IND vs WI 1st Test : શું અમદાવાદીઓ ક્રિકેટ જોઇને કંટાળ્યા?
- ભારત-વેસ્ટ ઈન્ડિઝ (IND vs WI) ટેસ્ટ બની ફીકી
- શું અમદાવાદીઓ ક્રિકેટ જોઇને કંટાળ્યા?
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકોની ગેરહાજરી
IND vs WI 1st Test in Narendra Modi Stadium : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચને લઇને સ્ટેડિયમમાં દર્શકોની હાજરી ના બરાબર છે. જીહા, જે અમદાવાદીઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા માટે હર હંમેશા ઉત્સુક જોવા મળે છે તે આજે આ મેચને જાણે બોયકોટ કરી હોય તેવું લાગી રહ્યું છે. જોકે, આની પાછળનું કારણ ભારત ટીમ સામે વેસ્ટ ઈન્ડિઝની ટીમ હોવાનું પણ જનમુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે સવાલ ઉભો થાય છે કે, એવું શું થયું કે વેસ્ટ ઈન્ડિઝ જે એક સમયે દુનિયાની સૌથી પાવરફુલ ટીમ હતી તેને જોવા માટે દર્શકો સ્ટેડિયમ સુધી આવી નથી રહ્યા?
દર્શકોમાં કોઈ ઉત્સાહ દેખાતો નથી
ક્રિકેટ જગતમાં એક સમય હતો જ્યારે વેસ્ટ ઇન્ડીઝનું નામ સાંભળીને જ વિરોધી ટીમોના ખેલાડીઓ ડરવા લાગચા હતા. ઝડપી બોલિંગનો ખૌફ હોય કે બેટિંગનો દબદબો, આ ટીમને 'King without a crown' તરીકે ઓળખવામાં આવતી હતી. પરંતુ આજે, વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટની ગાથા દર્દભરી યાદ બનીને રહી ગઈ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેવા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ મેદાન પર ભારત સામે ટેસ્ટ શ્રેણી શરૂ થઈ હોવા છતાં, ખાલી સ્ટેડિયમો સ્પષ્ટપણે દર્શાવે છે કે આ શ્રેણીમાં ખેલાડીઓ કે દર્શકોમાં કોઈ ઉત્સાહ દેખાતો નથી. આજે ભારતીય ટીમના ત્રણ બેટ્સમેનોએ શાનદાર બેટિંગનું પ્રદર્શન કરતા સદી ફટકારી છે. અહીં ભારતીય ટીમનું પ્રદર્શન ખૂબ સારું જોવા મળી રહ્યું છે, તો બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝની ટીમ જાણે ગલી ક્રિકેટમાં રમતી કોઇ ટીમ હોય તેવી લાગી રહી છે. આટલું ખરાબ પ્રદર્શન પાછળનું કારણ શું આવો જાણીએ.
That's Stumps on Day 2!
1⃣0⃣0⃣s from KL Rahul, Dhruv Jurel, and Ravindra Jadeja ✅#TeamIndia with a massive lead of 286 runs 💪
Scorecard ▶️ https://t.co/MNXdZceTab#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/cyPiBC6V4I
— BCCI (@BCCI) October 3, 2025
વર્તમાન સ્થિતિ
વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટની વર્તમાન કંગાળ સ્થિતિનો અંદાજ તેના તાજેતરના પ્રદર્શન પરથી લગાવી શકાય છે. જે ટીમે એક સમયે વિશ્વ ક્રિકેટમાં પોતાનું એક વર્ચસ્વ સ્થાપિત કર્યું હતું, જેનાથી તેની સામે રમનારી ટીમ ભયમાં રહેતી હતી, તે આજે ટૂંકા ફોર્મેટમાં પણ સંઘર્ષ કરી રહી છે. સૌથી શરમજનક બાબત એ છે કે સપ્ટેમ્બરના અંતમાં શારઝાહમાં રમાયેલી 3 મેચની T20 શ્રેણીમાં વેસ્ટ ઇન્ડીઝનો પરાજય (શ્રેણી 2-1થી હારી) નેપાળ જેવી પ્રમાણમાં નવી ટીમ સામે થયો હતો. આશ્ચર્યની વાત તો એ હતી કે વેસ્ટ ઇન્ડીઝની ટીમમાં જેસન હોલ્ડર, કાયલ મેયર્સ, અકીલ હુસૈન અને ફેબિયન એલન જેવા આંતરરાષ્ટ્રીય સ્તરના જાણીતા ખેલાડીઓ હાજર હતા, છતાં ટીમ નેપાળ સામે ટકી શકી નહોતી. તાળીઓના ગડગડાટથી ભરેલી તેમની રમત હવે માત્ર ચર્ચામાં રહી ગઇ છે. જે આત્મવિશ્વાસ અને તાકાત માટે વિન્ડીઝ જાણીતું હતું, તે હવે સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગયું છે.
