Israel: બેન્જામિન નેતન્યાહુના ઘર પર ફરી હુમલો થતાં ઇઝરાયેલ રઘવાયુ બન્યું
- ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના ઘર પર ફરી હુમલો
- હુમલા સમયે વડાપ્રધાન નેતન્યાહુ અને તેમનો પરિવાર તેમના નિવાસસ્થાને હાજર ન હતા
- ઘટનાની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી
- પીએમ નેતન્યાહુને એક મહિનામાં બીજી વખત સીધા નિશાન બનાવવામાં આવ્યા
Israel PM Netanyahu : ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ (Israel PM Netanyahu) ના ઘર પર ફરી હુમલો થયો છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલના જણાવ્યા અનુસાર, સીઝેરિયામાં વડાપ્રધાન નેતન્યાહુના ઘર પર ફરી હુમલો કરવામાં આવ્યો છે. પીએમના ઘર તરફ બે અગનગોળા છોડવામાં આવ્યા હતા, જે ઇઝરાયેલના પીએમના ઘરના આંગણામાં પડ્યા હતા. ઇઝરાયેલ પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે. જોકે, આ હુમલો કોણે અને ક્યાંથી કર્યો તે અંગે પોલીસે કોઈ માહિતી આપી નથી.
સુરક્ષા એજન્સીઓએ હુમલા અંગે નિવેદન જારી કર્યું
વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના ઘર પર થયેલા હુમલાને લઈને ઈઝરાયેલની સુરક્ષા એજન્સી શિન બેટે નિવેદન જારી કરીને કહ્યું કે, 'આ ઘટનામાં કોઈ નુકસાનના સમાચાર નથી. હુમલા સમયે વડાપ્રધાન નેતન્યાહુ અને તેમનો પરિવાર તેમના નિવાસસ્થાને હાજર ન હતા. જો કે આ ઘટનાની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.
હિઝબુલ્લાએ પહેલા પણ નિશાન બનાવ્યું હતું
પીએમ નેતન્યાહુને એક મહિનામાં બીજી વખત સીધો નિશાન બનાવવામાં આવ્યા છે. આ પહેલા 19 ઓક્ટોબરે હિઝબુલ્લાએ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના ઘર પર ડ્રોન હુમલો કર્યો હતો. હુમલામાં ઉપયોગમાં લેવાયેલું ડ્રોન નેતન્યાહુના ઘરની નજીક એક બિલ્ડિંગ પર પડ્યું હતું. આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ડ્રોન હુમલા સમયે વડાપ્રધાન નેતન્યાહૂ અને તેમનો પરિવાર ઘરે હાજર નહોતો.
આ પણ વાંચો----યુદ્ધ વચ્ચે Israel ના PM Benjamin Netanyahu એ લીધો એવો નિર્ણય કે બધા ચોંકી ગયા...
તમામ રાજકીય પક્ષોએ પીએમ પર હુમલાની નિંદા કરી
ઈઝરાયેલના વડાપ્રધાનના ઘર પર થયેલા આ હુમલાની ઈઝરાયેલના તમામ રાજકીય પક્ષોએ સખત નિંદા કરી છે. વિપક્ષી નેતાઓ યાયર લેપિડ અને બેની ગેન્ટ્ઝે આ હુમલાના દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયેલ કાત્ઝે સોશિયલ મીડિયા પર કહ્યું, 'હદ વટાવી દેવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓએ આ મામલે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.
ઇઝરાયલનો આયર્ન ડોમ પણ છતાં હુમલાઓ
જેરુસલેમ પોસ્ટના અહેવાલ મુજબ, ઇઝરાયેલના સંરક્ષણ નિષ્ણાતનું માનવું છે કે લાંબા અંતરની મિસાઇલને નષ્ટ કરવામાં ઇઝરાયેલને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. જોકે, ઈઝરાયેલની સુરક્ષા વ્યવસ્થા ટૂંકા અંતરના રોકેટ, મિસાઈલ કે ડ્રોન શોધવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. સંરક્ષણ નિષ્ણાત લિરાન એન્ટેબેએ જણાવ્યું હતું કે ડ્રોન ખૂબ જ ઓછી ઉંચાઈ પર ઉડે છે. તે વિસ્ફોટકોથી ભરેલું છે, તેથી તેને નિશાન બનાવવું ખતરનાક બની શકે છે અને લોકોને નુકસાન પણ પહોંચાડી શકે છે.
ઈઝરાયેલના આયર્ન ડોમ માટે પણ અચાનક થતા ઘણા હુમલાઓ અટકાવવાનું શક્ય નથી
ઈઝરાયેલના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે જો ઈઝરાયેલ પર ડ્રોન કે મિસાઈલ દ્વારા મોટા પાયે હુમલો કરવામાં આવે તો પણ ઈઝરાયેલ પાસે તેનો સામનો કરવા માટે પૂરતી વ્યવસ્થા નથી. હા, કેટલીક મિસાઈલોને રોકી શકાય છે, પરંતુ ઈઝરાયેલના આયર્ન ડોમ માટે પણ અચાનક થતા ઘણા હુમલાઓ અટકાવવાનું શક્ય નથી.
આ પણ વાંચો---Israel Katz કોણ!, જે યુદ્ધ વચ્ચે ઇઝરાયેલના નવા સંરક્ષણ મંત્રી બન્યા?


