Rajkot : CCTVની બેટરી ચોરતી ગેંગનો પર્દાફાશ, રિક્ષા લઈને બેટરી ચોરવા નીકળતી હતી ટોળકી
- રાજકોટમાં બેટરી ચોરી કરતી ગેંગ પોલીસે ઝડપી પાડી
- આઈવે પ્રોજેક્ટના CCTV કેમેરામાંથી બેટરીની કરતા હતા ચોરી
- પોલીસે એક સગીર અને બે રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા
- આઈવે પ્રોજેક્ટ હેઠળ અલગ-અલગ વિસ્તારમાં કેમેરા નાખ્યા હતા
રાજકોટ શહેરમાં નાગરીકોની સુરક્ષા માટે આઈવે પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે. આ સીસીટીવી કેમેરાના આઉટડોર યુનિટના તાળા તોડી બેટરી ચોરી કરતી ગેંગને પકડવામાં પોલીસને સફળતા મળી છે. ઝોન-2ની ટીમે ચોર ટોળકીને શોધવા અલગ-અલગ વિસ્તારના સીસીટીવી ચેક કર્યા અને બાતમીદારોને કામે લગાવ્યા હતા..એ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, શાસ્ત્રી મેદાન લીમડા ચોકના ગેટ પાસે એક રિક્ષામાં બે શખ્સ ચોરીની બેટરી સાથે બેઠા છે..તેના આધારે પોલીસ ત્યાં પહોંચી રિક્ષામાંથી સુરેશ ચારોલીયા, ધીરુ વાજેલીયા અને એક સગીરને ચોરીની બેટરી સાથે ઝડપી લીધા. આરોપીઓ પાસેથી ચોરીની 29 બેટરી સહિત બે લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે પકડેલા ત્રણેય આરોપીઓની પૂછપરછ કરી. તેમાં બહાર આવ્યું છે કે, આ ત્રિપુટીએ 2 જૂનથી 19 જૂન સુધી શહેરના અલગ-અલગ 15 સ્થળોએ લાગેલા સીસીટીવી કેમેરાની બેટરીની ચોરી કરી હતી. પોલીસને શંકા ન જાય એ માટે ત્રિપુટી રાતના સમયે રિક્ષા લઈને નીકળતી હતી. જે જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવેલા હોય તે જગ્યાએ ચોરીને અંજામ આપતી હતી.
અલગ-અલગ વિસ્તારોમાં લગાવેલા સીસીટીવી કેમેરાના આઉટડોર યુનિટનું તાળુ તોડી તેમાંથી બેટરી ચોરી કરતા હતા. તાળુ તોડવા માટે આરોપીઓ કટર સાથે રાખતા હતા. આ રીતે આરોપીઓએ રાજકોટના એસ્ટ્રોન ચોક પાસે બે સ્થળે, NCC ચોક, રેસકોર્સ ટેનિસ કોર્ટ, જયુબેલી ચોક, સોરઠીયાવાડી ગાર્ડન, પારૂલ ગાર્ડન, હિંગળાજ ચોક, કાંતા સ્ત્રી વિકાસ, આંબેડકર કોલોની, મહિલા કોલેજ, નાના મવા સર્કલ, ડો. યાજ્ઞિક રોડ, સદર બજાર ચોક સહિતના વિસ્તારોમાં GFX OUT લાગેલા સીસીટીવી કેમેરામાંથી 17 દિવસમાં 45 બેટરી ચોરી કર્યાનું કબૂલ્યું છે.
આ પણ વાંચોઃ Surat : બસમાં વગર ટિકિટ મુસાફરી કરનાર સામે કાર્યવાહી, 30થી વધુ પેસેન્જરો ટિકિટ વગર ઝડપાયા
પોલીસના કહેવા મુજબ આરોપી સુરેશ અગાઉ પણ ચોરી સહિત બે ગુનામાં ઝડપાયેલો છે. સગીર આરોપી પણ અગાઉ મોબાઈલ અને બાઈક ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. આ ટોળકીએ રાજકોટ સિવાય અન્ય કોઈ જિલ્લામાં ચોરી કરી છે કે કેમ.કેટલા સમયથી ચોરી કરતા હતા. ચોરીની બેટરી ક્યાં અને કોને વેચતા હતા..એ બાબતે પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Gujarat rain : મોડાસા અને મેઘરજમાં ધમાકેદાર વરસાદ, હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી


