Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: શાહપુરમાં ધોળા દિવસે ક્રાઈમની ઘટના, બે શખ્સોએ દુકાનદાર પર હુમલો કરી લૂંટ ચલાવી

અમદાવાદના શાહપુર વિસ્તારમાં ધોળા દિવસે લૂંટનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં આરોપીઓએ દુકાનદારને માલ બતાવવાનું કહી દુકાનનું શટર બંધ કરાવ્યું અને માથા પર ઘા મારીને દુકાનદારને લોહીલુહાણ કરી લૂંટ ચલાવી હતી. બનાવને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ahmedabad  શાહપુરમાં ધોળા દિવસે ક્રાઈમની ઘટના  બે શખ્સોએ દુકાનદાર પર હુમલો કરી લૂંટ ચલાવી
Advertisement
  • અમદાવાદના શાહપુર વિસ્તારમાં ધોળા દિવસે લૂંટનો બનાવ
  • આરોપીઓએ દુકાનદારને માલ બતાવવાનું કહી લૂંટ ચલાવી
  • માથા પર ઘા મારીને દુકાનદારને લોહીલુહાણ કરી લૂંટ કરી

અમદાવાદના શાહપુર વિસ્તારમાં ધોળા દિવસે લૂંટનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં આરોપીઓએ દુકાનદારને માલ બતાવવાનું કહી દુકાનનું શટર બંધ કરાવ્યું અને માથા પર ઘા મારીને દુકાનદારને લોહીલુહાણ કરી લૂંટ ચલાવી હતી. બનાવને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ શહેરમાં એક પછી એક બનાવો જોતા એમ લાગી રહ્યું છે કે એક તરફ પોલીસ ગુનાખોરીનો દર ઘટાડવા માટે સતત મહેનત કરે છે. તો બીજી તરફ ગુનેગારો પણ જાણે કે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ બનાવોને અંજામ આપી રહ્યા છે. ધોળા દિવસે ટ્રાફિકથી ભરચક વિસ્તાર એવા શાહપુરમાં બે શખ્સોએ દુકાનમાં ઘૂસીને લૂંટની ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા. લૂંટારુ વેપારીના સ્વાંગમાં દુકાનમાં પ્રવેશ્યા હતા અને દુકાનદાર સાથે ધંધાની વાત કરી હતી. ઈમિટેશન જ્વેલર્સનો માલ બતાવવાનું કહીને લૂંટારુઓએ દુકાનદાર પાસે શટર બંધ કરાવ્યું હતું. દુકાનદારે શટર બંધ કરતાની સાથે જ લૂંટારુઓએ તેમના પર હુમલો કરી દીધો હતો. લૂંટારુઓએ દુકાનમાં પડેલી સોલ્ડર કરવાની ગનથી હુમલો કરી દીધો હતો અને બાદમાં દુકાનદારના મોઢા પર સ્પ્રે છાંટીને પાંચ હજાર રોકડ અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી. લૂંટ કર્યા બાદ લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા.

Advertisement

શાહપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ લૂંટની ફરિયાદ

શાહપુર વિસ્તારમાં આવેલા ગાંધીની પોળ નજીક આનંદમય ફ્લેટમાં રહેતા 54 વર્ષિય પરેશ પાટડિયાએ શાહપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ લૂંટની ફરિયાદ કરી છે. પરેશ પાટડિયા 23 વર્ષથી શાહપુર વિસ્તારમાં રહે છે અને તેમના ફ્લેટની નીચે એક વર્ષથી વ્રજપ્રિયા ઈમિટેશન નામથી દુકાન ધરાવીને ગુજરાન ચલાવે છે. પરેશ પાટડિયા સવારે સાડા દસ વાગ્યાની આસપાસ પોતાની દુકાન ખોલે છે અને રાત્રે આઠ વાગ્યા સુધી ચાલુ રાખે છે.

