અતિકનો અંત, Sabarmati Jail ના ભ્રષ્ટાચારી અધિકારી-સિપાઈઓને હાશ
(અહેવાલ : બંકિમ પટેલ, અમદાવાદ)
લગભગ ચાર દાયકાથી ઉત્તર પ્રદેશમાં જેના નામની ધાક હતી તે અતિક અહેમદ (Atiq Ahmed) પાંચ દિવસ અગાઉ અતિત બની ગયો છે. પોલિટિશિયન કમ માફિયા (Politician cum Mafia) અતિક અને તેના ભાઈ અશરફની હત્યા થઈ જતાં UP STF ની તપાસને એક મોટી બ્રેક વાગી ગઈ છે. 17 વર્ષ જૂના અપહરણ કેસમાં સમાધાન કરી લેવા ઉમેશ પાલને ધમકી આપી તેમની હત્યા કરાવવા અતિક અને અશરફે જેલમાં બેઠાં બેઠાં મોબાઈલ ફોન પર કાવતરૂ ઘડી અંજામ આપ્યો હતો. સાબરમતી જેલમાં કેદ અતિક અહેમદ અને યુપીની બરેલી જેલમાંથી ખાલિદ અઝીમ ઉર્ફે અશરફ (Khalid Azim alias Ashraf) ને કોણે અને કેવી રીતે મોબાઈલ ફોન પહોંચાડ્યા હતા તેની તપાસ ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (Special Task Force) કરી રહી હતી. અતિક અહેમદની હત્યા થઈ જતાં UP STF ની તપાસને બ્રેક વાગી ગઈ છે.
જેલમાં એક નહીં ત્રણ-ત્રણ ફોન વાપરતો
ઉત્તર પ્રદેશની જેલમાં બેસીને બિઝનેસમેનનું અપહરણ કરાવી તેની મિલકતો લખાવી લેનારા માફિયા અતિક અહેમદ (Mafia Atiq Ahmed) નો મામલો સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં જતાં તેને વર્ષ 2019માં ગુજરાતની સાબરમતી જેલ (Sabarmati Jail) માં ખસેડાયો હતો. ચાર વર્ષથી અમદાવાદની મધ્યસ્થ જેલમાં કેદ હતો. અંડા સેલમાં રખાયેલા અતિક અહેમદ માંગે તે સુવિધા જેલના ભ્રષ્ટાચારી સિપાઈ-અધિકારીઓ પૂરી પાડતા હતા. અતિક મોબાઈલ ફોન (Mobile Phone) નો છૂટથી ઉપયોગ કરતો હતો અને ફોન દ્ધારા ઉત્તર પ્રદેશમાં ગુનાઓનું સામ્રાજ્ય કાયમ રાખ્યું હતું. ખંડણી, હુમલા સહિતના ગુનાઓ આચરવા માટે અતિક સાબરમતી જેલમાં બેઠાં બેઠાં મોબાઈલ ફોનથી ગેંગને સૂચનાઓ આપતો હતો. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર અતિક અહેમદ પાસે એક નહીં પરંતુ ત્રણ-ત્રણ મોબાઈલ ફોન રહેતા હતા. સમયાંતરે મોબાઈલ ફોન તેમજ સીમ કાર્ડ પણ બદલી દેવામાં આવતા હતા. અમદાવાદ સેન્ટ્રલ જેલ (Ahmedabad Central Jail) ના ઉચ્ચ અધિકારીથી લઈને સિપાઈ સુધીના ભ્રષ્ટાચારી ખાખી ધારી અતિકની સેવામાં સતત તૈનાત રહેતા હતા. મહિને 25-30 લાખનો હપ્તો અતિક અહેમદ જેલ સ્ટાફને આપતો હતો.
ઉમેશ પાલની હત્યામાં વપરાયેલા ફોન ક્યાં?
વર્ષ 2017થી UP ની જેલમાં અને વર્ષ 2019થી અમદાવાદની સેન્ટ્રલ જેલની હવા ખાતો અતિક અહેમદ દબદબો ભોગવતો હતો. જેલ કોઈપણ હોય, પરંતુ અતિક અહેમદને મોબાઈલ ફોન સહિતની સુવિધાઓ આસાનીથી મળી જતી. ઉત્તર પ્રદેશના ઉમેશ પાલના અપહરણ કેસમાં સમાધાન કરવા માટે અતિક અહેમદે અનેક વખત મોબાઈલ ફોનથી ધમકીઓ આપી હતી. ઉમેશ પાલ અતિકની ધમકીઓને ગણકારતા ન હતા. જેથી અતિક અહેમદે સાબરમતી જેલમાં બેઠાં-બેઠાં તેના ભાઈ અશરફ, પુત્ર અસદ સહિતના આરોપીઓનો સંપર્ક કર્યો હતો. ઉમેશ પાલની હત્યા (Umesh Pal Murder) કરાવી નાંખતા દોડતી થયેલી યુપી એસટીએફને અનેક પૂરાવાઓ અને મોબાઈલ ફોન નંબર હાથ લાગ્યા હતા. ચકચારી હત્યા કેસની તપાસ અમદાવાદની સેન્ટ્રલ જેલ સુધી પહોંચી હતી. ઉમેશ પાલના ખૂન બાદ અતિક અહેમદે વાપરેલા આઈ ફોન સહિતના ત્રણ જેટલા મોબાઈલ ફોન સાબરમતી જેલમાંથી ગાયબ થઈ ગયા. આ મોબાઈલ ફોન ક્યાં છે અને કોણ લઈ ગયું છે ? તેની જાણકારી માત્ર જેલના બેએક અધિકારી અને કર્મચારી ધરાવતા હોવાની ચર્ચા છે.
અતિકની હત્યાથી ભ્રષ્ટાચારીઓને હાશ થઈ
સાબરમતી જેલમાંથી બીજી વખત અતિક અહેમદને ઉત્તર પ્રદેશ ખાતે ઉમેશ પાલ મર્ડર કેસની તપાસ માટે લઈ જવાયો ત્યારે ભ્રષ્ટાચારી અધિકારી-સિપાઈઓની ઉંઘ હરામ થઈ ગઈ હતી. અમદાવાદ સેન્ટ્રલ જેલમાં તમામ સુખ-સુવિધાઓ ભોગવનારા અતિક અહેમદની હત્યાના સમાચાર સાંભળતાની સાથે જ ભ્રષ્ટાચારીઓને હાશ થઈ હતી. જો કે, અતિક અહેમદે યુપી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ સમક્ષ અમદાવાદ સેન્ટ્રલ જેલમાં કેવી રીતે અને કોની કૃપાથી સુવિધાઓ મળતી હતી તેના વટાણાં વેરી નાંખ્યા છે. જોવાનું રહેશે કે, અતિકને સવલતો આપનારા ભ્રષ્ટાચારીઓની માહિતીના આધારે ગુજરાત સરકાર (Gujarat Government) શું કાર્યવાહી કરે છે ?
આ પણ વાંચો : ACB થી CBI પાસે પહોંચેલા લાંચ કેસમાં IT ના બે અધિકારી આરોપી બન્યા, જાણો સમગ્ર મામલો


