ગુજરાતમાં નવા જિલ્લા-તાલુકાઓમાં વહીવટી તંત્ર તાત્કાલિક શરૂ કરવાના અપાયા આદેશ
- નવા જિલ્લા તાલુકામાં વહીવટી કાર્યવાહી શરૂ કરવા સૂચના
- કલેક્ટર, SP, DDO ની જગ્યા ઉભી કરવા સૂચના અપાઈ
- જગ્યાઓ ઉભી કરી વહીવટી પ્રક્રિયા હાથ ધરવા સૂચના
- નવી જગ્યા ઉભી ન થાય ત્યાં સુધી ચાર્જ પર રાખવા સૂચના
- સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી કરવા સૂચના અપાઈ
- મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવે પત્ર લખી કરી જાણ
ગુજરાત સરકારે વહીવટી સરળતા લાવવા અને જનતાને સરકારી સેવાઓનો લાભ ઝડપથી મળી રહે તે હેતુથી તાજેતરમાં જાહેર કરાયેલા નવા જિલ્લાઓ અને તાલુકાઓમાં વહીવટી પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવાના મહત્ત્વના પગલાં લીધાં છે. આ અંગે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવે રાજ્યના તમામ સંબંધિત વિભાગોને એક પત્ર લખીને જરૂરી વહીવટી કાર્યવાહી યુદ્ધના ધોરણે હાથ ધરવા સૂચના આપી છે. સરકારનો આ નિર્ણય વહીવટી માળખાને ઝડપથી જમીની સ્તરે શરૂ કરવાનો છે.
નવા જિલ્લા તાલુકા માં વહીવટી કાર્યવાહી શરૂ કરવા સૂચના
નોંધનીય છે કે સરકારના આદેશ અનુસાર, નવા રચાયેલા વહીવટી એકમો માટે તાત્કાલિક ધોરણે કલેક્ટર (Collector), પોલીસ અધિક્ષક (SP), અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) જેવી મહત્ત્વની જગ્યાઓ ઊભી કરવાની પ્રક્રિયા શરૂ કરવા જણાવાયું છે. આ જગ્યાઓ વહીવટી તંત્રના સંચાલન અને વિકાસ માટે પાયાની જરૂરિયાત છે. જોકે, આ નવી જગ્યાઓનું કાયમી માળખું ઊભું થાય અને કાયમી અધિકારીઓની નિમણૂક થાય ત્યાં સુધીનો સમયગાળો ધ્યાનમાં રાખીને એક વચગાળાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. સૂચનામાં સ્પષ્ટ જણાવાયું છે કે, જ્યાં સુધી નવી જગ્યાઓ ઊભી ન થાય ત્યાં સુધી હાલના અધિકારીઓને આ મહત્ત્વના હોદ્દાઓનો વધારાનો ચાર્જ સોંપીને પણ વહીવટી કામકાજ તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવે.
નવા જિલ્લા તાલુકા માં વહીવટી કાર્યવાહી શરૂ કરવા મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવે સૂચના આપી
રાજ્ય સરકારે તાજેતરમાં વાવ-થરાદને નવો ૩૪મો જિલ્લો બનાવવાની અને રાજ્યમાં વધુ ૧૭ નવા તાલુકાઓની રચનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. આ વિસ્તારોમાં વહીવટી મુખ્ય મથકો નજીક આવવાથી ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને સરકારી કામો, જમીનના દસ્તાવેજો અને વિવિધ પ્રમાણપત્રો મેળવવામાં થતી મુશ્કેલીઓ અને લાંબા અંતરની મુસાફરીમાંથી મુક્તિ મળશે. મહેસૂલ વિભાગ દ્વારા અપાયેલી આ સૂચનાથી હવે આ નવા જિલ્લાઓ અને તાલુકાઓમાં વહીવટી તંત્રને ઝડપથી ગતિ મળી શકશે, જેના પરિણામે વિકાસ કાર્યોને વેગ મળશે અને સ્થાનિક સ્તરે નાગરિકોની સુખાકારીમાં વધારો થશે. તમામ સંબંધિત વિભાગોને નિર્ધારિત સમયમાં કાર્યવાહી પૂર્ણ કરવા જણાવી દેવાયું છે.
આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટ તરફથી ધારાસભ્ય હાર્દિક પટેલને મોટી રાહત, ધરપકડ વોરન્ટ રદ્દ કરાયું


