NASAના પાર્કરે રચ્યો ઇતિહાસ, બન્યુ સૂર્યની સૌથી નજીક પહોંચનાર પ્રથમ સ્પેસક્રાફ્ટ
- NASAના પાર્કરે રચ્યો ઇતિહાસ
- સૂર્યની સૌથી નજીક પહોંચનાર પ્રથમ સ્પેસક્રાફ્ટ બન્યુ
- સૂર્યથી અવકાશયાનનું અંતર માત્ર 61 લાખ કિમી હતું
- પૃથ્વીથી સૂર્યનું અંતર અંદાજે 15 કરોડ કિલોમીટર
- યાન 1371 ડિગ્રી તાપમાનનો સામનો કરી શકે છે
- યાન આગામી ત્રણ દિવસ સુધી સૂર્યના વાતાવરણમાં રહેશે
- આ યાન 21 વખત સૂર્યની આસપાસ પરિક્રમા કરી ચૂક્યું છે
- સ્પેસક્રાફ્ટમાં હજુ એક વર્ષ ચાલે તેટલું ઇંધણ
નાસાનું પાર્કર સોલર પ્રોબ સૂર્યની સૌથી નજીકથી પસાર થયું છે. તે સમયે તારા (star)થી તેનું અંતર માત્ર 61 લાખ કિલોમીટર હતું, આ પહેલા જે અવકાશયાન સૂર્યની સૌથી નજીકથી પસાર થયું હતું તે હેલિયોસ-2 હતું, જે 4.3 કિલોમીટરના અંતરે સૂર્યની સૌથી નજીકથી પસાર થયું હતું.
NASAના પાર્કરે રચ્યો ઇતિહાસ
નાસાના સોલાર પ્રોબ પાર્કરે નવો ઈતિહાસ રચ્યો છે. બરાબર સાંજે 5:10 વાગ્યે, અમેરિકન સ્પેસ એજન્સીનું આ અવકાશયાન સૂર્યની સૌથી નજીકથી પસાર થયું હતુ. મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલ આ પહેલું અવકાશયાન છે જે સૂર્યની આટલી નજીક પહોંચ્યું છે. નાસાના જણાવ્યા અનુસાર, તે સમયે સૂર્યથી અવકાશયાનનું અંતર માત્ર 61 લાખ કિમી હતું. આ પહેલા સૂર્યની સૌથી નજીકથી પસાર થયેલુ અવકાશયાન લગભગ 43 મિલિયન કિલોમીટરના અંતરેથી પસાર થયું હતું. પાર્કર તેના કરતા લગભગ 7 ગણુ નજીક પહોંચ્યુ હતુ.
પૃથ્વીથી સૂર્યનું અંતર અંદાજે 15 કરોડ કિલોમીટર
પૃથ્વીથી સૂર્યનું અંતર અંદાજે 15 કરોડ કિલોમીટર છે, અત્યાર સુધી દુનિયામાં જેટલા પણ સુર્ય મિશન લોન્ચ થયા છે, તે સૂર્યથી કરોડો કિલોમીટર દૂરથી તેના રહસ્યો શોધી રહ્યા છે. અત્યાર સુધીના સૂર્ય મિશનના ઇતિહાસમાં, તારાની સૌથી નજીક પહોંચેલુ અવકાશયાન નાસાનું હેલિયોસ-2 હતું, જે 1976માં સૂર્યથી લગભગ 43 મિલિયન કિલોમીટરના અંતરેથી પસાર થયું હતું.
