સુરત જિલ્લાના માંડવી તાલુકાના પુના ગામ ખાતે રહેતી યુવતી જુનીયર કલાર્કની પરીક્ષા આપવા માટે સુરત આવવા નીકળી હતી આ દરમ્યાન બારડોલી તાલુકાના ઉછરેલ ગામની સીમમાં બાવળના ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં તેની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનામાં ચોકાવનારો ખુલાસો થયો છે. જેમાં યુવતીએ આપઘાત નહી પરંતુ તેની હત્યા કરવામાં આવી હતી અને આરોપી અન્ય કોઈ નહી પરંતુ તેના ફોઈનો દીકરો જ નીકળ્યો હતો અને પ્રેમ સબંધમાં આરોપીએ હત્યા કરી સમગ્ર મામલાને આપઘાતમાં ખપાવવાનો કારસો રચ્યો હતો
ઉર્વશી ખેડબ્રહ્મા ખાતે પ્રથમ વર્ષમાં બી.એડ કરતી હતી
સુરત જિલ્લાના માંડવી તાલુકાના પુના ગામ ખાતે રહેતા નવીન ભાઈ ચૌધરી [ઉ.૪૫] ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને ૩ સંતાનો છે જે પૈકી ૨૦ વર્ષીય ઉર્વશી ખેડબ્રહ્મા ખાતે પ્રથમ વર્ષમાં બી.એડ કરતી હતી અને ત્યાં હોસ્ટેલમાં હેતી હતી. દરમ્યાન જુનીયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે તે ગત ૬ એપ્રિલના રોજ ઘરે આવી હતી. દરમ્યાન ૯ એપ્રિલના રોજ યુવતી જુનીયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે સુરત જવા નીકળી હતી. દરમ્યાન મોડે સુધી દીકરી ઘરે ના આવતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. પરિવાર દ્વારા દીકરીના મોબાઈલ પર ફોન કરતા તે ફોન પણ ઉપડતી ના હતી
ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી
દરમ્યાન બારડોલી તાલુકાના ઉછરેલ મોરી ગામની સીમમાં ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં આવેલા બાવળના ઝાડ સાથે તેની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. બનાવની જાણ પરિવારને થતા પરિવાર ઘટના સ્થળે દોડી આવ્યો હતો. દીકરીને ફાંસો ખાધેલી હાલતમાં જોઇને પરિવારે હૈયાફાટ રુદન કર્યું હતું. બીજી તરફ પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
દીકરીના આપઘાતને લઈને પરિવારે શંકા વ્યક્ત કરી હતી
દીકરીના આપઘાતને લઈને પરિવારે શંકા વ્યક્ત કરી હતી તો બીજી તરફ પોલીસે પણ આ બનાવમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં ચોકાવનારો ખુલાસો થયો છે. પોલીસે આ ઘટનામાં માંડવી તાલુકામાં રહેતા પ્રફુલકુમાર જશવંતભાઈ ચૌધરી [ઉ.૨૩] ની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી એક બાઈક અને એક મોબાઈલ ફોન મળી કુલ ૩૫ હજારનો મુદામાલ કબજે કર્યો હતો
તાપી નદીના પટમાં મળવાના બહાને લઇ જઈ દવા પીવડાવી હતી
પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે તે પોતાના ફોઈની દીકરી ઉર્વશી સાથે છેલ્લા ૪ વર્ષથી પ્રેમ સબંધ હતો અને હાલમાં તે ખેડબ્રહમાં ખાતે અભ્યાસ કરતી હતી. દરમ્યાન યુવતીનો કોઈ બીજા સાથે પ્રેમ સબંધ હોવાની શંકા હતી. દરમ્યાન યુવતી પોતાના ઘરે રજા પર આવી હતી તે દરમ્યાન યુવતીને મારી નાખવાના ઈરાદે ફોનથી એકાંતમાં તાપી નદીના પટમાં મળવાના બહાને લઇ જઈ દવા પીવડાવી હતી. જેથી યુવતી અર્ધ બેભાન થતા તેણીના જ દુપ્પટા વડે ગળે ટુંપો આપી ઝાડ સાથે લટકાવી દીધી હતી. બાદમાં આ સમગ્ર મામલો હત્યાનો લાગે તે માટે આરોપીએ યુવતીના મોબાઈલમાંથી યુવતીના પિતા અને પોતાને જાતે જ ખોટા ટેક્સ મેસેજ પણ કર્યા હતા
કડોદ ગામ પાસે યુવતી આરોપી સાથે બાઈક પર જોવા મળી હતી
બનાવ અંગે જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું હતું કે આ કેસમાં પહેલેથી જ એક શંકા હતી કે આ હત્યા પણ હોઈ શકે. જેથી આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં સીસીટીવી ફૂટેજનું પણ ખાસ પરિક્ષણ પોલીસે કર્યું હતું. દરમ્યાન આ કેસમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. કડોદ ગામ પાસે યુવતી આરોપી સાથે બાઈક પર જોવા મળી હતી. જેથી આરોપીની કડક પૂછપરછ કરતા આરોપીએ આ સમગ્ર કબુલાત કરી હતી. યુવતીએ ૩ હજાર રૂપિયા પણ છોકરાને દવા લેવા માટે આપ્યા હતા જેમાં આરોપીએ યુવતીને દવા પીવડાવી અર્ધ બેભાન કરી ઝાડ સાથે લટકાવી દીધી હતી. આ ઘટના બાદ આરોપીએ છોકરીના પિતા અને પોતાની જાતને ફેક મેસેજ પણ કર્યા હતા
જિલ્લા પોલીસ વડાએ કીધું કે યુવતી સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે આવી જ ન હતી
જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું હતું કે યુવતી સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે આવી જ ન હતી, તે ઘરેથી સુરતના કતારગામમાં પરીક્ષા સેન્ટર છે તેવું કહીને નીકળી હતી પરંતુ તેની ટીકીટ માંડવીથી કડોદ સુધીની જ હતી.. આ મામલે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવમાં આવી છે.