DRISHYAM સ્ટાઇલ મર્ડર, મુંબઇમાં પત્નિએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી
- ફિલ્મી કહાની લોકોની જીવનની ક્રુર હકીકત બની રહી છે
- મુંબઇમાં દ્રશ્યમ ફિલ્મ સ્ટાઇલે પત્નીએ પ્રેમી જોડે મળીને પતિનું ઢીમ ઢાળી દીધુ
- કોઇનું ધ્યાન ના જાય તે માટે મૃતદેહ દાટી, ટાઇલ્સથી ચણાવી દીધું
DRISHYAM STYLE MURDER : મહારાષ્ટ્ર (MAHARASTRA) ના નાલાસોપારા (NALASOPARA) થી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, અહિં એક મહિલાએ તેના બોયફ્રેન્ડની મદદથી તેના પતિની ક્રૂરતાથી હત્યા કરી અને તેના મૃતદેહને ઘરમાં દાટી દીધો (WIFE MURDER HUSBAND) હોવાનું સામે આવ્યું છે. આ ચોંકાવનારી ઘટના નાલાસોપારા પૂર્વના ગંગાદીપડા વિસ્તારમાં આવેલી સાઈ વેલ્ફેર સોસાયટીની એક ચાલીમાં બની છે. હત્યા પછી મહિલાએ તેના સાળાને ટાઇલ્સ લગાવવાનું કહીને લાશ છુપાવી દીધી હતી. આ ઘટનાથી સપાટી પર આવતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. આ ઘટનામાં મૃતક વ્યક્તિનું નામ વિજય ચૌહાણ છે. હત્યાના આરોપી મહિલાનું નામ ગુડિયા ચૌહાણ અને તેના પ્રેમીનું નામ મોનુ વિશ્વકર્મા હોવાનું કહેવાય છે. આ દંપતીને 8 વર્ષનો એક પુત્ર પણ છે.
શું છે આખો મામલો?
એવું કહેવાય છે કે, મૃતક વિજયની પત્ની ગુડિયાનું મોનુ સાથે અફેર હતું. વિજય તેમના સંબંધોમાં અવરોધ બની રહ્યો હતો, તેથી બંનેએ એક યોજના બનાવી અને વિજયની નિર્દયતાથી હત્યા કરી નાંખી હતી. એટલું જ નહીં, ગુનો છુપાવવા માટે આરોપીએ મૃતદેહને ઘરમાં જ દાટી દીધો હતો. હત્યા પછી લાશ છુપાવવા માટે મહિલાએ તેના સાળાને તે જગ્યાએ ટાઇલ્સ લગાવવાનું કહ્યું જેથી તેનું પાપ કોઈને દેખાય નહીં.
જમીન ખોદીને મૃતદેહ મળ્યો
દરમિયાન આ ઘટના પછી જ્યારે પરિવારના સભ્યોએ વિજય વિશે પૂછ્યું, ત્યારે ગુડિયાએ સતત તેઓને પતિ વિશે ગેરમાર્ગે દોર્યા કરતી હતી. ઘણા દિવસો પછી,જ્યારે પરિવારના સભ્યોએ વિજયના ઘરનો દરવાજો તોડ્યો, ત્યારે તેમને ઘરમાંથી દુર્ગંધ આવવા લાગી હતી. આ પછી તેઓએ જમીન ખોદી, ત્યારે તેમાંથી વિજયનો મૃતદેહ મળી આવ્યો હતો.
મોબાઇલ પર શંકાસ્પદ સંદેશા મળ્યા
આ ઘટના લગભગ 15 દિવસ પહેલા બની હતી. પરંતુ બે દિવસ પહેલા મહિલાના મોબાઈલ પર કેટલાક શંકાસ્પદ સંદેશા મળ્યા બાદ પોલીસને શંકા ગઈ હતી. પૂછપરછ દરમિયાન આ કમકમાટીભરી હત્યાનો ખુલાસો થયો હતો. પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રે મૃતદેહને બહાર કાઢીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. હાલમાં આરોપી મહિલા અને તેનો પ્રેમી ફરાર છે. પોલીસે બંને આરોપીઓને શોધવા માટે ટીમો બનાવી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ થવાની શક્યતાઓ છે.
આ પણ વાંચો ---- ટેક્નિકલ ખામી જણાતા જ AIR INDIA નું વિમાન રોકી દેવાયું, 155 કિમીની ઝડપે પાયલોટે બ્રેક મારી


