ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં કેટલા નવા ચહેરાઓની થઈ એન્ટ્રી? જાણો વિસ્તારપૂર્વક
ગાંધીનગર : ગુજરાતમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું આજે વિસ્તરણ કરવામાં આવ્યું છે, જેમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ નવા ચહેરાઓની એન્ટ્રીથી ગુજરાતમાં ભાજપને કેટલો ફાયદો થશે, તે અંગે તો આગામી સમયમાં જ ખ્યાલ આવશે પરંતુ આજે આપણે જાણી લઈએ કે, કેટલા ધારાસભ્યોને પહેલી વખત મંત્રીપદ આપવામાં આવ્યું છે.
આ વખતે મંત્રીમંડળમાં નવા ચહેરા પર નજર નાખવામાં આવે તો તેમાં અર્જુન મોઢવાડિયા, રીવાબા જાડેજા, ઈશ્વરસિંહ પટેલ, જિતુ વાઘાણી, નરેશ પટેલ, પીસી બરંડા, કાંતિ અમૃતિયા, કૌશિક વેકરિયા, રમેશ કટારા, જયરામ ગામિત, દર્શનાબહેન વાઘેલા, પ્રદ્યુમન વાઝા, મનીષા વકીલ, પ્રવીણ માળી, સંજયસિંહ મહીડા, કમલેશ પટેલ, ત્રિકમ છાંગા, સ્વરૂપજી ઠાકોરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અગાઉના મંત્રી ઋષિકેશ પટેલ (વીસનગર), કુંવરજી બાવળિયા (જસદણ), પરસોત્તમ સોલંકી (ભાવનગર ગ્રામ્ય), કનુભાઈ દેસાઈ (પારડી) અગાઉની કેબિનેટ સાથે યથાવત હોવાના કારણે તેમના રાજીનામા સ્વીકારવામાં આવ્યા નથી. તેથી તેમણે શપથ પણ લીધા નહોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો- Harsh Sanghvi નો ઐતિહાસિક ઇતિહાસ – સેવકથી નાયબ મુખ્યમંત્રીની સફર
અર્જુન મોઢવાડિયા એક સમયે કોંગ્રેસના સૌથી પીઢ નેતાઓ પૈકી એક હતા, પરંતુ 2024માં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. 2002માં તેઓ પહેલી વખત ધારાસભ્ય બન્યા હતા. ભાજપમાં આવ્યા પછી તેઓ પહેલી વખત મંત્રી બન્યા છે. આમ અર્જૂન મોઢવાડિયાને બીજેપીમાં આવવાનું ઈનામ મળ્યું છે. પાછલા ઘણા સમયથી બીજેપી માટે સારી કામગીરી કરવાનું ઈનામના રૂપમાં તેમને મંત્રી બનાવવામાં આવ્યા હોવાનું પણ કહેવામાં આવે છે.
તો બીજી તરફ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હોય તેવા કેટલાક ધારાસભ્યોએ મંત્રીપદ ગુમાવવા પણ પડ્યા છે. આવા નેતાઓમાં બળવંતસિંહ રાજપૂત, ભીખુસિંહ પરમાર, કુંવરજી હળપતિ અને રાઘવજી પટેલ સામેલ છે. આ તમામ નેતાઓની કાર્યક્ષમતા સતત ઓછી થઈ રહી હોવાના કારણે તેમને હટાવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
તો ભૂપેન્દ્ર પટેલે પોતાની ટીમમાં આ વખતે 3 મહિલાઓનો સમાવેશ કર્યો છે, જોકે, કોઈને કેબિનેટ પદ આપવામાં આવ્યું નથી. અગાઉની કેબિનેટમાંથી કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, હર્ષ સંઘવી, પ્રફુલ પાનસેરિયા, પરસોત્તમ સોલંકીને રિપીટ કરવામાં આવ્યા છે.
અમરેલીમાં પાયલ ગોટી પ્રકરણથી વિવાદમાં આવેલા કૌશિક વેકરિયાને મંત્રીપદ મળ્યું છે. તે ઉપરાંત કૌશિક વેકરિયાને રાજ્ય ગૃહખાતા જેવું મહત્વપૂર્ણ પદ પણ આપવામાં આવવાની અટકળો ચાલી રહી છે. તે સિવાય મોરબી બ્રિજ દુર્ઘટના વખતે ચમકેલા કાંતિ અમૃતિયાનો પણ મંત્રીમંડળમાં સમાવેશ થયો છે. તાજેતરમાં આપના ગોપાલ ઇટાલિયાને રાજીનામું આપવાનો પડકાર ફેંકીને કાંતિ અમૃતિયાએ એક નવી ચર્ચા ઉભી કરી હતી.
જણાવી દઈએ કે, શપથવિધિ સમારોહમાં સૌથી પહેલાં હર્ષ સંઘવી (મજુરા વિધાનસભા બેઠક)એ નાયબ મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યાર પછી જિતુ વાઘાણી (ભાવનગર પશ્ચિમ), નરેશ પટેલ (ગણદેવી), અર્જુન મોઢવાડિયા (પોરબંદર), ડૉ. પ્રદ્યુમન વાજા (કોડીનાર), રમણ સોલંકી (બોરસદ)એ શપથ લીધા હતા.
ત્યાર બાદ ઈશ્વરસિંહ પટેલ (અંકલેશ્વર), પ્રફુલ પાનસેરિયા (કામરેજ) અને મનીષા વકીલ (વડોદરા શહેર)એ સ્વતંત્ર હવાલા સાથે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા.
કાંતિલાલ અમૃતિયા (મોરબી), રમેશ કટારા (ફતેપુરા), દર્શના વાઘેલા (અસારવા), કૌશિક વેકરિયા (અમરેલી), પ્રવીણ માળી (ડીસા), ડૉ. જયરામ ગામિત (નિઝર)એ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા.
તેમના પછી ત્રિકમ છાંગા (અંજાર), કમલેશ પટેલ (પેટલાદ), સંજયસિંહ મહીડા (મહુધા), રીવાબા જાડેજા (જામનગર ઉત્તર), પીસી બરંડા (ભિલોડા), સ્વરૂપજી ઠાકોર (વાવ)એ શપથ લીધા હતા. તેઓ પણ રાજ્યકક્ષાના મંત્રી બનશે.
આ પણ વાંચો- આજે જ મળશે મંત્રીમંડળની cabinet meeting , થશે ખાતાઓની ફાળવણી


