ભાજપ સાંસદ પરશોત્તમ રૂપાલાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી અને નવસારી પીઆઈ સોશિયલ મીડિયામાં ટ્રોલ થયાં
- નવસારીમાં ભાજપ કાર્યકરોને મળ્યાંની પોસ્ટ મુદ્દે વિપક્ષનો વાર
- ભાજપ કાર્યકરો સાથે PI દીપક કોરાટ હોવા મુદ્દે સાધ્યું નિશાન
- ભાજપના હોદ્દેદારો સાથેની સાંસદ રૂપાલાએ કરી હતી પોસ્ટ
નવસારીમાં ફરજ બજાવતા પીઆઇએ ભાજપના સાંસદ તેમજ સ્થાનિક ભાજપના હોદ્દેદારો સાથે ફોટા પડાવતા સોશિયલ મીડિયામાં ચર્ચાઓનું બજાર ગરમાયું હતું. એવામાં વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલની કોમેન્ટે આ આગમાં ઘી નાંખવાનું કામ કર્યું છે.
PI દીપક કોરાટને ભાજપમાં જોડાવવા બદલ અભિનંદનઃ અનંત પટેલ
ભાજપના સાંસદ પરશોત્તમ રૂપાલા નવસારીના સકિર્ટ હાઉસની મુલાકાત લીધી હતી. તેમને મળવા માટે નવસારીના સ્થાનિક ભાજપના આગેવાનો અને હોદ્દેદારો પણ આવ્યા હતા અને તેમણે પરશોત્તમ રૂપાલા સાથે ફોટા પડાવ્યા હતા. આ સમયે નવસારી જિલ્લા તરીકે ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર દીપક કોરાટે પણ પરશોત્તમ રૂપાલા તેમજ ભાજપના સ્થાનિક આગેવાનો અને હોદ્દેદારો સાથે ફોટોસેશન કરાવ્યું હતું. જે મુદ્દો સોશિયલ મીડિયામાં ચર્ચાના ચકડોળે ચડ્યો છે. દરમિયાન, વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલની આ ફોટા પરની કમેન્ટે આગમાં ઘી નાંખવાનું કામ કર્યું છે. અનંત પટેલે સોશિયલ મીડિયા ઉપર પરશોત્તમ રૂપાલાની પોસ્ટ શેર કરી હતી અને લખ્યું હતું કે, પોલીસ ઇન્સ્પેક્ટર દીપક કોરાટને ભાજપમાં જોડાવા બદલ અભિનંદન. ધારાસભ્ય અનંત પટેલની આ કમેન્ટ પર શહેરીજનો ભારે ટિપ્પણીઓ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, એક જન આંદોલન વખતે પોલીસ ઇન્સ્પેક્ટર દિપક કોરાટે ધારાસભ્ય અનંત પટેલ સાથે ગેરવર્તન કર્યાનો મુદ્દો પણ જે-તે સમયે ખાસ્સો ચર્ચામાં રહ્યો હતો.


