અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તલીના રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા, ઇતિહાસમાં સૌથી ઉંચા ભાવ તલીના બોલતા ખેડૂતોમાં ખુશી છવાઈ. ખેડૂતોના તીર્થધામ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની આવક થઇ રહી છે.. આ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ અંદાજે 3000 હજાર ગુણી તલીની આવક થવા પામી હતી.
તલીની હરાજીમાં રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા એ જણાવ્યું હતું કે આજરોજ માર્કેટિંગ યાર્ડમાં તલી ની આવક થતા વહેલી સવારે તલી ની હરાજી કરતા ઇતિહાસમાં સૌ પ્રથમ વાર તલીનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો હતો. હરાજીમાં તલીના 20 કિલોના ભાવ 3300 થી 3591 સુધીના ભાવ બોલાયા હતા. ખેડૂતો ને પોતાના પાક નો સારો ભાવ મળતા ખુશ ખુશાલ જોવા મળ્યા હતા.
સૌરાષ્ટ્રભર માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ યાર્ડમાં આવે છે
ગોંડલ માર્કેટિંગ યાર્ડ વિવિધ જણસીની આવકો થી ઉભરાતું હોય છે. માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો તેમજ કર્મચારીઓ દ્વારા ખેડૂતોના માલને સહી સલામત યાર્ડના ગ્રાઉન્ડમાં ઉતારવા થી લઈ માલનો નિકાલ ન થાય ત્યાં સુધી દિવસ રાત ખડે પગે રહે છે. એટલે જ તો સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી જેમ કે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર સહિતના જીલ્લાઓ માંથી ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડ પર ભરોસો રાખી અહીં પોતાનો માલ વેચવા માટે અહીં આવતા હોય છે.