સુવર્ણ યુગના દિગ્ગજો અને વર્તમાન દુર્દશા
વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટ ઇતિહાસને યાદ કરીએ તો ખબર પડે કે આ ટીમનું ગૌરવ કેટલું મોટું હતું. ક્રિકેટ જગતમાં "થ્રી ડબલ્યુએસ" તરીકે જાણીતા સર ક્લાઇવ વોલકોટ, સર ફ્રેન્ક વોરેલ અને એવર્ટન વીક્સની ત્રિપુટીએ વિશ્વ ક્રિકેટનો સૌથી મજબૂત બેટિંગ ઓર્ડર તૈયાર કર્યો હતો. જો આજે આ દિગ્ગજો જીવંત હોત, તો તેઓ કેરેબિયન ક્રિકેટની આ ખરાબ હાલત જોઈને ચોક્કસપણે આંસુ વહાવતા હોત. ગેરી સોબર્સ, વિવિયન રિચાર્ડ્સ, ક્લાઇવ લોયડ, બ્રાયન લારા, માઈકલ હોલ્ડિંગ, એન્ડી રોબર્ટ્સ, માલ્કમ માર્શલ... આ તમામ ખેલાડીઓએ વેસ્ટ ઇન્ડીઝને શિખર પર પહોંચાડ્યું હતું. તે સમયની તેમની સામેની મેચો પડકાર અને ઉત્તેજનાથી ભરેલી રહેતી, પરંતુ આજે ટેસ્ટ ક્રિકેટમાં તે જ ટીમ પાછળ રહી ગઈ છે.
પતન માટે કોણ જવાબદાર?
આ મહાન ટીમનું પતન રાતોરાત નથી થયું. નિષ્ણાતો આ પતન માટે વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડ (CWI) ને મુખ્ય ગુનેગાર માને છે, જે આંતરિક અને પ્રણાલીગત નબળાઈઓથી ઘેરાયેલું છે. જણાવી દઇએ કે, બોર્ડની અંદર આંતરિક રાજકારણ, ખેલાડીઓ સાથેના તણાવપૂર્ણ સંબંધો અને અનુશાસનહીનતા જેવા મુદ્દાઓ ટીમના ધીમા પતનના મુખ્ય કારણો છે. સૌથી મોટો પડકાર એ છે કે ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ હવે રાષ્ટ્રીય ટીમ માટે રમવાને બદલે IPL, CPL અને અન્ય વિદેશી T20 લીગને પ્રાથમિકતા આપી રહ્યા છે. આ લીગમાંથી મળતા વધુ પૈસા અને સ્થિરતાને કારણે તેઓ રાષ્ટ્રીય ટીમ માટે ઓછા ઉપલબ્ધ રહે છે, જેના કારણે મજબૂત અને સતત ટીમ બનાવવી મુશ્કેલ બની રહી છે.
આ પણ વાંચો : ભારત vs વેસ્ટ ઈન્ડિઝ: બુમરાહે સ્પિનરોને પાછળ છોડી ઇતિહાસ રચ્યો, WTCમાં ઘરઆંગણે 50 વિકેટ પૂરી


