ભારતીય જનતા પાર્ટીએ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની તેની બીજી યાદી બહાર પાડી છે. આ યાદીમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાના નામ પણ સામેલ છે. વસુંધરા રાજે સિંધિયાને ઝાલરા પાટનથી ટિકિટ આપવામાં આવી છે.
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જ્યોતિ મિર્ધાને નાગૌરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભાજપની આ યાદીમાં 10 મહિલાઓના નામ સામેલ છે. જયપુરની વિદ્ધાધર નગર સીટના ધારાસભ્ય નરપત સિંહ રાજવીને હવે ચિત્તોડગઢથી ટિકિટ આપવામાં આવી છે. પ્રથમ યાદીમાં ભાજપે તેમની ટિકિટ રદ કરીને વિદ્ધાધર નગરથી રાજસમંદ સાંસદ દિયા કુમારીને ટિકિટ આપી છે.ભાજપે અનેક પૂર્વ મંત્રીઓને પણ ટિકિટ આપી છે. જેમાં પ્રતાપ સિંહ સિંઘવી, શ્રીચંદ ક્રિપલાની, નરપત સિંહ રાજવી, ઓતરામ દેવસી, પુષ્પેન્દ્ર સિંહ રાણાવત, અનિતા ભડેલ, વાસુદેવ દેવનાની, કૈચરણ સરાફ, રાજેન્દ્ર રાઠોડ સહિત ઘણા પૂર્વ મંત્રીઓનો સમાવેશ થાય છે.
વસુંધરા કેમ્પના એક ડઝન નેતાઓને ટિકિટ
વસુંધરા કેમ્પના લગભગ એક ડઝન નેતાઓને ટિકિટ મળી છે, જેમાં પ્રતાપ સિંહ સિંઘવી, અશોક ડોગરા, નરપત સિંહ રાજવી, શ્રીચંદ કૃપાલાની, કાલીચરણ સરાફ, કૈલાશ વર્મા, સિદ્ધિ કુમારી, હેમ સિંહ ભડાના, અનિતા ભડેલ, કન્હૈયા લાલના નામ સામેલ છે. આ સિવાય બિકાનેરના પૂર્વ શાહી પરિવાર સાથે જોડાયેલા અન્ય વસુંધરા વફાદાર સિદ્ધિ કુમારીને ટિકિટ મળી છે. ભાજપે પુષ્કરથી સુરેશ સિંહ રાવત, ઉત્તર અજમેરથી વાસુદેવ ટેવનાની, અજમેર દક્ષિણથી અનિત ભડેલ, જાલોરથી જોગેશ્વર ગર્ગ, સિરોહીથી ઓતરામ દેવાસી, નાથદ્વારા કુંવર વિશ્વરાજ મેવાડને ઉમેદવાર બનાવ્યા છે. આ સિવાય ભીલવાડાથી વિઠ્ઠાશંકર અવસ્થી, બુંદીથી અશોક ડોગરા, કોટા દક્ષિણથી સંદીપ શર્મા અને રાજસમંદથી દીપ્તિ મહેશ્વરીને ટિકિટ આપવામાં આવી છે.
સાત ધારાસભ્યોની ટિકિટ રદ્દ
બીજેપીએ બીજી યાદીમાં 7 ધારાસભ્યોની ટિકિટ રદ કરી છે. તેમાં સુરસાગરથી સૂર્યકાંતા વ્યાસ, સાંગાનેરથી અશોક લાહોટી, ચિત્તોડગઢથી ચંદ્રભાન સિંહ અક્યા, સૂરજગઢથી સુભાષ પુનિયા, નાગૌરથી મોહન રામ ચૌધરી, મકરાનાથી રૂપરામ અને બડી સાદ્રીથી લલિત કુમાર ઓસ્તવાલનો સમાવેશ થાય છે.
ઉદયપુરના રાજવી પરિવારના સભ્ય વિશ્વરાજ સિંહ મેવાડને નાથદ્વારાથી ટિકિટ આપવામાં આવી છે જે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વિધાનસભાના અધ્યક્ષ સીપી જોશીને પડકારશે. વિશ્વરાજ સિંહ મેવાડ થોડા દિવસ પહેલા જ ભાજપમાં જોડાયા હતા. પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર રાઠોડની બેઠક આ વખતે બદલાઈ છે અને તેમને ચુરુને બદલે તારાનગરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપે ચુરુથી હરલાલ સહારનને ઉમેદવાર બનાવ્યા છે.