Advertisement

વેપારીને કામ આપવાની લાલચ આપી લૂંટ ચલાવી

ગઈકાલે પરેશ પાટડિયાએ રાબેતા મુજબ દુકાન ખોલીને ધંધો કરતા હતા ત્યારે બપોરે અઢી વાગ્યાની આસપાસ બે શખ્સો ધંધાના કામથી આવ્યા હતા. બંને શખ્સોએ આવતાની સાથે જ પરેશ પાટડિયાને કહ્યું હતું કે “અમારે તમને કામ આપવાનું છે. અમે કહીએ તે પ્રમાણે તમારે કામ બનાવી આપવાનું રહેશે.” પરેશ પાટડિયા બંનેની વાત સાથે સહમત થઈ ગયા હતા અને તેમને માલ બનાવી આપવાની પણ હા પાડી દીધી હતી. બે શખ્સો પૈકી એક શખ્સે પરેશ પાટડિયાને કહ્યું હતું કે “અમારે માલ બતાવવો છો તો કોઈ જુએ નહીં તે માટે દુકાનનો દરવાજો બંધ કરો.”

દુકાનનું શટર અડધું બંધ કરી વેપારીને માર માર્યો

બંને શખ્સોની વાત પર વિશ્વાસ કરીને પરેશ પાટડિયાએ દુકાનનું શટર અડધું બંધ કરી દીધું હતું. શટર બંધ કરતાની સાથે જ એક શખ્સે પરેશ પાટડિયા પર હુમલો કરી દીધો હતો. એક શખ્સે દુકાનમાં પડેલી સોલ્ડર કરવાની ગન લીધી હતી અને પરેશ પાટડિયાના માથામાં મારવા લાગ્યા હતા. ઉપરાછાપરી સોલ્ડર કરવાની ગનથી પરેશ પાટડિયાના માથામાં વાગતા તે લોહીલુહાણ થઈ ગયા હતા. દરમિયાનમાં એક શખ્સે તેની પાસે રહેલું સ્પ્રે કાઢ્યું હતું અને પરેશ પાટડિયાના મોઢા પર છાંટ્યું હતું. પરેશ પાટડિયાને ઝાંખું દેખાતા શખ્સોએ તેમને ગનથી મારવાનું ચાલુ રાખ્યું હતું.

વેપારીને ધમકી આપી પાંચ હજાર રૂપિયાની લૂંટ ચલાવી

શખ્સોએ પરેશ પાટડિયાને ધમકી આપી હતી કે “તમારી પાસે જે કંઈ હોય તે આપી દો નહીં તો જાનથી મારી નાખીશ,” પરેશ પાટડિયાએ તેમની પાસે રહેલા 5 હજાર રૂપિયા બેગમાંથી કાઢીને આપ્યા હતા. બંને શખ્સોએ પાંચ હજાર રૂપિયા લીધા હતા અને પરેશ પાટડિયાનો ફોન લૂંટી લીધો હતો. લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ બંને શખ્સો શટર ઊંચુ કરીને નાસી ગયા હતા જ્યારે પરેશ પાટડિયા લોહીથી લથબથ હાલતમાં દુકાનની બહાર આવ્યા હતા. પરેશ પાટડિયાને લોહીલુહાણ જોઈને આપસાપના લોકો દોડી આવ્યા હતા અને તરત જ તેમના પરિવારને જાણ કરી દીધી હતી. પરેશ પાટડિયાના પત્ની અને તેમનો દીકરો હર્ષિત દોડી આવતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ શાહપુર પોલીસને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. શાહપુર પોલીસે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ લૂંટની ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જ્યારે આરોપીઓને ઝડપી પાડવા માટે સીસીટીવી ફૂટેજ કબજે લેવા માટે કામગીરી શરૂ કરાઈ છે.

આ પણ વાંચો: ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડનો મોટો નિર્ણય, સમસ્યાના સમાધાન માટે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો

Tags :
Advertisement

.

×