Download Apps
Home » ગુજરાતીઓ પુસ્તક ખરીદીને ક્યારે વાંચશે?

ગુજરાતીઓ પુસ્તક ખરીદીને ક્યારે વાંચશે?

આ તો બીજમાંથી ફૂટી છે ડાળ, કે એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ

કવિ જગદીશ જોશીના કાવ્યના આ શબ્દો આજે યાદ આવવાનું કારણ?

કારણ મરાઠી ભાષા-સાહિત્યમાં દિવાળી અંકોનાં ૧૯૦૯માં રોપાયેલાં બીજમાંથી આજે જે અનેક ડાળ, પાંદડાં, ફૂલ પ્રગટ્યાં છે એની થોડી વાત આજે કરવી છે.

દરેક પ્રજાને, દરેક પ્રદેશને પોતાની ખાસિયત હોય છે. આગવી ભાત હોય છે. એ ખાસિયત કે ભાતનું કારણ હોય છે જરૂરિયાત. અને જરૂરિયાતનું કારણ હોય છે પ્રકૃતિ. દિવાળી જેવા તહેવારોમાં પણ પ્રગટ થતી હોય છે આવી ખાસિયત, આવી ભાત, આવી જરૂરિયાત, આવી પ્રકૃતિ. ગુજરાતી કે મારવાડી સમૂહની ખાસ વાત છે ચોપડા પૂજન, કારણ કે પ્રજા મુખ્યત્વે વેપારી. વ્યાપારે વસતે લક્ષ્મી એમ માનનારી. તો મરાઠીભાષીઓને સાહિત્ય, સંગીત, નાટક, અને બીજી કલાઓમાં વધારે લગાવ. એટલે તેમની એક ખાસ ઓળખ છે ‘દિવાળી અંક.’

દિવાળી અંક? કેમ? આપણા ગુજરાતી મૅગેઝિનોના દિવાળી અંક નથી પ્રગટ થતા? થાય છે, પણ કેટલા?

મરાઠીમાં દર વરસે ચારસો કરતાં વધારે દિવાળી અંક પ્રગટ થાય છે! અને દિવાળી પછી નહીં-નહીં તોય ચાર-પાંચ મહિના એ અંકો વંચાતા રહે છે! એ વળી કઈ રીતે? મુંબઈના ગિરગામ, દાદર, પાર્લા ઈસ્ટ જેવા વિસ્તારોમાં આજે પણ સારીએવી સંખ્યામાં ‘સર્ક્યુલેટિંગ લાઇબ્રેરી’ જોવા મળે. બને એટલા દિવાળી અંકો ત્યાંથી લઈને વાંચનારાઓની સંખ્યા ઘણી મોટી. આ રીતે વાંચવાનું સહેજે ત્રણ-ચાર મહિના ચાલે. મહારાષ્ટ્રનાં બીજાં શહેરોમાં, ગામોમાં, પણ આવી લાઇબ્રેરીઓમાંથી લાવીને લોકો વાંચે. મરાઠી દિવાળી અંકોની શરૂઆત નાનકડા ગૃહ ઉદ્યોગરૂપે થયેલી. આજે તો વરસે ૩૦-૪૦ કરોડની આવક-જાવક કરતો આ ઉદ્યોગ બની ગયો છે. છેલ્લાં કેટલાંક વરસોમાં આવેલી ઓટ પછી આ વરસે ફરી ભરતી આવવાનાં એંધાણ છે. ગયા વરસ કરતાં આ વરસે માગમાં ત્રીસ ટકા જેટલો વધારો થવાનો અંદાજ જાણકારોએ મૂક્યો છે.

દિવાળી અંકોના પ્રકાશનની શરૂઆત થઈ છેક ૧૯૦૯માં. કાશીનાથ રઘુનાથ આજગાંવકર મૂળ નામ. પણ ઓળખાયા કાશીનાથ મિત્ર તરીકે. કેમ? કારણ કે એ હતા બંગાળી ભાષાના અચ્છા જાણકાર. બંગાળીમાંથી મરાઠીમાં અનુવાદ પણ કરેલા. તેમણે બંગાળીઓની ‘મિત્ર’ અટક અપનાવીને પોતાના નામ સાથે જોડી દીધી. ૧૮૭૧ના નવેમ્બરની બીજી તારીખે તેમનો જન્મ. ૧૮૯૫માં તેમણે ‘મનોરંજન’ નામનું માસિક શરૂ કર્યું. તેમના એક મિત્ર રાવસાહેબ ગોવિંદ માધવરાવ ડુકલે લંડન રહે. ટાઇમ્સ લિટરરી સપ્લિમેન્ટનો નાતાલ વિશેષાંક પેલા મિત્ર પાસે હતો એ જોયો. તરત મનમાં વિચાર : મરાઠીમાં આ રીતે ‘દિવાળી અંક’ કેમ પ્રગટ ન કરી શકાય?