6.9 લાખ કિમી ઝડપે પસાર થયુ યાન
આજે (મંગળવારે) જ્યારે નાસાનું આ અવકાશયાન સૂર્યની સૌથી નજીક પહોંચ્યું ત્યારે તેની સ્પીડ 6 લાખ 92 હજાર 17 કિલોમીટર પ્રતિ કલાક હતી, જે 190 કિલોમીટર પ્રતિ સેકન્ડની સ્પીડ કરતાં પણ વધુ છે. નાસાનો દાવો છે કે, અત્યાર સુધી બનાવવામાં આવેલ કોઈપણ માનવીય ઑબ્જેક્ટની સરખામણીમાં તેની સ્પીડ સૌથી વધુ છે. જે એક નવો રેકોર્ડ પણ છે. નાસાના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી કોઈ અવકાશયાન કોઈ પણ તારાની નજીકથી અને આટલી સ્પીડે પસાર થયું નથી.
યાન 1371 ડિગ્રી તાપમાનનો સામનો કરી શકે છે
નાસા અનુસાર, આ અવકાશયાન 1371 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનનો સામનો કરી શકે છે, જ્યારે તે સૂર્યની નજીકથી પસાર થયું ત્યારે તેનું તાપમાન લગભગ 982 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 1800 ફેરનહીટની આસપાસ હતું. આ યાન આગામી ત્રણ દિવસ સુધી સૂર્યના વાતાવરણમાં રહેશે. સૂર્યના આ વિસ્તારને પેરિહેલિયન કહેવામાં આવે છે. અત્યાર સુધી આ અવકાશયાન 21 વખત સૂર્યની આસપાસ પરિક્રમા કરી ચૂક્યું છે, પરંતુ પહેલીવાર તે આટલું નજીક પહોંચ્યું છે.
સોલર મેક્સિમમ
સૂર્ય હાલમાં તેની સૌથી વધુ સક્રિય અવસ્થામાં છે, જેને સોલર મેક્સિમમ કહેવાય છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે આ યાન સૂર્ય વિશે ઘણી મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરી શકે છે, જો કે, આ યાન તરત જ આ માહિતી નાસાને મોકલી શકશે નહીં, કારણ કે, હાલમાં તે નાસાના સંપર્કથી બહાર છે. સૂર્યનું વાતાવરણ છોડતાની સાથે જ તે 27 ડિસેમ્બરે ફરી એકવાર નાસા સાથે સંપર્ક સ્થાપિત કરશે અને ત્યારબાદ માહિતી મોકલશે.
સ્પેસક્રાફ્ટમાં હજુ એક વર્ષ ચાલે તેટલું ઇંધણ
નાસાનું સોલાર પ્રોબ પાર્કર આવતા વર્ષે ફરી સૂર્યની નજીક જશે. નાસા અનુસાર, આવતા વર્ષે આ અવકાશયાન લગભગ બે વાર સૂર્યની નજીક પહોંચશે. જોકે, નાસા દ્વારા સૂર્યથી તેના અંતર વિશે માહિતી આપવામાં આવી નથી. એક રિપોર્ટ અનુસાર, સ્પેસક્રાફ્ટમાં હજુ એક વર્ષ ચાલે તેટલું ઇંધણ છે.
મિશન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું
નાસાનું આ સોલર પ્રોબ મિશન 6 વર્ષ પહેલા 2018માં લોન્ચ કરવામાં આવ્યું હતું, જે અત્યાર સુધીનું સૌથી ઝડપી મિશન છે. તે લોન્ચ થયાના 85 દિવસ પછી 5 નવેમ્બરે સૂર્યની ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું. આ 7 વર્ષના લાંબા મિશનમાં યાનને સૂર્યની આસપાસ કુલ 24 પરિક્રમા કરવાની હતી. અત્યાર સુધી તે 21 વખત સૂર્યની આસપાસ પરિભ્રમણ કરી ચૂક્યું છે. આજે તેણે 22મું પરિભ્રમણ પૂર્ણ કર્યુ છે. આવતા વર્ષે તે ફરીથી સૂર્યની આસપાસ બે પરિક્રમા કરશે.
આ પણ વાંચો: 1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોનમાં વોટ્સએપ નહીં ચાલે,વાંચો અહેવાલ