Amit Chavda ના તીખા પ્રહાર : નવા કેબિનેટ પર ભ્રષ્ટાચારના આરોપ, 'ચહેરા બદલવાથી પાપ નહીં ધોવાય'
- Amit Chavda : અમિત ચાવડાના તીખા પ્રહાર, નવા કેબિનેટ પર ભ્રષ્ટાચારના આરોપ, 'ચહેરા બદલવાથી પાપ નહીં ધોવાય'
- ગુજરાત કોંગ્રેસની પ્રતિક્રિયા : અઢી વર્ષમાં 50% મંત્રીઓ બદલાયા, સરકારને 'પોલિસી પેરાલિસિસ'નો શિકાર ગણાવી
- અમિત ચાવડાનો આક્ષેપ : દિલ્હીના રિમોટથી ચાલે છે ગુજરાત સરકાર, બિહાર ચૂંટણી પછી કેપ્ટન પણ બદલાશે
- ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાની નવા મંત્રીમંડળને શુભેચ્છા સાથે ભ્રષ્ટાચાર-નિષ્ફળતાના આક્ષેપો
ગાંધીનગર : ગુજરાતમાં ભાજપ સરકારના નવા મંત્રીમંડળના રિશફલને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ (Amit Chavda) તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે નવા મંત્રીમંડળને શુભકામનાઓ પાઠવી છે, પરંતુ સાથે જ સરકારના અઢી વર્ષના શાસનકાળમાં થયેલા મોટા ફેરફારો પર સવાલો ઉઠાવ્યા છે. અમિત ચાવડાએ કહ્યું કે, પાંચ વર્ષના મંત્રીમંડળના શાસન સામે અઢી વર્ષમાં જ કેબિનેટમાં આટલા મોટા ફેરફારો કરવા પડ્યા છે, જે સરકારની નિષ્ફળતા અને 'પોલિસી પેરાલિસિસ'નું પ્રતીક છે.
અમિત ચાવડાએ સરકાર પર ચારેય તરફ ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે, લોકોએ સરકારની નીતિ અને નિયતને ઓળખી લીધી છે. ચહેરા બદલવાથી લોકોને અન્યાય થઈ રહ્યો છે અને નવા ચહેરા આવવાથી જનતાને કોઈ લાભ મળવાનો નથી. તેમણે ઉમેર્યું કે, અઢી વર્ષના શાસનકાળમાં 9 કેબિનેટ અને 8 રાજ્ય કક્ષાના મંત્રીઓ હતા, જેમાંથી 50 ટકા મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા છે. આમાંથી કેટલાકને ભ્રષ્ટાચારી ગણાવીને તેમણે સવાલ કર્યો કે, આવા મંત્રીઓને અઢી વર્ષ સુધી સરકારે કેમ ચલાવ્યા અને તેમની સામે કોઈ પગલાં કેમ ન લેવાયા?
કોંગ્રેસ અધ્યક્ષે ગત અઢી વર્ષને 'ઉત્સવ, તાયફા અને ગેંગ વોર'માં વેડફાયા તરીકે વર્ણવ્યા છે. તેમણે કહ્યું કે, ચહેરા બદલવાથી પાપ ધોવાશે નહીં. વધુમાં તેમણે વિકાસ સપ્તાહમાં ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસાનો બેફામ ઉપયોગ કરવાના આરોપ લગાવ્યા અને કહ્યું કે, ઉત્સવ અને તાયફાને કારણે સરકારનો વહીવટ ખાડે ગયો છે. અમિત ચાવડાએ ઉમેર્યું કે, 50 ટકા મંત્રીમંડળને બદલવું પડે તેનો અર્થ એ છે કે આ ટીમ ફેલ હતી અને ટીમની નિષ્ફળતાની જવાબદારી કેપ્ટનની છે. તેમણે આગાહી કરી કે, બિહારની ચૂંટણી પછી ગુજરાતના કેપ્ટન (મુખ્યમંત્રી) પણ બદલાશે.
અમિત ચાવડાએ વધુમાં કહ્યું કે, સમાજમાં મોટા નામવાળા લોકોને મંત્રીપદથી સાઈડલાઈન કરવામાં આવ્યા છે અને અનેક નેતાઓની અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે, ગુજરાત સરકાર દિલ્હીના રિમોટથી ચાલે છે, જેના કારણે કેટલાક ખાસ નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. આ પ્રતિક્રિયા ગુજરાતના રાજકારણમાં નવા વિવાદને જન્મ આપી શકે છે, જ્યારે ભાજપ સરકાર નવા મંત્રીમંડળ સાથે વિકાસના નવા પડકારોનો સામનો કરવા તૈયાર છે.


