પૉક્સોના કેસમાં 30 હજારની લાંચ લેનારો કૉન્સ્ટેબલ ACB Trap માં ફસાયો, ડીએ કેસમાં હેડ કૉન્સ્ટેબલ ફરાર
વર્ષ 2025માં અનેક પોલીસ કર્મચારી/અધિકારીઓ લાંચના છટકા (ACB Trap) માં સપડાઈ ચૂક્યા છે. સૌથી વધુ લાંચ પોલીસ દારૂના કેસોમાં મેળવે છે અને તે જગજાહેર છે. એટ્રોસિટીના કેસમાં લાંચ માગી હોય તેમજ સ્વીકારી હોય તેવા બે કેસ ચાલુ વર્ષે Gujarat ACB નોંધી ચૂકી છે. જેમાં એક કથિત આરોપી તરીકે મહિલા DySP પણ છે. 30 હજાર રૂપિયાની લાંચ લેતા ACB Trap માં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનનો કૉન્સ્ટેબલ આબાદ રીતે ઝડપાયો છે. જ્યારે અપ્રમાણસર મિલકતના કેસમાં દક્ષિણ ગુજરાતનો એક હેડ કૉન્સ્ટેબલ ઘર છોડીને ફરાર થઈ ગયો છે.
કૉન્સ્ટેબલને પકડવા ACB Trap કેમ ગોઠવાઈ ?
ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન (Dhrangadhra City Police Station) ખાતે તાજેતરમાં એક યુવક સામે પૉક્સો/બળાત્કારનો કેસ નોંધાયો છે. જે કેસમાં ધરપકડ કરાયેલો આરોપીને મદદ કરવા તેમજ કેસ ચાલે ત્યારે પણ આરોપીને મદદ કરવા તેના પિતાને ખાતરી આપી હતી. આરોપીને મદદ કરવા પેટે 30 હજાર રૂપિયાની માગણી ધ્રાંગધ્રા સિટીના પોલીસ કૉન્સ્ટેબલ માંગીલાલ કાળુભાઈ પઢીયારે કરી હતી. આરોપીના પિતા લાંચ આપવા માગતા નહીં હોવાથી તેમણે એસીબીના અધિકારીનો સંપર્ક કર્યો હતો. શનિવારે ACB Trap ગોઠવીને આંબેડકર સર્કલ પીજીવીસીએલ કચેરીના ગેટ પાસે માંગીલાલ પઢીયાર 30 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો.
લાંચ કેસમાં ભાગવાનો પ્રયાસ કરનારો ડીએ કેસમાં ફરાર થવામાં સફળ
એપ્રિલ-2017માં સુરત શહેર પોલીસમાં ફરજ બજાવતો હેડ કૉન્સ્ટેબલ ઘનશ્યામ પોપટભાઈ બેદરે 15 હજારના લાંચ કેસ (ACB Trap) માં ઝડપાયો હતો. નાણાકીય દેવદેવડની મેટરમાં પતાવટ કરવા પેટે 10 હજારની લાંચ મેળવ્યા બાદ વધુ 15 હજાર લેવા પહોંચેલા હે.કૉ. ઘનશ્યામ બેદરે (HC Ghanshyam Bedre) કારમાં નાસી જવા પ્રયાસ કર્યો હતો. જેમાં એક ડીજીવીસીએલના કર્મચારી/સાક્ષીને પગમાં ફ્રેક્ચર પણ થયું હતું. Team ACB એ પીછો કરીને ઘનશ્યામને પકડ્યો તો તેણે હાર્ટ એટેક આવ્યો હોવાનું નાટક કરી ખાનગી હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો. સુરતથી નવસારી જિલ્લામાં ટ્રાન્સફર કરાયેલા ઘનશ્યામ બેદરેની 26.64 લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત સુરત શહેર એસીબી (Surat City ACB) એ શોધી કાઢી તેની સામે ગુનો નોંધ્યો છે. એપ્રિલ-2013થી માર્ચ-2017 દરમિયાન ભ્રષ્ટ રીતરસમ અપનાવીને 100 ટકાથી વધુ અપ્રમાણસર મિલકત વસાવી છે. એસીબીની ટીમ ઘનશ્યામની ધરપકડ કરવા પહોંચે તે પહેલાં તે ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચો- બોગસ કોલ સેન્ટરના માસ્ટર માઈન્ડ વિકાસ નિમાર ઉર્ફે મિસ્ટીને CBI એ ઝડપ્યો, મિસ્ટીએ અમદાવાદને ગઢ બનાવ્યો હતો


