રૂ. 30 કરોડની ઠગાઇના આરોપસર ફિલ્મ ડિરેક્ટર વિક્રમ ભટ્ટની ધરપકડ
- ઠગાઇ અને છેતરપીંડિના આરોપસર વિક્રમ ભટ્ટની ધરપકડ
- રાજસ્થાન અને મુંબઇ પોલીસની સંયુક્ત કામગીરી
- આરોપી વિક્રમ ભટ્ટને રાજસ્થાન લઇ જવામાં આવી શકે છે
Director Vikram Bhatt Arrested : આલિયા ભટ્ટના કાકા અને પ્રખ્યાત ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાન પોલીસમાં નોંધાયેલી ફરિયાદ બાદ, મહેશ ભટ્ટના ભાઈની વિક્રમ ભટ્ટની ઠગાઇ અને છેતરપિંડીના કેસમાં મુંબઈમાં ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાન પોલીસે મુંબઈ પોલીસ સાથે સંયુક્ત કાર્યવાહીના ભાગ રૂપે આ કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઠગાઇ કેસમાં આરોપી વિક્રમ ભટ્ટને પૂછપરછ માટે રાજસ્થાનના ઉદયપુર લઈ જવામાં આવી શકે છે.
ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડની અરજી થઇ શકે છે
બોલીવુડની અનેક સુપરહિટ ફિલ્મોના દિગ્દર્શક વિક્રમ ભટ્ટને રાજસ્થાન અને મુંબઈ પોલીસે સંયુક્ત કાર્યવાહીમાં મુંબઈના યારી રોડ વિસ્તારમાંથી અટકાયતમાં લીધા છે. વિક્રમ ભટ્ટ પર ફિલ્મ નિર્માણના નામે ઉદયપુરના એક ડૉક્ટર સાથે રૂ. 30 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજસ્થાન પોલીસ બાંદ્રા કોર્ટમાં ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે અરજી કરી શકે છે. આ કવાયત તેમને વધુ પૂછપરછ માટે ઉદયપુર લાવવા માટે કરવામાં આવી શકે છે.
20 દિવસ પહેલા નોંધાઇ ફરિયાદ
ઉદયપુરમાં ઇન્દિરા ગ્રુપ ઓફ કંપનીઝના સ્થાપક ડૉ. અજય મુર્ડિયાએ વિક્રમ ભટ્ટ, તેમની પત્ની શ્વેતામ્બરી ભટ્ટ અને છ અન્ય આરોપીઓ સામે આશરે રૂ. 30 કરોડની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. લગભગ 20 દિવસ પહેલા ભૂપાલપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ મુજબ, આરોપીએ ડૉ. અજય મુર્ડિયાને રૂ. 200 કરોડના નફાનું વચન આપીને ફિલ્મોમાં રોકાણ કરવા માટે છેતર્યા હતા.
નકલી બિલો રજૂ કરીને પૈસાનો દૂરઉપયોગ કરાયો
ડૉ. અજય મુર્ડિયાએ પોલીસને જણાવ્યું હતું કે, તેઓ તેમની સ્વર્ગસ્થ પત્નીની યાદમાં એક ફિલ્મ બનાવવા માંગતા હતા. તેમણે આ પ્રોજેક્ટ માટે વિક્રમ ભટ્ટની કંપની સાથે સોદો કર્યો હતો. મુર્ડિયાના જણાવ્યા મુજબ, ભટ્ટ સાથે ચાર ફિલ્મો માટે કરાર કરવામાં આવ્યો હતો, પરંતુ ફક્ત બે જ ફિલ્મો ફ્લોર પર ગઈ હતી. આ ફિલ્મોના અધિકારો પણ આપવામાં આવ્યા ન્હતા. મુર્ડિયાનો આરોપ છે કે, નકલી બિલ દ્વારા ફિલ્મ નિર્માણનું મૂલ્યાંકન કરીને પૈસાનો દુરુપયોગ પણ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો ------ વારાણસીમાં ગંદકી કરવાનો આરોપ વાયરલ થતા એક્ટ્રેસ કંગના રનૌતની 'સ્પષ્ટતા'