વળી એ વખતે મુંબઈથી પારસી ગુજરાતીમાં ‘માસિક મજેહ’ નામનું મૅગેઝિન નીકળતું. એનો આધાર પણ લીધેલો. અગાઉ દિવાળી વખતે તહેવારને અનુરૂપ કવિતા કે લેખ કે એવું કશુંક તો છાપતા. પણ આખેઆખો દિવાળી અંક? હા, ૧૯૦૯ની દિવાળી વખતે તેમણે પ્રગટ કર્યો મરાઠી ભાષાનો પહેલવહેલો દિવાળી અંક. એટલું જ નહીં, છેક ૧૯૩૫ સુધી દર વરસે ‘મનોરંજન’ના  દિવાળી અંક પ્રગટ થતા રહ્યા. પહેલા અંકમાં ૧૯૨ પાનાં ભરીને લખાણો હતાં, જ્યારે ૨૭ પાનાં જાહેરખબરનાં હતાં. પહેલા અંકના નિવેદનમાંની કેટલીક વાતો આજે આપણને સમજતાં કદાચ થોડી વાર લાગે. તેઓ લખે છે કે ઘણા મોટા-મોટા લેખકોના લેખો આવતા રહ્યા, પણ એમાંના કેટલાક કમ્પોઝ ન થઈ શક્યા. જે કમ્પોઝ થયેલા એમાંનાં ઘણાં પાનાં ઓછાં પડવાને કારણે સમાવી ન શકાયા. આ અંકનું છાપકામ એકસાથે ત્રણ પ્રેસમાં થયું હતું : નિર્ણય સાગર પ્રેસ, કર્ણાટક પ્રેસ, બૉમ્બે વૈભવ પ્રેસ. કારણ કે કોઈ એક પ્રેસ બધી નકલ છાપી શકે તેમ નહોતું! પણ છેવટે તો ત્રણ-ત્રણ છાપખાનાં, પણ બધા કામને પહોંચી વળી શક્યા નહીં! જોકે આ અંકની કુલ કેટલી નકલો છાપેલી એ જણાવ્યું નથી. ૨૧૯ પાનાંના અંકની કિંમત હતી એક રૂપિયો!

આ અંકમાંના લેખો પણ ખાસ ધ્યાન ખેંચે એવા છે. બાળવિવાહ, વિધવા વિવાહ, જાતિ પ્રથા, સામાજિક અને ધાર્મિક સુધારા વગેરે એ જમાનાના મહત્ત્વના પ્રશ્નો વિશે લેખો છે. ઘણા લેખોમાં ૧૯મી સદીના છેલ્લા દાયકામાં મુંબઈમાં ફેલાયેલા પ્લેગનો ઉલ્લેખ જોવા મળે છે. એ વખતે ઘણી મોટી સંખ્યામાં યુવાન પુરુષો પ્લેગનો ભોગ બનીને મૃત્યુ પામ્યા હતા. પરિણામે નાની ઉંમરની ઘણીબધી સ્ત્રીઓ વિધવા બની. તેથી એ વખતે વિધવા વિવાહનો પ્રશ્ન વધુ ઉગ્ર બન્યો હતો. અહીં લખનાર લેખકો એકંદરે વિધવા વિવાહના હિમાયતી હોવાનું જણાય છે.

‘મનોરંજન’ના દિવાળી અંકને મળેલી સફળતા જોઈને બીજાઓએ પણ દિવાળી અંકો પ્રગટ કરવાનું શરૂ કર્યું. મરાઠી માણૂસે પણ આ અંકોને અપનાવી લીધા. દિવાળીની રજાઓ, તહેવારની ઉજવણી, સગાંવહાલાંને મળતી વખતે અપાતી-લેવાતી ભેટો – આ બધાંને લીધે દિવાળી અંકોને અનુકૂળ વાતાવરણ સર્જાયું. માત્ર દિવાળીમાં જ પ્રગટ થતા વાર્ષિક અંકો પણ વધતા ગયા. તો બીજી બાજુ પ્રતિષ્ઠિત સામયિકોએ પણ દિવાળી અંકોના પ્રકાશનમાં ઝંપલાવ્યું. શરૂઆતમાં દિવાળી અંકોની સામગ્રીના કેન્દ્રમાં સાહિત્ય હતું. પણ પછી થોડા જ વખતમાં જુદાં જુદાં ક્ષેત્રોને આવરી લેવાનું શરૂ થયું. આર્થિક સધ્ધરતા, શિક્ષણ, પ્રવાસ વગેરે વધતાં ગયાં તેમ- તેમ મધ્યમ વર્ગે દિવાળી અંકોને વધુ ને વધુ અપનાવ્યા.

વાચકોની તાસીર અને પસંદગી પારખી જઈને પ્રકાશકો પણ દિવાળી અંકોમાં સતત ફેરફારો કરતા રહ્યા. બીજી ભાષાની સાહિત્ય કૃતિના અનુવાદ, પરિચય વગેરે છપાતા થયા. સ્ત્રીઓ અને બાળકોને ખાસ ધ્યાનમાં રાખીને લેખ સામગ્રી પસંદ થવા લાગી. હા, શરૂઆતમાં એ સામગ્રી પરંપરાગત હતી. જેમ કે ભરત-ગૂંથણ, રંગોળી, પાકકળા વગેરે. પણ પછી તરત સમજાયું કે મધ્યમ વર્ગની શિક્ષિત સ્ત્રીઓ સુધી પહોંચવું હોય તો આ સામગ્રી નહીં ચાલે. તેમનાં વિચાર, જરૂરિયાત, માન્યતા વગેરેને અનુરૂપ સામગ્રી ધરાવતા અંકો પ્રગટ થવા લાગ્યા.

બીજી બાજુ વયસ્ક વાચકોને અનુરૂપ થાય એવી સામગ્રી પણ આમેજ થવા લાગી. વૃદ્ધોની શારીરિક અને માનસિક સંભાળ, બીજાં કુટુંબીજનો સાથેના તેમના સંબંધો, તેમના જીવનના આર્થિક પાસાનું આયોજન જેવા વિષયો દિવાળી અંકોમાં દાખલ થયા. શ્રમજીવીઓ અને પાંઢરપેશીઓને માફક આવે એવી સામગ્રી ઉમેરાઈ તો બીજી બાજુ પર્યટન, રાજકારણ, અર્થકારણ જેવા વિષયોને વરેલા દિવાળી અંકો પણ પ્રગટ થવા લાગ્યા. આવા બધા વિષયો આવે પછી લગ્નજીવન અને કામજીવન કેમ ન આવે? જુદા-જુદા વિષયોની ભેળ જેવા અંકોની સાથે જ કોઈ એક ખાસ વિષયને લગતા અંકોને પણ વાચકોએ વધાવી લીધા.

સાહિત્યિક કૃતિઓ જ સમાવતા અંકોની પણ રૂખ બદલાઈ. લોકપ્રિયતાની ટોચે પહોંચેલા ના. સી. ફડકે, ચંદ્રકાન્ત કાકોડકર જેવા લેખકોની જ કૃતિઓ ધરાવતા અંકો પ્રગટ થવા લાગ્યા. તો જયવંત દળવી જેવા ખૂબ પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા ધરાવતા લેખક દર વરસે ૪૦-૫૦ દિવાળી અંકો માટે લખતા. આવા અંકોને મળતી સફળતા જોઈને કેટલાક અત્યંત લોકપ્રિય લેખકોએ પોતે પોતાની જ કૃતિઓ છાપતા અંકો શરૂ કર્યા. આવા અંકોમાં મોટા ભાગે ત્રણ-ચાર નવલકથા જ છપાતી. અલબત્ત, અંક હોય ૨૦૦-૨૫૦ પાનાંનો એટલે હકીકતમાં આ કૃતિઓ ‘લઘુનવલ’ હોય. તો બીજી બાજુ એવા લેખકો પણ ખરા, જે દિવાળી અંકો માટે ન જ લખવાની ગાંઠ વાળીને બેસતા. ભાલચંદ્ર નેમાડે, વિંદા કરંદીકર, દિલીપ ચિત્રે, નામદેવ ઢસાળ, વગરેનો આ વર્ગમાં સમાવેશ થતો.
દિવાળી અંકોનાં શિખર જેવાં બે પ્રકાશનો એ ‘મૌજ’ અને ‘સત્યકથા’ના દિવાળી અંકો. અને એની પાછળનું ચાલકબળ તે શ્રી. પુ. ભાગવત. તેમણે એક બાજુથી પ્રતિષ્ઠિત લેખકોની ઉત્તમ કૃતિઓ છાપી. તો બીજી બાજુ કેટલાંયે નવાં લેખક-લેખિકાને પ્લૅટફૉર્મ પૂરું પાડ્યું. અલબત્ત, ૧૯૨૨માં ‘મૌજ’ની શરૂઆત બીજાએ કરેલી. પણ ૧૯૪૫માં ભાગવતે એ ખરીદી લીધું પછી એની કાયાપલટ થઈ ગઈ. સત્યકથા માસિક બંધ થયા પછી એના દિવાળી અંકનું પ્રકાશન પણ બંધ થયું પણ વાર્ષિક મૌજનો દિવાળી અંક આજે પણ પ્રગટ થાય છે.

