Mitchell Starc retirement : T20 વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયાને આંચકો: મિચેલ સ્ટાર્કે નિવૃત્તિ જાહેર કરી
- આંતરરાષ્ટ્રીય ટી-20માંથી મિશેલ સ્ટાર્કનો સંન્યાસ (Mitchell Starc retirement)
- ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર મિશેલ સ્ટાર્કની જાહેરાત
- ટેસ્ટ અને વન-ડે પર ધ્યાન કેન્દ્રિત કરવા નિર્ણય
- 2026ના ટી-20 વર્લ્ડ કપ પહેલા નિવૃત્તિથી ઝટકો
- ટી-20માં સૌથી વધુ વિકેટ ઓસ્ટ્રેલિયન બોલર છે સ્ટાર્ક
Mitchell Starc retirement : આગામી વર્ષે ભારત અને શ્રીલંકામાં યોજાનારા T20 વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. અનુભવી ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. સ્ટાર્કે જણાવ્યું કે હવે તેઓ પોતાનું સંપૂર્ણ ધ્યાન ટેસ્ટ ક્રિકેટ પર કેન્દ્રિત કરવા માંગે છે, અને સાથે જ 2027ના વનડે વર્લ્ડ કપ માટે પોતાને ફિટ રાખવા માંગે છે.
સ્ટાર્કની T20 કારકિર્દી
35 વર્ષના મિચેલ સ્ટાર્કે સપ્ટેમ્બર 2012માં પાકિસ્તાન સામે દુબઈમાં T20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. તેમણે પોતાની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં ભારત સામે રમી હતી. સ્ટાર્ક ઓસ્ટ્રેલિયા માટે પાંચ T20 વર્લ્ડ કપનો ભાગ રહ્યા હતા અને 2021ના વર્લ્ડ કપ વિજયમાં તેમનું યોગદાન ખૂબ મહત્વનું હતું. ઈજાને કારણે તેઓ ફક્ત 2016નો T20 વર્લ્ડ કપ ચૂકી ગયા હતા.
T-20માં સૌથી વધુ વિકેટ લેનાર બીજો ખેલાડી
તેમણે કુલ 65 T20 ઈન્ટરનેશનલ મેચમાં 23.81ની સરેરાશથી 79 વિકેટ ઝડપી છે. ઓસ્ટ્રેલિયા માટે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં તેઓ બીજા ક્રમે છે. આ યાદીમાં 103 વિકેટ સાથે એડમ ઝમ્પા પ્રથમ સ્થાને છે.
ऑस्ट्रेलियाई तेज गेंदबाज #मिशेल_स्टार्क ने टी20 अंतरराष्ट्रीय क्रिकेट से संन्यास की घोषणा की।#MitchellStarc #T20Internationals pic.twitter.com/XuIJW5Vo8b
— आकाशवाणी समाचार (@AIRNewsHindi) September 2, 2025
નિવૃત્તિનું કારણ અને ટીમનો પ્રતિભાવ
પોતાના નિર્ણય વિશે વાત કરતા સ્ટાર્કે કહ્યું, "હંમેશા ટેસ્ટ ક્રિકેટ મારી પહેલી પ્રાથમિકતા રહી છે. મેં T20 ઈન્ટરનેશનલની દરેક મેચનો ખૂબ આનંદ માણ્યો, ખાસ કરીને 2021ના વર્લ્ડ કપની જીતનો. ભારત સામેની ટેસ્ટ સિરીઝ, એશિઝ અને 2027ના વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને મને લાગે છે કે આ નિવૃત્તિ માટે યોગ્ય સમય છે. આ નિર્ણય મને ફિટ અને તાજગીભર્યો રહેવામાં મદદ કરશે અને ટીમને નવા બોલરોને તૈયાર કરવાનો સમય પણ મળશે."
ટેસ્ટ અને વનડે રમશે સ્ટાર્ક
ઓસ્ટ્રેલિયાના ચીફ સિલેક્ટર જ્યોર્જ બેલીએ સ્ટાર્કના નિર્ણયને માન આપતા કહ્યું કે, "મિચને પોતાની T20 સિદ્ધિઓ પર ગર્વ થવો જોઈએ. તેઓ 2021ની વર્લ્ડ કપ વિજેતા ટીમના મુખ્ય સભ્ય હતા અને તેમની વિકેટ લેવાની ક્ષમતાથી મેચનો રસ્તો બદલી નાખતા હતા. અમે તેમની કારકિર્દીની ઉજવણી કરીશું, પરંતુ સારી વાત એ છે કે તેઓ ટેસ્ટ અને વનડે ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે."
T-20 માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત
દરમિયાન, ન્યૂઝીલેન્ડ સામેની આગામી T20 સિરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત થઈ ચૂકી છે. આ સિરીઝમાંથી કેમરૂન ગ્રીનને આરામ અપાયો છે અને નાથન એલિસ વ્યક્તિગત કારણોસર બહાર છે. જ્યારે મેથ્યુ શોર્ટ અને મિચ ઓવેન ઈજામાંથી સ્વસ્થ થઈને ટીમમાં પાછા ફર્યા છે, અને માર્કસ સ્ટોઈનિસની પણ ટીમમાં વાપસી થઈ છે.
આ પણ વાંચો : Dream11 ની વિદાય બાદ હવે નવા સ્પોન્સરની શોધમાં BCCI, ₹450 કરોડનો લક્ષ્યાંક


