Israel-Iran conflict : ઈરાન પર ઈઝરાયલનો મોટો હુમલો, સંરક્ષણ મંત્રાલય, પરમાણુ સ્થળ અને ગેસ ક્ષેત્રને નિશાન બનાવ્યું
- ઈઝરાયલે ઈરાન પર કર્યો પલટવાર
- ઈરાનના અનેક સ્થળો પર ઈઝરાયલે કર્યો હુમલો
- ઇઝરાયલે ઈરાનના ઓઈલ અને ગેસ સ્ટેશનને કર્યા ટાર્ગેટ
- ઈરાનના શિરાઝમાં લશ્કરી થાણાઓ પર ઈઝરાયલે કર્યો હુમલો
શનિવારે રાત્રે પશ્ચિમ એશિયામાં તણાવ વધુ વધ્યો જ્યારે ઈરાન અને ઇઝરાયલે ફરી એકવાર એકબીજા પર મિસાઇલો છોડ્યા. છેલ્લા 48 કલાકમાં, આ સંઘર્ષ ખૂબ જ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે, જેમાં અત્યાર સુધીમાં 138 ઈરાની નાગરિકો અને લશ્કરી કર્મચારીઓના મોત થયા છે. મૃતકોમાં 9 પરમાણુ વૈજ્ઞાનિકો અને 20 થી વધુ ઈરાની લશ્કરી કમાન્ડરનો સમાવેશ થાય છે. તે જ સમયે, 350 થી વધુ લોકો ઘાયલ થયા છે.
સંરક્ષણ મંત્રાલય અને પરમાણુ સ્થળ સહિત 150 સ્થળો પર હુમલો
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) એ દાવો કર્યો છે કે તેણે તેહરાનમાં 150 થી વધુ લક્ષ્યો પર મોટા પાયે હુમલા કર્યા છે, જેમાં ઈરાનના સંરક્ષણ મંત્રાલય, પરમાણુ શસ્ત્રો પ્રોજેક્ટનું મુખ્ય મથક અને ઇંધણ સંગ્રહ કેન્દ્રોનો સમાવેશ થાય છે. IDF અનુસાર, ગુપ્ત માહિતીના આધારે વાયુસેનાના ફાઇટર જેટ દ્વારા આ હુમલા કરવામાં આવ્યા હતા. તેહરાન તેમજ બુશેહર સહિત ઈરાનના ઘણા મહત્વપૂર્ણ શહેરોમાં 150 થી વધુ લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
ઈરાને બદલો લીધો, 50 બેલિસ્ટિક મિસાઈલો છોડી
ઈરાને ઈઝરાયલ પર લગભગ 50 બેલિસ્ટિક મિસાઈલો છોડીને બદલો લીધો. ઈઝરાયલની રાજધાની તેલ અવીવ અને બેન ગુરિયન એરપોર્ટ નજીક જોરદાર વિસ્ફોટો થયા. આના કારણે દેશભરમાં સાયરન વાગ્યા અને લાખો લોકો સલામત સ્થળો તરફ દોડતા જોવા મળ્યા. ઈઝરાયલના ગેલિલી ક્ષેત્રમાં એક રહેણાંક મકાન પર મિસાઈલ પડતાં ત્રણ મહિલાઓના મોત થયા.
'ઓપરેશન ટ્રુ પ્રોમિસ III
ઈરાની લશ્કરી પ્રવક્તાએ જાહેરાત કરી છે કે 'ઓપરેશન ટ્રુ પ્રોમિસ III' હવે તેના આગામી તબક્કામાં પ્રવેશી ગયું છે અને તેનો ઉદ્દેશ્ય ઇઝરાયલી લશ્કરી ક્ષમતાઓને સંપૂર્ણપણે નષ્ટ કરવાનો છે. પ્રવક્તાએ કહ્યું કે અમે ઝાયોનિસ્ટ શાસનની શક્તિને એક પછી એક ખતમ કરી રહ્યા છીએ, જે સમગ્ર વિશ્વમાં આતંક ફેલાવે છે.
ઈરાનના 7 રાજ્યોમાં સંરક્ષણ પ્રણાલી સક્રિય
ઈરાનની રાજધાની સહિત સાત રાજ્યોમાં હવાઈ સંરક્ષણ પ્રણાલી સંપૂર્ણપણે સક્રિય થઈ ગઈ છે. ઇઝરાયલે પણ તેની સરહદો પર સુરક્ષા વ્યવસ્થાને ઉચ્ચતમ સ્તર સુધી વધારી દીધી છે. પ્રાદેશિક નિષ્ણાતો માને છે કે જો આ સંઘર્ષ વધુ ઊંડો થશે તો સમગ્ર મધ્ય પૂર્વમાં ગંભીર અસ્થિરતા ઊભી થઈ શકે છે.
આ પણ વાંચોઃ PM Modi : પીએમ મોદી સાયપ્રસ પહોંચ્યા, રાષ્ટ્રપતિ નિકોસે એરપોર્ટ પર લાલ જાજમ બિછાવી કર્યુ સ્વાગત
અમેરિકાએ તેના નાગરિકોને ઈરાન છોડવાની ચેતવણી આપી છે
આ દરમિયાન, અમેરિકાએ તેના નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડવાની ચેતવણી જારી કરી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે ઈરાનમાં રહેતા અમેરિકન નાગરિકોને ગંભીર ખતરો થઈ શકે છે. યુએસ વર્ચ્યુઅલ એમ્બેસીએ સ્પષ્ટતા કરી કે અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ રાજદ્વારી સંપર્ક નથી, તેથી જરૂર પડ્યે અમેરિકા મદદ કરી શકશે નહીં.
આ પણ વાંચોઃ Israel Iran News : 'ઈઝરાયલે પહેલા હુમલા બંધ કરવા જોઈએ, અમે...', શું ઈરાને શરણાગતિ સ્વીકારી લીધી છે?