‘મનોરંજન’ના પહેલા દિવાળી અંકની કિંમત હતી એક રૂપિયો. વધતી-વધતી દિવાળી અંકોની કિંમત આજે ૨૫૦-૩૦૦ રૂપિયા સુધી પહોંચી છે. આ ઉપરાંત બને તેટલી વધુ જાહેરખબરો મેળવવાના પ્રયત્ન તો થાય છે જ, પણ હવે જાહેરખબરો આપનારને માફક આવે એવી સામગ્રી પણ ઘણા અંકોમાં ઉમેરાય છે. તો બીજી બાજુ માત્ર જાહેરખબર આપનારાઓ પૂરતી જ નકલો છાપનારા વીરલાઓ પણ છે. સંબંધોને કારણે આવા લોકો મોટા પ્રમાણમાં જાહેરખબરો મેળવે છે. બીજી સામગ્રી પણ મેળવે છે. પણ જાહેરખબર આપનારાઓને મોકલવા માટે જોઈએ એટલી જ નકલ છપાવે છે. અંકને બજારમાં વેચવા માટે મૂકતા જ નથી! તો બીજી બાજુ પોતાના અંકો મફતમાં વહેંચનારા કે સાવ મામૂલી કિંમતે વેચનારા પણ છે. અને ક્યારેક દિવાળી અંકનું બ્લૅક માર્કેટ પણ થાય છે! હેમંત દીવટે પોતાના દિવાળી અંકોની કિંમત દસ રૂપિયા રાખતા પણ એ બ્લૅકમાં સો રૂપિયામાં વેચાતા!

પણ છેલ્લાં કેટલાંક વરસોમાં દિવાળી અંકોનું અજવાળું થોડું ઝાંખું થવા લાગ્યું. એનું એક કારણ તે બધી ઉંમરના લોકોમાં ઘટતી જતી વાંચવાની ટેવ. બીજું, માહિતી અને મનોરંજન લગભગ મફતમાં પૂરાં પાડતાં સાધનોની બોલબાલા. ત્રીજું, યુવા વર્ગને આકર્ષવામાં રહેલી ઊણપ. ચોથું કારણ વધતી જતી પ્રોડક્શન કૉસ્ટ અને એને કારણે રાખવી પડતી ઊંચી વેચાણ કિંમત. અલબત્ત, આ બધી મુશ્કેલીઓનો સામનો કરવાના પ્રયત્નો પણ થઈ જ રહ્યા છે. આવો એક પ્રયત્ન તે ડિજિટલ દિવાળી અંકો. પણ હજી આવા અંકો બહુ મોટા સમુદાય સુધી પહોંચી શક્યા નથી.
૨૦૦૯માં દિવાળી અંકોની શતાબ્દી ઊજવાઈ ત્યારે ‘મનોરંજન’નો પહેલો દિવાળી અંક આખેઆખો ફરી છપાયો હતો. દર વરસે પ્રગટ થયેલા દિવાળી અંકોમાથી ચૂંટેલી સામગ્રી પુસ્તકાકારે પણ પ્રગટ થાય છે. આમ દિવાળી અંકો એ મરાઠી માણૂસની એક આગવી ઓળખ જેવા બની રહ્યા છે.

આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
By Hardik Shah
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
By Vipul Sen
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
By Hiren Dave
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
By Vipul Pandya
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
By VIMAL PRAJAPATI
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
By VIMAL PRAJAPATI
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
આજે રાતે સંભાળજો…! બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા! પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ? દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