નવલા નોરતા : રાજકોટની મહિલાઓમાં વધ્યો નેઇલ આર્ટનો ક્રેઝ
અહેવાલ : રહીમ લાખાણી , રાજકોટ
રાજકોટમાં તાલીઓનાં તાલે ગરબે ઘૂમતી નારીઓ હવે આર્ટિફિશિયલ નેઈલની ઘેલી બની છે. યુવતીઓ હવે નખ દ્વારા કાંડાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી છે. આ વર્ષની નવરાત્રિમાં રાજકોટીયન ગર્લ્સમાં આર્ટિફિશિયલ નેઇલનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે. નેઇલ આર્ટથી આંગળીઓની સુંદરતામાં વધારો થાય છે. તેથી જ તો રાજકોટમાં પ્રોફેશનલ નેઇલ આર્ટનાં સ્ટુડીયોની બોલબાલા વધી ગઈ છે.
નવરાત્રિ નજીક આવતા જ મહિલાઓને નેઈલ આર્ટનું ઘેલુ લાગ્યું છે. અવનવી પેટર્ન અને ડિઝાઈનના નેઈલ આર્ટ કરાવવા માટે મહિલાઓ ઉમટી રહી છે. કોઈ નેઈલ પર માતાજીનું ચિત્ર દોરાવી રહ્યું છે, તો કોઈ માતાજીના પગલા કરાવી રહ્યું છે. આ સાથે જ નવરાત્રિના અલગ અલગ સિમ્બોલનો ટ્રેન્ડ પણ નેઈલ આર્ટમાં વધી રહ્યો છે.
રાજકોટની એક યુવતીએ પોતાના નેઈલ પર સાથિયો, મા, કળશ, શુભ, લાભ, ઓમ, પગલા, દિવો, કંકુ, ત્રિશુલ સહિત નવરાત્રિના સિમ્બોલ કરાવ્યા છે. એક ખેલૈયા તરીકે રાજકોટ વાસીઓમાં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ યુવતીએ કહ્યું કે તે છેલ્લા ઘણા વર્ષોથી નેઈલ આર્ટ કરાવે છે, પણ આ વખતે તેમણે પોતાના નેઈલમાં અલગ જ પેટર્ન કરાવી છે, જે અત્યારે સૌ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. નેઈલ આર્ટીસ્ટએ જણાવ્યું કે બધા લોકો નવરાત્રિ રિલેટેડ ઘણા નેઈલ આર્ટ કરાવતા જ હોય છે, જેથી ક્લાઈન્ટને યુનિક અને અલગ જ ડીસાઇન મળે તે માટે પ્રયત્ન કરવામાં આવે છે. એમાં પણ રાજકોટિયન્સ તો આ આર્ટના ખુબ જ શોખીન હોય છે. દરેક તહેવારમાં રાજકોટિયન્સને કંઈક અલગ જ જોઈતુ હોય છે, ત્યારે અત્યારે નવરાત્રિ પર પણ લોકો કંઈક યુનિક જ માંગી રહ્યાં છે, જેથી અમે પણ તેને ગમતુ કરી આપીએ છીએ.
રાજકોટની મોટાભાગની મહિલાઓને એવુ જ આર્ટ જોઈતુ હોય છે કે જે કોઈની પાસે ન હોય. દર વર્ષે દાંડિયા, ગરબા તો લોકો ડ્રો કરતા જ હોય છે, પણ આ વર્ષે માતાજીની આકૃતિ પણ નેઈલ આર્ટમાં દોરવામાં આવી છે. આ સાથે જ મલ્ટી ડાયમંડ નેઈલ આર્ટ પણ કરવામાં આવ્યાં છે. દરરોજ અવનવા નખ નેઇલ પોલિશથી રંગીને બીજે દિવસે તેને રીમૂવ કરી નવી નેઇલ પોલિશ લગાવવાની ફેશન હવે જતી રહી છે, જેથી હવે આર્ટિફિશિયલ નેઈલ લગાવવાનો ક્રેઝ વધારે જોવા મળી રહ્યો છે. નેઇલ આર્ટમાં સૌથી વધુ પોપ્યુલર બ્લુ, પીંક, રેડ, કલર છે અને નેઇલ આર્ટનો ભાવ 200થી 4 હજાર સુધીનો છે.
આ પણ વાંચો -- BAPS સ્વામિનારાયણ અક્ષરધામનું રૉબિન્સવિલ, ન્યૂજર્સીમાં શાનદાર ઉદ્ઘાટન