BHARUCH : ભરૂચની ગ્રાહક કોર્ટનો ગુજરાતમાં પ્રથમ ઐતિહાસિક ચુકાદો, વાંચો અહેવાલ
અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ
ગ્રાહકો છેતરાયા હોય તો તેઓ ગ્રાહક સુરક્ષાની કોર્ટમાં ન્યાય મેળવવા માટે પોતાની અરજી નાખી શકે છે. આવા જ 6 કેસ ભરૂચની ગ્રાહક સુરક્ષા કોર્ટમાં દાખલ થયા હતા. જેની સુનવણી બાદ પણ રૂપિયાની ચુકવણી ન કરાય હોય જેના કારણે આરોપી સામે 6 કેસમાં 2-2 વર્ષની સજા અને બબ્બે હજારનો દંડ ફટકારી ઐતિહાસિક ચુકાદો અપાયો છે.
ગુનેગારે લોભામણી ઓફરો આપી રૂપિયા 15 લાખ 80 હજાર મેળવી લીધા હતા
ભરૂચના મૂળ મૈત્રી નગરમાં રહેતા નિલેશભાઈ પટેલને ઈબ્રાહીમ મહંમદ લોટીયાએ પોતાની ફોર સીઝન ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની પેઢી થકી ખોટા લોભામણી ઓફરો આપી રૂપિયા 15 લાખ 80 હજાર મેળવી લીધા હતા. આપેલા વચન મુજબ ઈબ્રાહીમ મહંમદ લોટીયાએ કાર્ય સંપૂર્ણ કરેલ નહીં અને ખોટા વાયદા ગલ્લા તલ્લા કરી સમય પસાર કરતા હોય જેથી કંટાળી ગયેલા નિલેશભાઈ પટેલે આરોપી ઈબ્રાહીમ લોટીયા વિરુદ્ધ ગ્રાહક સેવામાં ખામી અંગે ફરિયાદ કરેલ હતી. ગ્રાહક તકરાર નિવારણ ફોરમ રૂબરૂ તેઓના વકીલ મહેન્દ્રભાઈ એમ કંસારા મારફતે અરજી દાખલ કરી હતી. તે કેસમાં રૂપિયા 15 લાખ 80 હજાર 8 ટકાના વ્યાજ સાથે પરત ચૂકવવાનો હુકમ કરેલ છે અને ત્યારબાદ ઇબ્રાહીમ લોટિયાએ એનો અમલ નહીં કરેલ અને કામને વિલંબમાં નાખવાનો પ્રયત્ન કરેલ હતો. પરંતુ અસત્ય પર સત્યનો વિજય થયો છે.
કોર્ટે ફટકારી સખત સજા
નિલેશભાઈ પટેલે ગ્રાહક સુરક્ષા ધારા 1986 ની કલમ 27 મુજબ પેનલ્ટી અંગે અરજી આપેલી, એ કામમાં પણ ઇબ્રાહીમ લોટિયાએ કાનૂની દાવ પેજ કરી કામને વિલબમાં નાખવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ગ્રાહક કમિશનર ભરૂચના પ્રમુખશ્રી એમ.એચ પટેલ સાહેબ અને મેમ્બર રેશ્માબેન જાદવએ ઐતિહાસિક ચુકાદો આપી આરોપી ઈબ્રાહીમ મહંમદ લોટીયાને બે વર્ષની સજા અને 2000નો દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની સજાનો હુકમ કર્યો છે. તદ્ઉપરાંત અન્ય ગ્રાહકોમાં શરદ જાદવ સતીશ મહેતા મેન્ટુ પટેલ મયુર રાણા રાણી શર્માના પણ આ જ પ્રકારના આ જ આરોપી ઇબ્રાહીમ લોટીયા વિરુદ્ધ કેસો હતા તે તમામમાં પણ કેસ દીઠ બે વર્ષની સજા અને 2,000નો દંડનો હુકમ ગ્રાહક ભરૂચ કોર્ટે કર્યો છે. આ કામમાં 5 અરજદારો તરફે ભરૂચના ધારાશાસ્ત્રી મુકેશ રાણા તથા એક અરજદાર નિલેશ પટેલની તરફેણમાં વકીલ તરીકે મહેન્દ્ર.એમ.કંસારા હાજર રહ્યા હતા અને ધારદાર દલીલો સાથે દસ્તાવેજી પુરાવા રજુ પણ કર્યા હતા.
ભરૂચ ગ્રાહક કોર્ટના ઇતિહાસમાં એક જ દિવસે પેનલ્ટી કિસ્સામાં કોઈ એક જ આરોપીને જુદા જુદા 6 કેસમાં 2-2 વરસની સજા થઈ હોય તેવો આ પ્રથમ કિસ્સો છે અને આખા ગુજરાતમાં પણ આવો કોઈ ચુકાદો આવ્યો હોય તેવું જણાતું નથી અને ગ્રાહક આલમમાં પણ આ ચુકાદાને લઈ ખુશી વ્યક્ત કરાઈ રહી છે
આ પણ વાંચો -- ALERT: ‘તેજ’ વાવાઝોડું રસ્તો બદલીને ગુજરાતના દરિયા કિનારે ટકરાવાની આશંકા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે


