ગોંડલ “નારી શક્તિ વંદના” કાર્યક્રમ : રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી., ગ્રામ વિકાસ વિભાગ- ગાંધીનગર અને ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન, શહેરી વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્યના ૩૩ જીલ્લાની ૧૮૨ વિધાનસભા ક્ષેત્રમાં વિકસિત ભારત – વિકસિત ગુજરાત – નારી શક્તિ વંદના” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જે અન્વયે રાજકોટ જિલ્લામાં ગોંડલ તાલુકાનો કાર્યક્રમ જૂના માર્કેટિંગ યાર્ડ, ગોંડલ ખાતે યોજાયો હતો.
જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણેના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ૫૦ જેટલા સ્વસહાય જૂથોના બહેનોને સી.એલ.એફ સ્ટાર્ટપ ફંડ રૂ. ૩.૫૦ લાખ, ૨ જેટલા સ્વસહાય જૂથોના બહેનોને સી.આઇ.એફ. રૂ. ૩ લાખ, ૧ સ્વસહાય જૂથોના બહેનોને રૂ.૧.૫૦ લાખની કેશ ક્રેડિટ, ૪ જેટલા સ્વસહાય જૂથોના બહેનોને રૂ. ૦૩ લાખ રીવોલ્વીંગ ફંડ, ૧ સ્વસહાય જુથને રૂ. ૨૫૦૦ સ્ટાર્ટપ ફંડ, ૫ સ્વસહાય જુથને રૂ. ૦૨ લાખની સહાય સહિત કુલ અંદાજે ૧૦.૩૨ લાખની સહાયનું વિતરણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણેએ પ્રાસંગિક ઉદબોધન કરી મહિલાઓના આર્થિક વિકાસ અને આત્મનિર્ભરતા વિષે પ્રાસંગિક પ્રવચન દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો, ક્વિઝ પોઈન્ટ, સેલ્ફી સ્ટેન્ડ, એસ.એચ.જીના સ્ટોલ, બેંક દ્વારા ડીજીટલ ફાઈનાન્સના સ્ટોલ સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ચીફ ઓફિસર અશ્વિનભાઈ વ્યાસ દ્વારા આભારવિધિ તથા અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગીતાબા જાડેજા, ગોંડલ તાલુકા પ્રમુખ હીનાબેન ઢોલરીયા, ગોંડલ તાલુકા ઉપપ્રમુખ ચિરાગભાઈ ગોલ, નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનીયારા, અગ્રણી અલ્પેશભાઈ ઢોલરીયા, ધવલભાઈ દવે, પ્રફુલભાઈ ટોળિયા સહિતના પદાધિકારીઓ, હોદ્દેદારઓ, પ્રાંત અધિકારી રાહુલભાઈ ગમારા સહિત સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ – વિશ્વાસ ભોજાણી
આ પણ વાંચો : BJP LIST : ગુજરાતની બાકી બેઠકો માટે ગમે તે ઘડીએ જાહેર થશે યાદી