Narmada : સાગબારા તાલુકાના કોલવાણમાં માનભક્ષી દીપડાનો આતંક
- 9 વર્ષીય બાળકીને મોતને ઘાટ ઉતારી
- જયારે એક મહિલા પર હૂમલો કર્યો છે
- બે ઘટના બાદ કોલવાણ તથા આસપાસના લોકોમાં દહેશત
Narmada : નર્મદાના સાગબારા તાલુકાના કોલવાણમાં માનભક્ષી બનેલા દીપડાએ 9 વર્ષીય બાળકીને મોતને ઘાટ ઉતારી છે જયારે એક મહિલા પર હૂમલો કર્યો છે. આ બે ઘટના બાદ કોલવાણ તથા આસપાસના લોકોમાં દહેશત છે. માનવભક્ષી દીપડાને પકડવા માટે કેવડિયાના જંગલ સફારી અને બનાસકાંઠાથી વિશેષ ટીમ બોલાવવામાં આવી છે. આ ટીમ દીપડાના અવરજવર, ફૂટ પ્રિન્ટ અને મળ મૂત્રના આધારે તેનું પગેરૂ મેળવવામાં સક્ષમ છે.
એક રાતમાં દીપડો 50 કિમીનું અંતર કાપતો હોય છે
ટીમ ટ્રકન્વીલાઈઝર ગન સહિતના આધુનિક હથિયારો અને નાઈટ વિઝન કેમેરાથી સજજ છે. આ ટીમ સ્થાનિક અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મળી કોલવાણ તથા આસપાસના વિસ્તારમાં કેમેરાઓ લગાવી રહી છે. નર્મદા જિલ્લો 43 ટકા વન વિસ્તાર ધરાવે છે અને તેમાં દીપડાને ઝડપી પાડવા માટે કવાયત ચાલી રહી છે. જંગલ વિસ્તારમાં રહેતાં દીપડાઓ ખોરાકની શોધમાં ગામડાઓ સુધી આવી રહયાં છે. દીપડાઓ સામાન્ય રીતે સાંજના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં મુવમેન્ટ કરતાં હોય છે. એક રાતમાં દીપડો 50 કિમીનું અંતર કાપતો હોય છે. તેની મુવમેન્ટ પર નજર રાખવા કેમેરા લગાડવામાં આવ્યાં છે.
વિવિધ સ્થળોએ પાંજરા પણ ગોઠવવામાં આવ્યાં છે
આ ઉપરાંત ૩ કિમીના વિસ્તારમાં ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. જંગલ વિસ્તાર સહિતના વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે. દીપડાઓની સંખ્યા વધી રહી હોવાથી તેઓ ખોરાકની શોધમાં માનવ વસાહતો તરફ આવી રહ્યાં છે. બીજી બાજુ સાંસદ મનસુખ વસાવાએ પણ ચિંતા વ્યક્ત કરી છે. તથા જણાવ્યું છે કે આ દીપડાના હુમલાઓ વધતા રહે છે જેને માટે હું વનવિભાગ જોડે મિટિંગ કરી આવનારા દિવસોમાં વહેલી તકે એક રેસ્ક્યુ સેન્ટર નર્મદામાં બનાવવા આવે અને જે દીપડા પકડાય તેને આ રેસ્કયુ સેન્ટરમાં રાખવામાં આવે સાથે જે હાલ દીપડા કે અન્ય પ્રાણીઓ જંગલ ઓછા થતા રહેણાક વિસ્તારમાં આવી જાય છે. સાગબારામાં બનેલી ઘટના બાદ હજી માનવભક્ષી દીપડો હાથમાં આવ્યો નથી. તેને ઝડપી પાડવા માટે વિવિધ સ્થળોએ પાંજરા પણ ગોઠવવામાં આવ્યાં છે.
આ પણ વાંચો: Gujarat Rain : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આ વિસ્તારો માટે ભારે વરસાદની આગાહી


