Rajkot: હવે મારી પાસે રૂપિયા નથી, થાકી ગયો છું.... વ્યાજખોરોના ત્રાસથી યુવકે આત્મહત્યા કરી
- વ્યાજખોરીમા ફસાયેલા અલ્પેશ સાકરિયાનો ઝેરી દવા પી આપઘાત
- આપઘાત કરતા પૂર્વે અલ્પેશ સાકરિયાએ બનાવ્યો અંતિમ વીડિયો
- અંતિમ વીડિયોમાં યુવકે પોલીસ પાસે ન્યાયની માગણી કરી
રાજકોટમાં વધુ એક વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસથી જીવન ટૂંકાવ્યું છે. રાજકોટમાં રહેતા અલ્પેશ સાકરિયાએ ઝેરી દવા પી આપઘાત કર્યો છે. આપઘાત પૂર્વે અલ્પેશ સાકરિયાએ અંતિમ વીડિયો બનાવ્યો હતો. તેમજ એક ચિઠ્ઠી લખી હતી જેમાં વ્યાજખોરોના નામ અને મોબાઈલ નંબર લખ્યા હતા. અને લખ્યું હતું કે, કાયદો જીવીત હશે તો મને ન્યાય મળશે.
બાલભવન નજીક ઝેરી પાવડર પીને જીવન ટૂંકાવ્યું
અલ્પેશ સાકરિયાએ સ્યૂસાઇડ કરતા પહેલા અંતિમ વીડિયો અને સ્યૂસાઇડ નોટ પરિવારના ગ્રુપમાં પોસ્ટ કરી હતી. વીડિયોમાં કહ્યું કે, “મારી બધી બહેનોને જય માતાજી, છેલ્લો મારો વીડિયો છે, સુખી રહેજો, જય માતાજી હોં બધી બહેનોને.”
આત્મહત્યાની ચિઠ્ઠીમાં લખ્યું કે, “મારા મોતના કારણ નીચે છે, જેની પાસેથી મે વ્યાજે રૂપિયા લીધા છે તે તમામને મેં મૂળીથી વધારે રૂપિયા આપી દીધા છે, પણ હવે મારી પાસે રૂપિયા નથી, થાકી ગયો છું. હવે હું રૂપિયા આપી શકું તેમ ના હોય જીવન ગુમાવું છું.” જેની પાસેથી વ્યાજથી રૂપિયા લીધા હતા તે તમામના નામ અને મોબાઈલ નંબર લખીને પરિવારના વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ કરી હતી.
આ પણ વાંચો: VADODARA : જર્મનીથી ઓપરેટેડ ગેંગનો ભાગેડુ અપરાધી ઇનઓર્બિટ મોલમાંથી મળ્યો


