VADODARA : વિશ્વામિત્રી પ્રોજેક્ટની ફેક્ટ ફાઇલ, 58 ટકા કામ પત્યું, LHS તરફ કામગીરી કરાશે
- વડોદરામાં ભયાનક પૂર બાદ અપાઇ હતી
- 100 દિવસના મિશન સાથે વિશ્વામિત્રી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો
- આજે શહેરને વિકાસકાર્યોની ભેંટ આપવા આવેલા મુખ્યમંત્રીએ પ્રોજેક્ટની કામગીરી નિહાળી
VADODARA : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (BHUPENDRA PATEL - CM OF GUJARAT) વડોદરા શહેર (VADODARA CITY) ને વિશ્વામિત્રી નદીના પૂરથી બચાવવા માટે ચાલી રહેલા રિવાઇવલ પ્રોજેક્ટ (VISHWAMITRI REVIVAL PROJECT - VADODARA) ની કામગીરીનું નિરીક્ષણ કરવા મંગલ પાંડે બ્રિજ ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે વિશ્વામિત્રી નદીની વહન ક્ષમતા વધારવા માટે કરાયેલા કામો નિહાળ્યા હતા.
મહા અભિયાન મહાપાલિકા સિંચાઇ વિભાગ દ્વારા આરંભવામાં આવ્યું
વર્ષ ૨૦૨૪માં વડોદરા શહેરમાં આવેલી પૂરની ત્રાસદી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલાકાત લઇ તુરંત જ વિશ્વામિત્રી રિવાઇવઇ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી અને આ માટે વિશેષ કમિટિની રચના કરી હતી. મુખ્યમંત્રીશ્રીની દ્રઢ ઇચ્છાશક્તિના ફળસ્વરૂપ વડોદરા શહેરના નાગરિકોને ભવિષ્યમાં પૂરની આપત્તિથી બચાવવા માટેનું મહા અભિયાન મહાપાલિકા સિંચાઇ વિભાગ દ્વારા આરંભવામાં આવ્યું છે.
આયોજનની તલસ્પર્શી વિગતો મેળવી
મુખ્યમંત્રીશ્રીએ વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટમાં થઇ રહેલી કામગીરીની સમીક્ષા કરવા માટે સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી હતી અને તેમાં વડોદરા શહેરને પૂરથી બચાવવા તથા કેઇચ ધી રેઇન અંતર્ગત વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે સિંચાઇ વિભાગ, મહાપાલિકા દ્વારા કરાયેલા આયોજનની તલસ્પર્શી વિગતો મેળવી હતી.
૨૪૦થી વધુ મશીનોનો ઉપયોગ
આ બેઠકમાં એવી વિગતો રજૂ થઇ કે, શહેરમાંથી વહેતી વિશ્વામિત્રી નદીનાં કુલ ૨૪.૭ કિમી લંબાઈમાં અંદાજે ૧૫.૪૦ લાખ ઘન મીટર માટી હટાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. કામને ઝડપી અને અસરકારક રીતે આગળ વધારવા માટે ૨૪૦થી વધુ મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના દ્વારા દરરોજ ૨૨૦૦૦ થી ૨૫૦૦૦ ઘન મીટર કામ કરવામાં આવી રહ્યું છે.
કુલ ૧૬ પેકેજ બનાવવામાં આવ્યા
કુલ ૯૦૦૩૭૦ ઘન મીટર એટલે કે ૫૮ ટકા જેટલું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. સમગ્ર કામને તેના આરંભથી ૧૦૦ દિવસની અંદર, એટલે કે ૧ જૂન ૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત સમગ્ર નદી પ્રવાહને ચાર મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે. દરેક વિભાગને ફરીથી Left Hand Side (LHS) અને Right Hand Side (RHS) તરીકે વિભાજિત કરીને કુલ ૧૬ પેકેજ બનાવવામાં આવ્યા છે. હાલમાં પર્યાવરણ અને વન્યજીવોના સંરક્ષણને ધ્યાનમાં રાખીને RHS તરફથી કામગીરી શરૂ કરવામાં આવી છે. આ RHS વિસ્તારમાં પેકેજો પૂર્ણ થઈ ચૂક્યા છે અને હવે LHS તરફ કામગીરીની શરૂઆત કરવામાં આવી છે.
૧૮૧૭૦૩ ઘન મીટર માટી હટાવવાનું કામ સંપૂર્ણ થયું
RHS વિભાગમાં પેકેજ – ૧ હેઠળ મારેઠા સ્મશાનથી કોટનાથ મહાદેવ મંદિર સુધીની ૬૧૨૩ મીટરની લંબાઈમાં ૧૮૧૭૦૩ ઘન મીટર માટી હટાવવાનું કામ સંપૂર્ણ થયું છે. બીજા પેકેજમાં હેઠળ કોટનાથ મહાદેવથી વિદ્યાકુંજ સ્કૂલ સુધીની ૫૯૩૭ મીટરની લંબાઈમાં ૨૦૨૦૦૩ ઘન મીટરમાંથી ૧૭૧૩૬૬ ઘન મીટર કામ પૂર્ણ થયું છે, જે કામગીરીનું પ્રમાણ ૮૪ ટકા થવા જાય છે. ત્રીજા પેકેજ હેઠળ વિદ્યાકુંજ સ્કૂલથી કાશીબા હોસ્પિટલ સુધીની ૬૫૧૬ મીટરની લંબાઈમાં ૧૯૩૫૩૨ ઘન મીટર કામ સંપૂર્ણપણે પૂર્ણ થયું છે. તદ્દઉપરાંત ચોથા પેકજમાં કાશીબા હોસ્પિટલથી દેણા ચોકડી બ્રીજ સુધીની ૬૧૯૭ મીટરની લંબાઈમાં ૧૯૨૨૪૦ ઘન મીટરનું કાર્ય પણ પૂર્ણ થઈ ચૂક્યું છે.
મહાનુભવો હાજર રહ્યા
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડોદરા શહેરને પૂરના પાણીથી બચાવવા માટે રાજ્ય સરકાર તમામ પ્રકારની મદદ કરવામાં આવી રહી છે. આ બેઠકમાં દંડક શ્રી બાળકૃષ્ણભાઇ શુક્લ, મેયર શ્રીમતી પિંકીબેન સોની, ધારાસભ્ય શ્રીમતી મનિષાબેન વકીલ, શ્રી કેયુરભાઇ રોકડિયા, શ્રી ચેતન્યભાઇ દેસાઇ, શ્રી ચૈતન્યસિંહ ઝાલા, શ્રી શૈલેષભાઇ મહેતા, શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા, ઉપમેયર શ્રી ચિરાગભાઇ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી, અગ્રણી શ્રી જયપ્રકાશ સોની, પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમર, મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ, કલેક્ટર ડો. અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો --- VADODARA : કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી, કહ્યું, 'લોકો વડોદરાને શોધતા આવશે'


