Ahmedabad Airindia Crash: પ્લેન ક્રેશમાં નવો ઘટસ્ફોટ, વોલ સ્ટ્રીટ જર્નલનો ચોંકાવનારો દાવો
- કેપ્ટન સુમિત સભરવાલે ફ્યુઅલ સ્વીચ બંધ કરીઃ WSJ
- 'કો-પાઈલટે ગભરાતા અવાજે પૂછ્યું- કેમ સ્વીચ બંધ કરી?'
- બે પાઈલટ વચ્ચેની છેલ્લી વાતચીત અંગે દાવાથી હડકંપ
Ahmedabad Airindia Plane Crash: અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન ક્રેશ અંગે અમેરિકી અખબારે નવો દાવો કર્યો છે. બે પાઈલટ વચ્ચે થયેલી છેલ્લી વાતચીત અંગે વોલ સ્ટ્રીટ જર્નલે અમેરિકી અધિકારીઓન ટાંકીને કહ્યું કે વિમાનના કેપ્ટન સુમિત સભરવાલે એન્જિનને ઈંધણનો પુરવઠો બંધ કરી દીધો હતો. કોકપીટ રેકોર્ડિંગના આધારે દાવો કરાયો છે કે બોઇંગ વિમાન ઉડાડી રહેલા કો-પાઇલટ ક્લાઇવ કુંદરે કેપ્ટન સુમિત સભરવાલને પૂછ્યું, 'તમે ફ્યુઅલ સ્વીચને 'કટઓફ' કેમ કરી?'...પ્રશ્ન પૂછતી વખતે કો-પાઇલટ આશ્ચર્યચકિત થયો. તે ગભરાઈ ગયો હતો, જ્યારે કેપ્ટન સુમિત શાંત દેખાતા હતા. જોકે આ રિપોર્ટ પર ભારતના એરક્રાફ્ટ એક્સીડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો, નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, બોઈંગ અથવા એર ઇન્ડિયાની પ્રતિક્રિયા સામે આવી નથી.
પારદર્શક તપાસ વિના પાઇલટ્સને દોષી ઠેરવવા ઉતાવળ
બીજી તરફ એર ઈન્ડિયાએ જણાવ્યું છે કે તેના બોઇંગ-787 સિરીઝના વિમાનોના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચના લોકીંગ ફીચરની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. તેના પાઇલટ્સને મોકલવામાં આવેલા સંદેશમાં, એરલાઇન કંપનીએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન ફ્યુઅલ સ્વીચમાં કોઈ ખામી જોવા મળી નથી. તો એર ઈન્ડિયા ક્રેશ અંગેના રિપોર્ટ પર પાઇલટના સંગઠન ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સે વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું કે સંપૂર્ણ અને પારદર્શક તપાસ વિના પાઇલટ્સને દોષી ઠેરવવા ઉતાવળ અને બેજવાબદારીભર્યું છે. 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ AI 171 ટેકઓફ થયાના 32 સેકન્ડ પછી મેડિકલ હોસ્ટેલની ઇમારત સાથે અથડાઈ હતી. આમાં 260 લોકોનાં મોત થયા હતાં.
ફ્યુઅલ સ્વીચ અચાનક 'RUN' થી 'CUTOFF' સ્થિતિમાં જતી રહી હતી
અગાઉ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ 12 જુલાઈના રોજ વિમાન દુર્ઘટના અંગેનો પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર કર્યો હતો. તેમાં જણાવાયું હતું કે ફ્યુઅલ સ્વીચ અચાનક 'RUN' થી 'CUTOFF' સ્થિતિમાં જતી રહી હતી, જેના કારણે બંને એન્જિન બંધ થઈ ગયા. જોકે, રિપોર્ટમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે ફ્યુઅલ સ્વીચ કેવી રીતે બંધ થઈ ગઈ. AAIBના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે કોકપિટ વોઇસ રેકોર્ડર પર એક પાઇલટ બીજા પાઇલટને પૂછી રહ્યો છે કે તેણે ફ્યુઅલ સ્વીચ બંધ કેમ કરી? જેના જવાબમાં પાઈલટ કહે છે- મેં બંધ નથી કરી.
આ પણ વાંચો: Odisha Bandh: વિદ્યાર્થિનીના આત્મવિલોપન મુદ્દે ઓડિશા બંધ, પરિવારે સામૂહિક આપઘાત કરવાની આપી ચીમકી


