Gujarati Top News : આજે 28 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 28 મે 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : આજે ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. સૌરાષ્ટ્રમાં કોરોના કેસો એકાદ એક સામે આવી રહ્યા છે. જેમાં રાજકોટ, જામનગર બાદ હવે જુનાગઢમાં કોરોનાની એન્ટ્રી તથા દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી છે. જેમાં તંત્રને સ્ટેન્ડ બાય રહેવા આદેશ આપી દેવામાં આવ્યો તથા CMની અધ્યક્ષતામાં સવારે 10 કલાકે કેબિનેટની બેઠક મળશે. જેમાં 75 વર્ષની ઉજવણી પહેલાના લક્ષ્યાંકો અંગે રોડ મેપ તૈયાર કરાશે તેમજ ગુજરાતના 22 જિલ્લામાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી છે. અમદાવાદ-ગાંધીનગરમાં ભારે પવન સાથે મીની વાવાઝોડાની અસર દેખાશે જેવા વિવિધ તાજા સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
સૌરાષ્ટ્રમાં કોરોના કેસો એકાદ એક સામે આવી રહ્યા છે
સૌરાષ્ટ્રમાં કોરોના કેસો એકાદ એક સામે આવી રહ્યા છે. જેમાં રાજકોટ, જામનગર બાદ હવે જુનાગઢમાં કોરોનાની એન્ટ્રી છે. જુનાગઢમાં ઝાંઝરડા રોડ પર 60 વર્ષા વૃદ્ધને કોરોના થયો છે. જોષીપુરા અને સરગવાડામાં 45 વર્ષ મહિલામાં કોરોનાના લક્ષણો જણાતા શંકાસ્પદ હોય હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. તેમજ રાજકોટમાં વિદેશથી આવેલ યુવક કોરોના પોઝીટીવ છે. શિવાજી પાર્કમાં રહેતી 28 વર્ષની મહિલા કોરોના પોઝીટીવ છે. જામનગરમાં નવા એકપણ કેસ સામે આવ્યા નથી. જામનગરમાં કોરોનાના 9 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે.
દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી છે. જેમાં તંત્રને સ્ટેન્ડ બાય રહેવા આદેશ આપી દેવામાં આવ્યો છે. સુરત સહિત કેટલાક જિલ્લામાં ભારે વરસાદ આવી શકે છે. ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં આકાશમાં ઘેરાયેલા કાળાડિબાંગ વાદળોથી ઘનધોર અંધારૂ છવાઈ ગયું હતું. ઉગતા પરોઢે રાત્રિના અંધકાર જેવો માહોલ સર્જાયો હતો. વરસાદી માહોલ વચ્ચે મહુવા અને તળાજા પંથકમાં મેઘરાજાએ દે ધના ધન કર્યું હતું. મહુવામાં પોણો કલાકમાં અઢી ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે તળાજામાં પોણો ઈંચ પાણી વરસતા રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
CMની અધ્યક્ષતામાં સવારે 10 કલાકે કેબિનેટની બેઠક મળશે
CMની અધ્યક્ષતામાં સવારે 10 કલાકે કેબિનેટની બેઠક મળશે. જેમાં 75 વર્ષની ઉજવણી પહેલાના લક્ષ્યાંકો અંગે રોડ મેપ તૈયાર કરાશે. PMએ મહત્વના લક્ષ્યાંકો નક્કી કરવા સૂચન આપ્યું હતું. તથા કમોસમી વરસાદથી પાક નુકશાની અંગે પણ સમીક્ષા થશે. સુજલામ સુફલામ જળસંચય અભિયાનની સમીક્ષા થશે. સરકારના કેટલાક નીતિ વિષયક બાબતો પર ચર્ચા થશે.
ગુજરાતના 22 જિલ્લામાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી
ગુજરાતના 22 જિલ્લામાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી છે. અમદાવાદ-ગાંધીનગરમાં ભારે પવન સાથે મીની વાવાઝોડાની અસર દેખાશે. રાજ્યમાં 30 મે સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ભાવનગરમાં પણ સવારથી જ આકાશમાં ઘેરાયેલા કાળાડિબાંગ વાદળોના કારણે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.


