ તેમજ નાગપુરના વર્ધાથી ઝડપી પાડવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા આજે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમાં શહેબાજ લંબુ, સફિક કુરેશી અને મહંમદ શાહરુખ કુરેશીનો સમાવેશ થાય છે. જેમાં શહેબાજ સુરતના કડોદરા વિસ્તારનો રહેવાસી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી મહંમદ કુરેશી દ્વારા અન્ય આરોપીઓને સુરત ખાતે બોલાવવામાં આવ્યા હતા અને એક મોટરસાયકલની ચોરી કરવામાં આવી હતી અને ત્યારબાદ સુરતના ભાગળ વિસ્તારમાં આવેલી આંગડીયા પેઢીમાં લૂંટ કરવાની યોજના બનાવવામાં આવી હતી. પરંતુ ભાગળ વિસ્તારની આંગડીયા પેઢીમાં લૂંટ કરવી શક્ય ન હોવાના કારણે આરોપીઓ પોતાનો પ્લાન બદલી નાખ્યો હતો અને પેટ્રોલ પંપ પર લુટ કરવાની યોજના બનાવી હતી અને પેટ્રોલ પંપ પર રેકી કરી હથિયાર સાથે લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો. આરોપીઓએ જે મોટરસાયકલમાં પેટ્રોલ પુરાવ્યું હતું તે પણ ચોરીની હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસ દ્વારા આરોપી પાસેથી 9,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે